નાળિયેર ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. જે ભારતના નાના ખેડૂતોના જીવન સાથે સંકળાયેલ છે. નાળિયેરના ઝાડના તમામ ભાગો ઉપયોગી હોય છે. તેના કાચા ફળોનો ઉપયોગ પીણા તરીકે થાય છે. તો પાકેલા નાળિયેરમાંથી નીકળતું કોપરું તેમજ તેલ પણ ખુબ જ ઉપયોગી હોય છે. ખાવા સિવાય તેનું તેલ દવાઓમાં પણ વપરાય છે. તેના ફળની છાલનો ઉપયોગ વિવિધ ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે. આ ઉપયોગીતાને કારણે તેને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે.
ભારતમાં ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતનો દરિયાકિનારો 1600 કિમી લાંબો છે, છતાં નાળિયેર ઉત્પાદનમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાછળ છે. ત્યારે આ લેખમાં એ જાણીશું કે, નાળિયેર ઉત્પાદનમાં ગુજરાત કેમ પાછળ છે, ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન થાય છે તેમજ દેશમાં નાળિયેર ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે.
ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું છતાં નાળિયેરના ઉત્પાદનમાં ઘણું પાછળ છે. ગુજરાતમાં નાળિયેર ઉત્પાદનની વાત કરીએ તો, વર્ષ 2022-23માં 211.33 મિલિયન નંગ નાળિયેરનું ઉત્પાદન થયું હતું, જ્યારે સમગ્ર ભારતમાં 20535.88 મિલિયન નંગ નાળિયેરનું ઉત્પાદન થયું હતું. આ રીતે દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો માત્ર 1 ટકા જ છે. તો બીજી તરફ ગુજરાત કરતાં ટૂંકો દરિયાકિનારો ધરાવતાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
નાળિયેર એક રોકડિયો પાક છે. તેની ખેતીથી વધુ નફો મેળવી શકાય છે. જો આપણે ભારતમાં સૌથી વધુ નાળિયેર ઉત્પાદક રાજ્ય વિશે વાત કરીએ તો, નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. એટલે કે નાળિયેરના ઉત્પાદનમાં આ રાજ્ય સૌથી આગળ છે. અહીંના ખેડૂતો દર વર્ષે બમ્પર જથ્થામાં નાળિયેરનું ઉત્પાદન કરે છે. દેશના કુલ નાળિયેર ઉત્પાદનમાં એકલા કર્ણાટકનો ફાળો 28.97 ટકા છે.
નાળિયેરના ઉત્પાદનની દ્રષ્ટિએ કર્ણાટક પછી કેરળ બીજા ક્રમે છે, જ્યાં કુલ નાળિયેરનું 27.40 ટકા ઉત્પાદન થાય છે. ત્યાર બાદ તમિલનાડુ આવે છે, જ્યાં 26.40 ટકા નાળિયેરનું ઉત્પાદન થાય છે અને ત્યાર બાદ આંધ્રપ્રદેશ આવે છે. આંધ્રપ્રદેશમાં 8.30 ટકા નાળિયેરનું ઉત્પાદન થાય છે. આ ચાર રાજ્યોમાં જ નાળિયેરનું 90 ટકા ઉત્પાદન થાય છે, જ્યારે બાકીના અન્ય રાજ્યોમાં માત્ર 10 ટકા ઉત્પાદન થાય છે, જેમાં ગુજરાતનો હિસ્સો માત્ર 1 ટકા છે.
નાળિયેર ઉત્પાદનમાં ગુજરાત પાછળ હોવાના કારણોની વાત કરીએ તો કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ જેવા રાજ્યો કરતાં ગુજરાતમાં મીઠા પાણીની સમસ્યા વધુ છે, જેના કારણે નાળિયેરની ઉત્પાદકતા અને ગુણવત્તા પર અસર પડી છે. મીઠા પાણીના અભાવે દરિયાકાંઠાના વિસ્તારની જમીન ખારી થઈ ગઈ છે. જેના કારણે ભૂગર્ભ જળ પણ ખારું થઈ રહ્યું છે અને તેના કારણે નાળિયેરની ગુણવત્તા પર અસર થઈ રહી છે. નાળિયેરનું કદ પણ નાનું થઈ રહ્યું છે અને તેના પાણીનો સ્વાદ પણ બદલાઈ રહ્યો છે. જેના કારણે ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં પાછળ છે.
આ ઉપરાંત ગુજરાતમાં નાળિયેર સંબંધિત ઉદ્યોગો નથી. જેના કારણે ખેડૂતોની આવક ઘણી ઓછી છે. આ ઉપરાંત ગુજરાતના ખેડૂતો નાળિયેરના ઉત્પાદન માટે વરસાદ પર આધાર રાખે છે. તેથી જે વર્ષમાં ઓછો વરસાદ હોય ત્યારે મોટું નુકસાન થાય છે. ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન પરંપરાગત રીતે ઓછું છે, પરંતુ તેને વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો હવે કાર્બોહાઇડ્રેટ પીણાંને બદલે કુદરતી પીણાં પીવાનું પસંદ કરે છે. આ ટ્રેન્ડ ગુજરાતમાં પણ છે અને અહીં પણ નાળિયેરની માંગ ઝડપથી વધી રહી છે.
ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે. ગુજરાતમાંથી નાળિયેર દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ થાય છે. હાલમાં રાજ્યમાં 21 કરોડથી વધુ નાળિયેરનું ઉત્પાદન થઈ રહ્યું છે. નાળિયેરનું ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન વર્ષ 2016-17માં થયું હતું. એ સમયે 33 કરોડથી વધુ નાળિયેરનું ઉત્પાદન થયું હતું.
છેલ્લા એક દાયકામાં રાજ્યમાં લગભગ 4,500 હેક્ટર જમીન નાળિયેરની ખેતીમાં ઉમેરાઈ છે. રાજ્ય સરકારે રાજ્યમાં નાળિયેરના ઉત્પાદનને વેગ આપવા માટે સમર્પિત બજેટ ફાળવણી સાથે ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત દાયકામાં નાળિયેરના ઉત્પાદનમાં તો હજુ પાછળ છે, પરંતુ ખેતીમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. 2012-13માં રાજ્યમાં લગભગ 21 હજાર હેક્ટર જમીન પર નાળિયેરની ખેતી થતી હતી. જે 2022-23 સુધીમાં વધીને 25 હજાર હેક્ટરથી વધુ થઈ ગઈ છે.
રાજ્યમાં વધુને વધુ ખેડૂતોને નાળિયેરની ખેતી તરફ વાળવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવે છે. ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમ હેઠળ નાળિયેરની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર મહત્તમ રૂ. 37,500 સુધીની વાવણી ખર્ચના 75 ટકા સહાય આપવામાં આવે છે. આ સહાય બે હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત નાળિયેરમાં સંકલિત પોષણ અને જંતુના પ્રબંધન માટે ખર્ચના 50 ટકાના દરે મહત્તમ રૂ. 5000 પ્રતિ હેક્ટર સુધી સહાય પૂરી પાડવામાં આવે છે. રાજ્ય પ્લાન યોજના હેઠળ નાળિયેર રોપણી સામગ્રી માટે પ્રતિ હેક્ટર રૂ.13,000ની સહાય ખર્ચના મહત્તમ 90 ટકાને આધિન ચૂકવવામાં આવે છે.
કેન્દ્ર સરકારે નારિયેળની ખેતી અને તેના સંલગ્ન ક્ષેત્રના વિકાસ માટે નાળિયેર વિકાસ બોર્ડની રચના કરી છે. તેની પ્રાદેશિક કચેરી જૂનાગઢમાં 2 સપ્ટેમ્બર, 2022થી કાર્યરત છે. જૂનાગઢમાં આ કચેરી શરૂ થતાં આ વિસ્તારના ખેડૂતોમાં નાળિયેરની ખેતી તરફ આકર્ષણ વધ્યું છે. નાળિયેર વિકાસ બોર્ડના પ્રયાસોને કારણે નાળિયેરના વાવણી વિસ્તારમાં 1708 હેક્ટરનો વધારો થયો છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 2017થી અત્યાર સુધીમાં લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે. નારિયેળનું ઉત્પાદન વધારવા માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ ‘ફ્રેન્ડ્સ ઓફ કોકોનટ ટ્રી’ હેઠળ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત નાળિયેર વિકાસ બોર્ડની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.