મુકમ કરોતી વાચાલમ, પંગુમ લંઘયતે ગીરિમ..સંસ્કૃતનો(Sanskrit ) આ શ્લોક ઘણી મોટી વાત કહી જાય છે. ઘણીવાર દિવ્યાંગો(Handicap ) પણ એ કરીને બતાવે છે જે સામાન્ય વ્યક્તિ માટે લગભગ અશક્ય હોય છે. જો હિંમત અને મહેનતથી આગળ વધવું હોય તો કોઈ હિમાલય નડતો નથી.
સુરતમાં અભ્યાસ કરતાં 17 વર્ષીય યુવાન માટે આ ઉક્તિ યથાયોગ્ય સાબિત થાય છે. આ યુવાનનું નામ છે રઇશ પટેલ. રઇશનો એક પગ બીજા પગ કરતા ત્રણ ઇંચ નાનો છે. પણ શરીરની આ ખોડને તેણે સપનાઓની આડે ક્યારેય આવવા દીધી નથી. રઇશના સપના ઘણા ઊંચા છે જેને પુરા કરવા તે તનતોડ મહેનત કરી રહ્યો છે.
રઇશ આજે 80 કિલો સુધીનું વજન ઊંચકી લે છે. તેનું સપનું છે પેરાલિમ્પિક ગેમ્સમાં રમવાનું અને શહેર તેમજ દેશનું નામ રોશન કરવાનું. રઇશના પિતા સામાન્ય દુકાન ચલાવે છે. થોડા વર્ષ પહેલાં રઇશે જાતે જ નક્કી કર્યું કે તેણે આ ખોડ સાથે બેસી નથી રહેવું પણ એ કરી બતાવવું છે જેને જોઈને લોકો દંગ રહી જાય.
અને તેના માયે તેણે શરૂઆતમાં સ્કેટિંગ, સ્વિમિંગ અને ફૂટબોલ રમવાની શરૂઆત કરી. ધીરે ધીરે તે પારંગત થતો ગયો અને પછી સામાન્ય સ્પર્ધકોની જેમ જ તે સ્પર્ધામાં ભાગ પણ લેવા લાગ્યો. રઇશનું કહેવું છે કે તેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે.હાલમાં જ્યાં પગની મુવમેન્ટ ઓછી થાય તેવી વેઇટલીફટિંગ કોમ્પિટિશન માટે તે તૈયારી કરી રહ્યો છે.
રઇશના કોચ ઉવેશ પટેલનું કહેવું છે કે રઇશનો આત્મવિશ્વાસ ગજબનો છે. તે વેઇટ લીફટિંગ શીખવા જ્યારે મારી પાસે આવ્યો ત્યારે મને વિશ્વાસ નહોતો કે તે આટલું સારું પર્ફોમ કરી શકશે. આજે તે 80 કિલોનું વજન આસાનીથી ઊંચકી શકે છે. તેના કોચ એ સાંભળીને પણ ચોંકી ગયા જ્યારે રઇશે તેમને જણાવ્યું કે તે ફૂટબોલ અને દોડની સ્પર્ધામાં પણ ભાગ લે છે.
પાવર લીફટિંગમાં રઇશનું પરફોર્મન્સ જોતા તેમને વિશ્વાસ છે કે તે ડિસ્ટ્રીકટ લેવલની પાવર લીફટિંગ સ્પર્ધામાં સારો સ્કોર કરીને મેડલ લાવશે.ઘણા ઓછા આવા વ્યક્તિઓ હોય છે જે શારીરિક ખોડખાપણ હોવા છતાં કંઈક કરી બતાવવાનો જુસ્સો રાખે છે. રઇશ તે તમામ માટે શ્રેષ્ઠ દાખલો છે.
Published On - 7:48 am, Sat, 7 August 21