હવે ચીને લગાવ્યો આક્ષેપ, કહ્યુ-અમારી એર સ્પેસમાં 10 વખત પ્રવેશી ચૂક્યું છે અમેરિકન બલૂન
ચીનના જાસૂસી બલૂનને એટલાન્ટિક મહાસાગરમાં તોડી પાડ્યા બાદ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ તેમનો ચીન પ્રવાસ રદ્દ કર્યો હતો. ત્યારે ચીને હવે આક્ષેપ કરતા કહ્યુ છે કે, અમારી એર સ્પેસમાં 10 વાર આવ્યા હતા અમેરિકાના બલૂન.
જાસૂસી બલૂનને લઈને ચીને હવે અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. ચીને સોમવારે કહ્યું હતું કે જાન્યુઆરી 2022 થી, અમેરિકન બલૂન તેના એરસ્પેસમાં 10 થી વધુ વખત પ્રવેશ્યા હતા. ગયા શનિવારે અમેરિકાએ ફાઈટર જેટ વડે દક્ષિણ કેરોલિનાના કિનારે એટલાન્ટિક મહાસાગરમાં ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. ત્યારપછી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ પણ જોવા મળી રહી છે.
જાસૂસી બલૂનને તોડી પાડવાના મામલે રવિવારે ચીન પર નિશાન સાધતા અમેરિકી સાંસદે કહ્યું કે, આ ઘટના બાદ બેઇજિંગનો બદઈરાદાનો પર્દાફાશ થયો છે અને તેનું જુઠ્ઠાણું પકડાયું છે. સેનેટના બહુમતી નેતા ચક શૂમરે એબીસીના ધિસ વીક પ્રોગ્રામમાં કહ્યું, મને લાગે છે કે ચીનની પોલ ખુલ્લી થઈ ગઈ છે. તેમનું જૂઠ પકડાઈ ગયું છે. જોકે સાંસદે બાઈડન પ્રશાસનને ચીન સાથે સંબંધો ચાલુ રાખવાની અપીલ પણ કરી હતી.
ચીનની પાંચ કંપનીઓને કરાઈ બ્લેકલિસ્ટ
જાસૂસી બલૂનને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ શુક્રવારે એક મોટું પગલું ભરતાં ચીનની પાંચ કંપનીઓ અને એક સંશોધન સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાની જાહેરાત કરી છે. યુએસએ કહ્યું કે આ પાંચ કંપનીઓ બેઇજિંગના જાસૂસી સંબંધિત અંતરિક્ષ કાર્યક્રમો સાથે જોડાયેલી છે. અમેરિકાના આ પગલાને બદલાની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યું છે.
ચીને જાસૂસીનો ઇનકાર કર્યો હતો
અમેરિકન એરસ્પેસમાં તોડી પાડવામાં આવેલા બલૂન અંગે ચીને સ્વીકાર્યું છે કે, બલૂન તેમનુ હતુ, પરંતુ આ વખતે તેનો હેતુ જાસૂસી કરવાનો ન હતો પરંતુ હવામાનની માહિતી એકઠી કરવાનો હતો. જાસુસની વાતનો ઇનકાર કર્યો હતો. ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યા બાદ અમેરિકન સુરક્ષા એજન્સીઓ તેના ભંગારનું પરીક્ષણ કરી રહી છે.