આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ફટકાર ચીનની વધી ચિંતા, પહેલગામ હુમલાને લઈને કવાડ દેશ ભારતની સાથે
ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાની આકરી નિંદા કરવામાં આવી હતી. મુસ્લિમ આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પુછીને 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકને ગોળીએ માર્યા હતા. ક્વાડ દેશોએ આતંકવાદ સામે સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેનાથી પાકિસ્તાન અને ચીનને આંતરરાષ્ટ્રીય મંચ પરથી મજબૂત સંદેશ મળ્યો છે.

ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાના મુદ્દા પર ભારતને ધારી સફળતા મળી છે. આ બેઠકમાં, ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ, ગત 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી હતી. પાકિસ્તાન પ્રાયોજિત આ આતંકવાદી હુમલામાં, 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી પ્રવાસીને આતંકવાદીઓએ તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળીએ ઠાર માર્યા હતા.
ક્વાડના વિદેશ પ્રધાનો માટે આ ઘટનાની એકસાથે નિંદા કરવી, આ મુદ્દા પર ભારતની લાગણીઓને સમર્થન આપવું અને આતંકવાદ સામે સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી એ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ (Quad-Quadrilateral Security Dialogue) વૈશ્વિક સંગઠનમાં ભારત ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આર્થિક સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા ભાગીદારી માટે રચાયેલ છે. ચીન કવાડને તેના વિરોધી સંગઠન માને છે.
આ વર્ષે ભારતમાં યોજાનારી ક્વાડ સમિટ પહેલા, અમેરિકામાં યોજાયેલી ક્વાડ દેશના વિદેશ પ્રધાનોની આ બેઠકમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાનોએ ભાગ લીધો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ખાતે યોજાયેલી આ બેઠકમાં ભારત તરફથી વિદેશ પ્રધાન એસ જયશંકર, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, જાપાનના વિદેશ પ્રધાન તાકેશી ઇવાયા અને ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વોંગે ભાગ લીધો હતો.
આ બેઠક પછી, ક્વાડ દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી. તેઓએ સરહદ પારના આતંકવાદની પણ નિંદા કરી. ક્વાડ દેશોએ આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની વાત કરી. હાલમાં, સરહદ પાર આતંકવાદનો સૌથી મોટો ભોગ ભારત બની રહ્યું છે, જે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદથી પરેશાન છે.
સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ક્વાડ 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે. આ હુમલામાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિકે જીવ ગુમાવ્યા હતા. અન્ય પણ ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ક્વાડ દેશોએ કહ્યું કે આ હુમલાના ગુનેગારોને શક્ય તેટલી વહેલી તકે ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. તેમણે સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને આ મામલે સહયોગ કરવા વિનંતી કરી.
ક્વાડ દેશો દ્વારા જાહેર કરાયેલ આ સંયુક્ત નિવેદન પાકિસ્તાન માટે મોટો આંચકો છે, કારણ કે તેમાં અમેરિકા અને તેના સાથી ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન અને પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા ચોકાવનારા રાજદ્વારી પગલાંએ સંદેશ આપ્યો કે અમેરિકાએ હવે પાકિસ્તાનની આતંકવાદી નીતિ પ્રત્યે આંખ આડા કાન કર્યા છે.
તેમણે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને વ્હાઇટ હાઉસમાં ભાવતા ભોજન ખવડાવીને તેમના ઇરાદાઓને વધુ મજબૂત બનાવ્યા. પરંતુ, જે રીતે વિશ્વના ચાર મુખ્ય દેશોએ અમેરિકાની ધરતી પરથી આતંકવાદ સામે એકતા દર્શાવી છે અને ભારતના દૃષ્ટિકોણને ટેકો આપ્યો છે, તે મુનીર માટે નિરાશા સિવાય બીજું કંઈ નથી.
આ સમય દરમિયાન, જયશંકરે ત્રણેય દેશોના તેમના સમકક્ષોની હાજરીમાં આતંકવાદ પર ભારતનો દૃષ્ટિકોણ જે રીતે રજૂ કર્યો, તે પાકિસ્તાન અને તેની સેના તેમજ આતંકવાદી નેતાઓનું મનોબળ નિરાશ કરશે તે ચોક્કસ છે. અમેરિકાના વિદેશ પ્રધાનની હાજરીમાં, ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું, ‘આપણા તાજેતરના અનુભવને ધ્યાનમાં રાખીને, હું આતંકવાદ પર એક વાત કહેવા માંગુ છું. દુનિયાએ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા બતાવવી જોઈએ.’
એસ. જયશંકરે વધુમાં કહ્યું, ‘પીડિતો અને ગુનેગારોને ક્યારેય સમાન ના માનવા જોઈએ. ભારતને આતંકવાદ સામે તેના લોકોનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને અમે તે અધિકારનો ઉપયોગ કરીશું. અમને આશા છે કે અમારા ક્વાડ ભાગીદારો આ સમજશે અને પ્રશંસા કરશે…’
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો