યુદ્ધ વિરામનો જશ લેનારા ડોનાલ્ડ ટ્રમ્પ પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરશે, રશિયા-ચીનની સમકક્ષ ઊભા રહેવા તાકાત દર્શાવશે
યુએસએના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ છેલ્લા ત્રણ દાયકા પછી ફરીથી પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ શરૂ કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે રશિયા અને ચીન સાથે સમાન સ્તરે પરિસ્થિતિને સંતુલિત કરવા માટે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરવું જરૂરી છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરવાની જાહેરાત કરી છે.

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, ચોકાવનારો સંકેત આપ્યો છે કે, તેમનો દેશ ત્રણ દાયકા બાદ પ્રથમ વખત પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ શરૂ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, આ પરીક્ષણો રશિયા અને ચીન સાથે “સમાન સ્તરે” કરવામાં આવશે. ટ્રમ્પના નિવેદનમાં યુએસ નીતિમાં સંભવિત મોટા પરિવર્તન વિશે બહુ ઓછી માહિતી આપવામાં આવી હતી. ટ્રમ્પે ગુરુવારે દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતના થોડા સમય પહેલા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરી હતી.
અમેરિકાનુ સૈન્ય પહેલાથી જ પરમાણુ શસ્ત્રોનું વહન કરવા સક્ષમ હોય તેવી મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે, પરંતુ અમેરિકાએ છેક 1992 થી પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ જાળવી રાખ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે પરિવર્તન જરૂરી છે, કારણ કે અન્ય દેશો શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યા છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કયા દેશોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, આ નિવેદન શીત યુદ્ધ યુગની પરમાણુ સ્પર્ધાની યાદ અપાવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અન્ય દેશોના પરીક્ષણ કાર્યક્રમોને કારણે, મેં યુદ્ધ વિભાગને અમારા પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ સમાન સ્તરે શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.” વ્હાઇટ હાઉસ, જે અમેરિકન રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલયે ટ્રમ્પના આ નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. અમેરિકન સંરક્ષણ મંત્રાલયના મુખ્ય મથક, પેન્ટાગોનના અધિકારીઓએ પણ ટ્રમ્પની પરમાણુ મિસાઇલ પરીક્ષણોની જાહેરાત અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા નથી.
આ પણ વાંચોઃ ટ્ર્મ્પના ટપોરી મુલ્લા મુનીરની ઈઝરાયેલ સાથે બેઠક, પેલેસ્ટાઈન-હમાસ સામેના જંગમાં પ્યાદા તરીકે કરાશે પાકિસ્તાનનો ઉપયોગ