તમે પણ નાકની જગ્યાએ મોઢા વડે શ્વાસ લો છો ? તો જાણી લો રિસર્ચમાં શું થયો ખુલાશો
સામાન્ય રીતે દરેક વ્યક્તિ નાક દ્વારા શ્વાસ લે છે, પરંતુ શ્વાસ લેવાનો બીજો રસ્તો મોં છે અને ઘણા લોકો મોં દ્વારા પણ શ્વાસ લે છે અને બહાર કાઢે છે. તમારા વડીલોએ તમને ઘણી વખત ચેતવણી આપી હશે કે મોં દ્વારા શ્વાસ નહીં લેવો નાક દ્વારા શ્વાસ લેવો જોઈએ. આ અંગે કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શા માટે મોંને બદલે નાક વડે શ્વાસ લેવાનું વધુ સારું છે.

આપણે જે રીતે શ્વાસ લઈએ છીએ તે પણ સૂચવે છે કે આપણે સ્વસ્થ છીએ કે અસ્વસ્થ્ય. જો કે સામાન્ય રીતે દરેક વ્યક્તિ નાક દ્વારા શ્વાસ લે છે, પરંતુ એવા ઘણા લોકો છે જે મોટે ભાગે મોં દ્વારા શ્વાસ લે છે. તાજેતરના સંશોધનમાં, 61 ટકા લોકોએ એ પણ સ્વીકાર્યું કે તેઓ મોં દ્વારા શ્વાસ લે છે.
જો કે મોં દ્વારા શ્વાસ લેવો સામાન્ય બાબત છે, તેમ છતાં તમે ઘણી વખત વડીલો અથવા આરોગ્ય નિષ્ણાતોને કહેતા સાંભળ્યા હશે કે તમારે નાક દ્વારા શ્વાસ લેવો જોઈએ. તો તમારે એ પણ જાણવું જરૂરી છે કે, આના વિશે અભ્યાસ શું કહે છે.
મહત્વના મુદા પર કરાયો અભ્યાસ
શ્વસનતંત્ર નાક અને મોંથી શરૂ થાય છે, જે વાયુમાર્ગ અને પછી ફેફસાંમાં જાય છે, જે શરીરમાં ઓક્સિજનનો યોગ્ય પ્રવાહ જાળવવામાં મદદ કરે છે. નાક અને મોં શ્વાસ લેવા માટેના બે માર્ગો માનવામાં આવે છે, પરંતુ નાક દ્વારા શ્વાસ લેવાને વધુ યોગ્ય માનવામાં આવે છે. હવે આ અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં નાક દ્વારા શ્વાસ લેવાનું શા માટે જરૂરી છે તે સમજાવવામાં આવ્યું છે.
નાક દ્વારા શ્વાસ લેવાથી વધુ ફાયદો થાય છે
અમેરિકન જર્નલ ઑફ ફિઝિયોલોજી, રેગ્યુલેટરી, ઇન્ટિગ્રેટેડ અને કમ્પેરેટિવ ફિઝિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર શ્વાસ લેવાની પેટર્ન તમારા બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને અસર કરે છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે જો તમે મોંને બદલે નાક વડે શ્વાસ લો છો તો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે.
20 યુવાનો પર કરાયો અભ્યાસ
આ અભ્યાસમાં 20 સ્વસ્થ યુવાનોને સામેલ કરવામાં આવ્યા હતા અને તેમને આરામ કરતી વખતે, વર્કઆઉટ કરતી વખતે તેમના નાક અથવા મોં દ્વારા જ શ્વાસ લેવાનું કહેવામાં આવ્યું હતું. આ સંશોધનમાં દરેક સેશન દરમિયાન લોકોનું બ્લડ પ્રેશર, બ્લડ ઓક્સિજન લેવલ અને હાર્ટ રેટ માપવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, એવું જોવા મળ્યું કે જ્યારે લોકો આરામ કરતી વખતે તેમના નાક દ્વારા શ્વાસ લે છે, ત્યારે તેમનું બ્લડ પ્રેશર ઓછું રહે છે અને હૃદયના ધબકારાનો સમય પણ સુધરે છે. આરામ દરમિયાન, નાક દ્વારા શ્વાસ લેતી વખતે નર્વસ સિસ્ટમ વધુ આરામદાયક સ્થિતિમાં રહે છે.
વર્કઆઉટ કરતી વખતે કોઈ ફરક પડે છે?
મોટાભાગે એવું જોવા મળે છે કે જ્યારે લોકો કોઈ ભારે વસ્તુ ઉપાડે છે, સીડી ચઢે છે, દોડે છે અથવા વર્કઆઉટ કરે છે, આ સમય દરમિયાન તેઓ મોં દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરે છે, કારણ કે તે સમયે હૃદયના ધબકારા ઝડપી થઈ જાય છે, તેથી મોં દ્વારા શ્વાસ લેવાનું વધુ સામાન્ય છે. તે આરામદાયક લાગે છે. પરંતુ મોટાભાગના લોકો કહે છે કે આ સમયગાળા દરમિયાન પણ શ્વાસ નાક દ્વારા જ લેવો જોઈએ. અભ્યાસ કહે છે કે વર્કઆઉટ કરતી વખતે નાક અથવા મોં દ્વારા શ્વાસ લેવામાં કોઈ તફાવત નથી.
