‘અન્ન એ જ ઈશ્વર તથા ભોજન એ જ ભગવાન’ એ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરવા તેમજ અન્નનો બગાડ અટકાવવા બાબતે જનજાગૃતી લાવવાના ઉમદા હેતુથી સુરતના એક યુવાન દ્વારા અનોખું જ અભિયાન છેડવામાં આવ્યું છે. સુરતમાં “અન્ન બચાવો – જીવ બચાવો ” ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભોજન – સમારોહમાં લોકોને જાગૃત કરી અન્નનું મહત્વ સમજાવવા તથા જાહેર પ્રસંગોમાં થતા અન્નના અતિશય બગાડને અટકાવવા માટે નિલેશ જીકાદરા નામના સામાજિક કાર્યકરે એક નવતર પ્રયોગ કર્યો હતો.
જેમાં ભોજન સમારોહ વિભાગમાં શાંતીપૂર્ણ રીતે અન્નના મહત્વ વિશે, અન્નનો બગાડ અટકાવવા વિશે તથા અન્નના બગાડથી થતા નુકશાન વિશેની ખુબ જ ઉપયોગી માહિતી સાથેના અલગ- અલગ પ્રકારના પોસ્ટર્સ શરીર પર બાંધીને આકર્ષક અને હ્રદયસ્પર્શી રીતે લોકજાગૃતી લાવવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવે છે. જેને લોકો દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ સેંકડો લોકોએ અન્નનો બગાડ નહીં કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
હાલના સમયમાં અમુક લોકોને બે ટંકનું તો ઠીક પણ એક ટંકનું પણ પેટ ભરીને જમવાનું મળતું નથી, ત્યારે અન્નનું અપમાન થતું અટકાવવું ખુબ જ જરૂરી બની ગયું વળી અન્નનો બગાડ કરવો તે નૈતિક અપરાધ છે. ભોજન સમારોહમાં થતા અતિશય અન્નના બગાડને સરકાવવા બાબતે નિલેશે જણાવ્યું હતુ કે જાહેર પ્રસંગોમાં આપણે કદાચ દાન નહીં આપીએ તો ચાલશે પણ અન્નનો બગાડ અટકે એ જરૂરી છે.
કોઈપણ સામુહિક પ્રસંગોમાં આ અનોખી પહેલ થકી જનજાગૃતી લાવવા માટે ‘અન્ન બચાવો – જીવ બચાવો’ ઝૂંબેશ ચાલુ રાખવાની નેમ પણ લીધી હતી એક ભોજન સમારોહમાં શરીર પર પોસ્ટર્સ બાંધીને અન્નના બગાડથી થતા નુકશાન વિશે માહિતી અપાઈ.
વિશ્વભરમાં અલગ અલગ શુભ પ્રસંગોએ ઉજવાતા ભોજન સમારંભ બાદ ખાદ્યપદાર્થો (Food) વધે છે, તેનાથી ભૂખથી (hunger) પીડાતા લોકોની ભૂખ બે વખત દૂર થઈ શકે છે. ખાદ્યપદાર્થોનો મોટાભાગનો બગાડ વિશ્વના વિકસિત અને સમૃદ્ધ દેશોમાં જ થાય છે, પરંતુ ભારત પણ આ મામલે પાછળ નથી. જો યુનાઈટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં લગભગ 50 કિલો ખોરાકનો બગાડ કરે છે. ખોરાકનો બગાડ અટકાવવા અને લોકોને જાગૃત કરવા સુરતના સામાજિક કાર્યકર દ્વારા શરૂ કરાયેલા ‘સેવ ફૂડ, સેવ લાઈફ’ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
લગ્ન સહિત અન્ય સામાજિક કાર્યોમાં ભોજનનો સૌથી વધુ બગાડ થાય છે. ઘણા લોકો વિચાર્યા વિના તેમની પ્લેટમાં ડઝનબંધ વાનગીઓ લે છે, પરંતુ તે ખાવામાં અસમર્થ હોય છે. આ માત્ર ખોરાકનો બગાડ નથી, પરંતુ તે ખેડૂતો, રસોઈયાઓ અને ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા તમામ લોકોની મહેનતનું અપમાન છે, જેના કારણે તૈયાર ખોરાક તમારી પ્લેટ સુધી પહોંચે છે.
જો સમગ્ર વિશ્વમાં લોકો ખોરાકનો બગાડ કરવાનું બંધ કરે તો માત્ર ભારત જ નહીં, પરંતુ આફ્રિકા સહિત દુનિયામાં ભૂખ કે કુપોષણથી પીડાતા કરોડો લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકે છે. નાઈજીરિયામાં રહેતા તેમના એક મિત્રએ જણાવ્યું કે અહીં એક લિટર પેટ્રોલ લગભગ 25 ભારતીય રૂપિયામાં મળે છે, પરંતુ એક કિલો શાકભાજી 120 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમતે નથી મળતું. અહીંનું ભોજન ઘણું મોંઘું છે.