Pakistanમાં લોટ માટે મરી રહ્યા છે લોકો, જ્યારે 20 અરબ રૂપિયાની રોટલી ખાઈ ગયા અધિકારી, જાણો વિગતો
પાકિસ્તાનમાં લોટ માટે લોકો લડતા-જગડતા, મારતા અને લૂંટતા જોવા મળ્યા છે. પરંતુ આટલી ગરીબી અને આર્થિક સંકટ વચ્ચે પણ સરકારી અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે. આ દાવો PML-Nના નેતા શાહિદ ખાકાન અબ્બાસીએ કર્યો છે.

પાકિસ્તાનમાં લોટની અછત છે. સરકાર દ્વારા મફતમાં વિતરણ કરવામાં આવતા લોટ માટે કિલોમીટરની લાંબી લાઈનો લાગી રહી છે. આ કેન્દ્રો પર નાસભાગમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાન સરકારની મફત લોટ વિતરણ યોજનામાંથી 20 અબજ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. આ દાવો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને રાજકીય પક્ષ PML-Nના વરિષ્ઠ નેતા શાહિદ ખાકાન અબ્બાસીએ કર્યો છે. લાહોરમાં એક કાર્યક્રમને સંબોધતા અબેબાસીએ કહ્યું હતું કે, દેશની સિસ્ટમ એટલી ભ્રષ્ટ અને જૂની થઈ ગઈ છે, અને તે કામ કરી શકતી નથી.
આ પણ વાચો: Pakistanને ભારતની સૌથી વધુ જરૂર, બિલાવલ ભુટ્ટોને ગોવા આવતા પહેલા પાકિસ્તાની નિષ્ણાતની મળી સલાહ
અબ્બાસીએ પાકિસ્તાન સરકારની ટીકા કરી
મીડિયા અહેવાલ અનુસાર પાકિસ્તાની નેતાએ કહ્યું કે, ભ્રષ્ટ અધિકારીઓની ઓળખ કરવામાં આવશે, પરંતુ આજના સમયમાં અમે ઈમાનદાર અધિકારીઓની શોધમાં છીએ. અબ્બાસીએ પૂછ્યું કે, રમઝાન દરમિયાન ગરીબોને મફત લોટનું વિતરણ કરવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 84 અબજ રૂપિયાની સબસિડીમાંથી ગરીબોને શું મળ્યું? તેમણે આરોપ લગાવ્યો કે, સરકારની મફત લોટ યોજનામાંથી 20 અબજ રૂપિયાથી વધુની ચોરી થઈ છે. આરોપોનો જવાબ આપતા કેન્દ્ર અને પંજાબની કાર્યકારી સરકારે તેમના દાવાઓને ફગાવી દીધા હતા.
સરકારે આરોપોને ફગાવી દીધા
પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું કે, રમઝાન દરમિયાન પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને ઈસ્લામાબાદમાં લાખો ગરીબોને સંપૂર્ણ પારદર્શિતા અને ઈમાનદારી સાથે મફત લોટ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શેહબાઝ શરીફે પોતે જુદા જુદા શહેરોમાં લોટ વિતરણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં મરિયમ ઔરંગઝેબે આ ઐતિહાસિક યોજનાને સફળ બનાવવા માટે મફત લોટ વિતરણ સાથે સંકળાયેલા વહીવટ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
શાહિદ ખાકાન અબ્બાસી માફી માગે
પંજાબના કાર્યકારી માહિતી મંત્રી આમિર મીરે પણ અબ્બાસીના આરોપને ફગાવી દેતા કહ્યું કે, મફત લોટ યોજનામાં એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર થયો નથી. તેમણે કહ્યું કે, મફત લોટ યોજના પંજાબના ઈતિહાસમાં સૌથી સફળ યોજના છે અને પંજાબના 3 કરોડ લોકોને સબસિડીનો લાભ મળ્યો છે. આમિર મીરે કહ્યું કે, લોટ સબસિડીને પાર્ટીની આંતરિક રાજનીતિ સાથે જોડવી યોગ્ય નથી. શાહિદ ખાકાન અબ્બાસીએ માફી માંગવી જોઈએ અથવા પુરાવા આપવા જોઈએ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…