પોસ્ટર લગાવનારાઓ વિરુદ્ધ વરસ્યા કેજરીવાલ, ગણાવ્યા કંસની ઔલાદ, ખુદને ગણાવ્યા કટ્ટર ભક્ત
Vadodara: વડોદરામાં સભા દરમિયાન અરવિંદ કેજરીવાલ તેમની વિરુદ્ધ પોસ્ટર લગાવનારાઓ સામે આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેમણે પોસ્ટર લગાવારાઓને કંસની ઔલાદ ગણાવ્યા હતા જ્યારે કેજરીવાલે ખુદને કટ્ટર ભક્ત ગણાવ્યા હતા.
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હાલ ગુજરાત આવેલા છે આ દરમિયાન પહેલા તેમણે રાજકોટમાં સભા સંબોધી હતી. ત્યારબાદ તેઓ વડોદરા (Vadodara) પહોંચ્યા હતા અહીં તેમણે એક કિલોમીટરનો રોડ શો કર્યો હતો. આ પહેલા કેજરીવાલે સભા સંબોધી હતી જેમા ભાજપ પર પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં કેજરીવાલના વિરોધમાં ઠેર-ઠેર વિવાદિત પોસ્ટરો (Posters) લાગ્યા હતા. આ પોસ્ટર લગાવનારાઓને વરસતા વરસાદમાં કેજરીવાલે તેમના વાકપ્રહારો દ્વારા આડે હાથ લીધા હતા.
કેજરીવાલે કહ્યુ પોસ્ટરો લગાવીને ભગવાનનું અપમાન કર્યું છે. તમે કંસની ઓલાદ છો, જે ભગવાનનું અપમાન કરે છે, મારા પર હનુમાનજીની કૃપા છે, હું કટ્ટર ભક્ત છું. મારો જન્મ જન્માષ્ટમી દિવસે થયો હતો. ભગવાને મને કંસની ઔલાદોનો નાશ કરવા અને આ લોકોથી મુક્તિ અપાવવા મોકલ્યો છે. હવે જનતા પરિવર્તન માગે છે. મને ગમે તેવી નફરત કરો, પણ ભગવાનનું અપમાન કરશો તો ભગવાન નહીં છોડે.
આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને જણાવ્યુ હતુ કે લોકો પરિવર્તન ઈચ્છે છે. ઝાડ પણ પાંદડાઓ બદલે છે. હવે આ સરકાર બદલો. વધુમાં માને ઉમેર્યુ કે પંજાબમાં 8700 નોકરીઓ આપીને આવ્યો છુ. તમે એકવાર આમ આદમી પાર્ટીને સત્તા પર લાવો, અમે તમારા સપનાને તૂટવા નહીં દઈએ.
આપને જણાવી દઈએ તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલના કેબિનેટ મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમનો વીડિયો વાયરલ થયો હતો. જેમા તેઓ હિંદુ દેવી-દેવતાઓને ન પૂજવા માટે શપથ લેવડાવી રહ્યા છે. દિલ્હી ભાજપના નેતાએ આ વીડિયો શેર કરી આક્ષેપ કર્યો કે એકતરફ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ મંદિરે મંદિરે ફરી જય શ્રી રામના નારા લગાવવાનું નાટક કરે છે તો બીજી તરફ કેજરીવાલના મંત્રી હિંદુ દેવી દેવતાઓને ન પૂજવાના શપથ લેવડાવી રહ્યા છે. જો કે આ વીડિયો સામે આવ્યા બાદ કેજરીવાલના મંત્રીએ એક નિવેદન જાહેર કરી માફી પણ માગી હતી.
આ વીડિયો સામે આવ્યા બાદ રાજ્યના અનેક શહેરોમાં કેજરીવાલ વિરોધી પોસ્ટર લાગ્યા છે. વડોદરામાં પણ કેજરીવાલ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમા આડકતરી રીતે કેજરીવાલ હિંદુ વિરોધી હોવાનો દાવો કરાયો છે. આજે વડોદરામાં પણ કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમની સામે કાળા વાવટા ફરકાવી કેજરીવાલ ગો બેકના નારા લગાવાયા હતા.