Olpad : ખાડાથી ત્રાસેલા ગ્રામજનોનું વાહનવ્યહવાર મંત્રીને રોડ પર ગાડી ચલાવવા નિમંત્રણ, રિપેરની કામગીરીમાં વેઠ ઉતારતા હોવાનો આક્ષેપ
તાજેતરમાં પડેલા વરસાદને(Rain ) કારણે રસ્તાઓની હાલત પહેલા હતી તેના કરતા પણ વધારે બદતર બની ગઈ છે. ત્યારે ફરી એકવાર ગ્રામજનો તંત્રનું ધ્યાન દોરવા માંગે છે
સ્માર્ટ(Smart ) સિટીને ગામડા(Villages ) સાથે જોડવાના સરકારના મહત્વાકાંક્ષી યોજનાના ઘોડા માત્રને માત્ર કાગળ ઉપર દોડતા હોવાનો ગંભીર આક્ષેપ થઇ રહ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ (Olpad )તાલુકા સહિતના તમામ ગ્રામીણ વિસ્તારના રોડ રસ્તાની વાસ્તવિકતા જોવામાં આવે તો તંત્ર દ્વારા કરવામાં આવેલો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ નજરે પડશે. રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર, થીંગડા મારવામાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ નજરે પડે છે. જેમાં પણ સૌથી વધારે માછલાં સુરત રેન્જનું માર્ગ મકાન વિભાગ પર ધોવાઈ રહ્યા છે.
સુરત જિલ્લામાં ઓલપાડ સહિતના ગ્રામીણ વિસ્તારના રસ્તાઓની હાલત આજે ખૂબ જ ખસતા છે. માર્ગ અને મકાન મંત્રી ખાડા પૂરવાના ફક્ત વચનો આપવાનું બંધ કરીને તેના કાયમી નિરાકરણ માટે ચિંતા કરવાની જરૂર છે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.. જ્યારે વાસ્તવિકતા જોવામાં આવે તો મંત્રીએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લાના પંથકના રસ્તાઓના પ્રવાસે આવવાની જરૂર છે તો તેઓને પણ ખબર પડે કે રસ્તાઓ કેવા તકલાદીઓ બનાવવામાં આવી રહ્યા છે.
સામાન્ય વરસાદમાં જે રસ્તામાં ધોવાણ થઈ રહ્યું છે એ જોતા સ્પષ્ટ થાય છે કે રોડ રસ્તા બનાવવામાં કે રીપેર કરવામાં તંત્રે માત્રને માત્ર વેઠ ઉતારી રહ્યું છે. કનાજ થી શેરડી સુધીના રસ્તા બનાવવાની દરખાસ્ત મંજૂર થઈ હોવા છતાં પણ રસ્તા બનાવવામાં પણ હજી સુધી આળસ ખંખેરવામાં આવી નથી. તે જ પ્રમાણે કીમ ચોકડી થી કીમ બજાર સુધી આરસીસીની ડ્રેનેજ લાઈનની દરખાસ્ત થઈ હોવા છતાં પણ કામ આગળ વધતું નથી. કીમ ઓવર બ્રિજની કામગીરી કેન્દ્ર ની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ અધૂરી છે.
આવા એક નહીં પણ અનેક ઉદાહરણો જોવા મળશે જેના કારણે છેલ્લે ગ્રામજનોને હેરાન થવાનો વારો આવ્યો છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે રસ્તાઓની હાલત પહેલા હતી તેના કરતા પણ વધારે બદતર બની ગઈ છે. ત્યારે ફરી એકવાર ગ્રામજનો તંત્રનું ધ્યાન દોરવા માંગે છે, અને આ રસ્તાઓનું તાકીદે રીપેરીંગ થાય તેવી માંગ કરી રહ્યા છે.