Surat: હાય રે બેરોજગારી ! સફાઈ કામદારની નોકરી મેળવવા ઉચ્ચ શિક્ષણની વિગતો છુપાવી, બેસ્ટ કર્મચારીનો એવોર્ડ પણ મેળવ્યો, ભાંડો ફુટતા પોલીસ સ્ટેશનના પગથિયા ગણ્યા
સફાઇ કામદારની ભરતીમાં લાયકાત કરતાં વધુ અભ્યાસ કરેલા ઉમેદવાર દ્વારા ઓછી લાયકાત દર્શાવી નોકરી મેળવ્યાના વિવાદ વચ્ચે વધુ એક યુવાનનો ભાંડો ફૂટ્યો હતો. શૈક્ષણિક લાયકાત છુપાવી પાલિકામાં બેલદાર તરીકે નોકરી મેળવવા મામલે લાલગેટ પોલીસમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.
Surat: વર્ષ 2019 માં સફાઇ કામદારની ભરતીમાં લાયકાત કરતાં વધુ અભ્યાસ કરેલા ઉમેદવારો દ્વારા ઓછી લાયકાત દર્શાવી નોકરી મેળવ્યાના વિવાદ વચ્ચે વધુ એક યુવાનનો ભાંડો ફૂટ્યો હતો. ઉધના ઝોનમાં આસિ. મેનેજર તરીકે ફરજ બજાવતા કિરણ ગાંધીએ આ અંગે લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 2017 માં જ્યારે આ ભરતી અંગે જાહેરાત બહાર પાડવામાં આવી ત્યારે તેઓ મનપાના રિક્રૂટ વિભાગમાં સેક્શન ઓફિસર હતા. 2022માં તેમને એક અરજી મળી હતી. જેમાં 2019માં સફાઇ કામદાર તરીકે નોકરી મેળવનાર સિંગણપોરમાં રહેતો પ્રદીપ વિનોદ કાકલિયા મનપા દ્વારા માંગવામાં આવેલી લાયકાત કરતાં વધુ ભણ્યો છે. મનપા દ્વારા સફાઇ કામદારની નોકરી માટે ઓછામાં ઓછું ધોરણ ચાર પાસ અને વધુમાં વધુ નવ પાસની લાયકાત માંગવામાં આવી હતી. આ યુવાન કોલેજમાં પ્રથમ વર્ષ સુધી ભણ્યો હતો.
મનપા દ્વારા કરાયેલી તપાસમાં આ ઉમેદવાર વાસ્તવમાં વધુ ભણ્યાના પુરાવા મળતાં છેતરપિંડી બદલ ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે પ્રદીપ વિનોદભાઈ કાકલિયાની ધરપકડ કરી હતી. આરોપી પ્રદીપ કાકલીયાએ આ મુદ્દે કહ્યું હતું કે, ‘મેં ક્યાં કલેકટરની નોકરી માંગી હતી. મેં તો ઝાડું મારવાની નોકરી માંગી હતી ને’. તેમાં પણ હું 7 પાસ થયો હતો એટલે બતાવ્યું. બાકી મેં કોઈ ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા નથી. ઘો-10 અને ઘો-12 પાસને ક્યાં નોકરી મળે છે. મારે 3 દીકરી, માતા-પિતા સહિત 7 જણાનું ભરણપોષણ કરવાનું છે. આટલું ભણ્યા પછી પણ નોકરી મળતી નથી, શું કરીએ?
આ પણ વાંચો : માણસા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનાનો આરોપી સુરતથી ઝડપાયો, મે મહિનામાં કરી હતી લૂંટ
આ વ્યક્તિએ કહ્યું પાલિકામાં સફાઇ-કામદાર તરીકે લાગ્યો ત્યારે પહેલા વર્ષ 7500 પગાર હતો. વર્ષ 2020માં કોરોનામાં 8500 અને 2021માં 9500ના માસિક પગારમાં મેં મારો જીવ જોખમમાં મુકી કોરોનાની કામગીરી કરી હતી. જેમાં આરોગ્ય અધિકારી આશિષ નાયકના હસ્તે બેસ્ટ કર્મચારીનો એવોર્ડ પણ મળ્યો હતો. મને પાલિકાએ વર્ષ 2022માં મે મહિનામાં ડિસમિસ કરી દીધો હતો. મારે ઘર ચલાવવું મુશ્કેલ છે. આ સમગ્ર બનવાને લઈ હાલમાં લાયકાત કરતાં વધુ અભ્યાસ કરેલા આ ઉમેદવારો દ્વારા ઓછી લાયકાત દર્શાવી નોકરી મેળવ્યાના હોવાની વાતને લઈ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે આ બાબતે યુવાન ગુનેગાર છે કે કેમ તે આગામી સમયમાં સામે આવશે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો