Surat : ઓલપાડના મેગા મેડિકલ કેમ્પમાં પાટીલનું નિવેદન : ગુજરાતનું બજેટ છે તે આ રેવડીમાં જ પૂરું થઈ જાય
મનમોહન સરકાર પર આડકતરા પ્રહારો કરતા સી આર પાટીલે ઉમર્યું હતું કે બોલવું નહીં અંને ચાલવું નહીં તેવા PMના સમયમાં કોરોના આવ્યો હોય તો લાશોના ઢગલા ખડકાઈ ગયા હોત.
ઓલપાડ (Olpad ) ખાતે આજે વિકાસલક્ષી કાર્યક્રમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને BJPના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તેઓએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરીને ભારતની આત્મનિર્ભરતાની વાતો કરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રમાં પીએમ મોદીની સરકારને કારણે ગુજરાતને ઘણો ફાયદો મળ્યો છે. આજે ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ કરવાનો છે. તેઓએ ઉમેર્યું હતું કે કેન્દ્રની ઘણી યોજનાઓનો લાભ ગુજરાતને મળ્યો છે.
સરકારની ઉપલબ્ધી ગણાવતા સીએમ ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે ગુજરાતના 97 ટકા ગામોમાં નળથી જળ યોજના થી પાણી પહોંચ્યું છે. કોરોના બાદ પણ સરકારે નાના વેપારીઓની ચિંતા કરીને તેમનું ધ્યાન રાખ્યું છે. ઘણા એવા નિર્ણયો સરકારે કર્યા છે, જેનાથી લોકોને ફાયદો થયો છે. બે દાયકા પહેલા અને આજની શિક્ષણ વ્યવસ્થા પણ સુધરી હોવાનો દાવો સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યો છે.
બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ફરી રેવડી પ્રથા માટે કેજરીવાલ સરકારને આડે હાથ લીધી હતી. તેમને કહ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તા માટે જીત એજ લક્ષ્ય હોવું જોઈએ. પીએમની સેનાના સેનાપતિઓએ લક્ષ્ય નિશ્ચિત કર્યું છે, બધી સીટ જીતવી છે અને 50000 વધુ મત સાથે સીટ જીતવી છે. આખા દેશમાં PM મોદી આન બાન અને શાન સાથે 75 ટકા મત સાથે બિરાજમાન થયા છે. લોકો દ્વારા ચૂંટાયેલા દેશના પ્રધાનમંત્રી PM મોદી છે. મનમોહન સરકાર પર આડકતરા પ્રહારો કરતા તેઓએ ઉમર્યું હતું કે બોલવું નહીં અંને ચાલવું નહીં તેવા PMના સમયમાં કોરોના આવ્યો હોય તો લાશોના ઢગલા ખડકાઈ ગયા હોત.
હમણાં બધા રેવડીની વાત કરે છે. જેને કઇ આપવું નથી તે કઈ પણ કરી શકે. સી.આર, પાટીલે ઉમેર્યું હતું કે ગુજરાતનું બજેટ છે તે આ રેવડીમાં જ પૂરું થઈ જાય. ગુજરાત વિરોધી છે તેવા લોકોને ભેગા કરીને ગુજરાતમાં આગળ લાવવાનો પ્રયાસ કરે છે તેને પૂછવું છે કે ગુજરાતની સમૃદ્ધિ તમને કેમ નથી ગમતી. તેમણે હુંકાર આપ્યો હતો કે ગુજરાતના વિકાસને રોકવા વાળા લોકોને ગુજરાત ભાજપની ટીમ જવાબ આપશે.