વડોદરા કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો, 76 બેઠકો માટે 1,451 દાવેદારો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરી છે. જેમાં BJPએ  6 મહાનગરપાલિકામાં ઉમેદવાર પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી દીધી છે.

  • tv9 webdesk33
  • Published On - 23:52 PM, 26 Jan 2021
Vadodara Corporation election Erupt More Claimants Against Seat

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરી છે. જેમાં BJPએ  6 મહાનગરપાલિકામાં ઉમેદવાર પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી દીધી છે. જેમાં BJPમાંથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા બીજા દિવસે પણ દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. વડોદરામાં 19 વોર્ડની 76 બેઠકો પર ભાજપમાંથી બે દિવસ દરમ્યાન 1,451 લોકોએ ઉમેદવાર માટે દાવેદારી કરી હતી. જેમાં સોમવારે 10 વોર્ડની 40 બેઠકો માટે 789 લોકોએ ઉમેદવાર માટે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી. જ્યારે આજે 9 વોર્ડની 36 બેઠકો માટે 662 લોકોએ ઉમેદવાર માટે દાવેદારી નોંધાવી હતી.

 

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતઓની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેમાં મહાનગરપાલિકા માટે જાહેરનામું 23 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 8 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 6 ફેબ્રુઆરી અને જ્યારે નગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયત માટે 13 ફેબ્રુઆરી  રહેશે. મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ પરત ભરવાની તારીખ 8 ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 16 ફેબ્રુઆરી રહેશે.

 

મહાનગરપાલિકા માટે મતદાન 21  ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7થી 6  વાગ્યા સુધી યોજાશે. મહાનગરપાલિકાનું પરિણામ 2 માર્ચ અને  નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતનું પરિણામ 5 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

 

આ પણ વાંચો: લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓના ઝંડા ફરકાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કાર્યવાહીની માંગ