AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈથી 3,000 KM દૂર દરિયામાં ભારતીય નૌકાદળની સર્જિકલ સ્ટ્રાઈક! સોમાલિયાના લૂંટારાઓ પાસેથી ઈરાની જહાજના 20 ક્રૂ સભ્યોને છોડાવ્યા!

ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં સાહસિક બચાવ અભિયાન ચલાવીને ઈરાનના માછીમારી જહાજ અજિનીના 20 ક્રૂ સભ્યોને સોમાલિયાના દરિયાઈ લૂંટારાઓના કબજામાંથી સુરક્ષિત રીતે છોડાવ્યા છે.

Breaking News : મુંબઈથી 3,000 KM દૂર દરિયામાં ભારતીય નૌકાદળની સર્જિકલ સ્ટ્રાઈક! સોમાલિયાના લૂંટારાઓ પાસેથી ઈરાની જહાજના 20 ક્રૂ સભ્યોને છોડાવ્યા!
Indian Navy Rescues Iranian Vessel Ajini Somali Pirates Arabian SeaImage Credit source: X | @rajnathsingh
| Updated on: Nov 03, 2026 | 8:01 AM
Share

અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળે મોટું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ઈરાનના માછીમારી જહાજ અજિનીના તમામ 20 ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લીધા છે. આ જહાજને 30 ઓક્ટોબરના રોજ સોમાલિયાના દરિયાઈ લૂંટારાઓએ હાઇજેક કરી લીધું હતું. ભારતીય નૌકાદળે સોમવારે (02 નવેમ્બર) 48 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત મુક્ત કરાવ્યા હતા. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. નૌકાદળની આ સફળ કામગીરી બદલ રક્ષામંત્રી રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યાં છે.

આ સમગ્ર ઓપરેશન મુંબઈથી લગભગ 3,000 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ લૂંટારાઓના કબજામાંથી જહાજ અને તેના ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતીય નૌકાદળે ભારતીય વાયુસેનાની પણ મદદ લીધી હતી. રક્ષામંત્રીએ આ સફળ ઓપરેશન માટે ભારતીય નૌકાદળની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી અત્યંત સાવચેતી અને ઉત્તમ સંકલન સાથે પૂર્ણ કરવામાં આવી હતી.

રક્ષામંત્રી રાજનાથ સિંહે નૌકાદળને પાઠવ્યાં અભિનંદન

રક્ષામંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “2 નવેમ્બર 2026 ના રોજ મુંબઈથી 3,000 કિલોમીટરથી વધુ દૂર અરબી સમુદ્રમાં દરિયાઈ લૂંટારાઓના કબજામાં રહેલા માછીમારી જહાજ અજિનીના તમામ 20 ક્રૂ સભ્યોને બચાવવા માટે ભારતીય નૌકાદળે 48 કલાક સુધી અત્યંત સુનિયોજિત અભિયાન ચલાવ્યું હતું. આ સફળ ઓપરેશન બદલ હું ભારતીય નૌકાદળને અભિનંદન આપું છું.”

ભારતીય વાયુસેનાની મદદથી જહાજને શોધી કાઢવામાં આવ્યું

રક્ષામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “ભારતીય વાયુસેનાના સમયસર મળેલા સહયોગથી ભારે હથિયારોથી સજ્જ દરિયાઈ લૂંટારાઓના કબજામાંથી ક્રૂ સભ્યો અને જહાજને શોધી કાઢવું, લૂંટારાઓને રોકવા અને તમામ લોકોને સુરક્ષિત મુક્ત કરાવવું એ ભારતીય નૌકાદળની ઉચ્ચ ઓપરેશનલ સજ્જતા અને સમગ્ર ક્ષેત્રમાં દરિયાઈ જોખમોનો નિર્ણાયક રીતે સામનો કરવાની ક્ષમતા દર્શાવે છે.

આપણા બહાદુર જવાનોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારત પાસે લોકોના જીવ બચાવવા, દરિયાઈ સુરક્ષા જાળવવા અને સમગ્ર હિંદ મહાસાગર વિસ્તારમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાની ક્ષમતા, ઇચ્છાશક્તિ અને દૃઢ સંકલ્પ છે. ભારત સુરક્ષિત સમુદ્ર (SAFE SEAS) સુનિશ્ચિત કરવા અને મુક્ત, ખુલ્લા તથા સુરક્ષિત હિંદ મહાસાગર ક્ષેત્રને જાળવી રાખવાની પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે.”

સોમાલિયાના કિનારા નજીક લૂંટારાઓએ જહાજનું અપહરણ કર્યું હતું

મીડિયા અહેવાલો અનુસાર, ઈરાનના માછીમારી જહાજ’અજિનીનું ઉત્તર-પૂર્વીય સોમાલિયામાં બંદર બાયલા અને હાફુનના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરિયાઈ લૂંટારાઓએ જહાજને પોતાના કબજામાં લઈ લીધું હતું. ભારતીય નૌકાદળ 23 ઓક્ટોબર 2008થી એડનની ખાડીમાં દરિયાઈ લૂંટારાઓ સામે સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે.

આ કામગીરી માટે ભારતીય નૌકાદળનું ઓછામાં ઓછું એક યુદ્ધજહાજ હંમેશાં તૈનાત રહે છે. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ માર્ગે થતા ભારતીય વેપારને સુરક્ષિત રાખવાનો, જહાજો પર કામ કરતા કર્મચારીઓમાં વિશ્વાસ જાળવવાનો અને દરિયાઈ લૂંટારાઓના હુમલાઓને રોકવાનો છે.

આ પણ વાંચો, મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા તો રાષ્ટ્રપતિ પદ રહેશે કે જશે, કેમ સમગ્ર દુનિયાની નજર આ ચૂંટણી પર છે?- વાંચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">