રસ્તાને થૂંકદાની સમજી જાહેરમાં થૂંકનારાઓ સામે સુરત મહાનગરપાલિકાની લાલ આંખ, હવે થૂંક્યા તો ભરવો પડશે ભારે દંડ- Video
જાહેર રોડ-રસ્તા પર થૂંકનારાઓને સીધા કરવા માટે સુરત મહાનગરપાલિકાએ તખ્તો ઘડી કાઢ્યો છે અને શહેરમાં 4 હજાર કેમેરા દ્વારા જાહેરમાં થૂંકતા લોકો પર વોચ રાખવામાં આવશે અને આ થૂંકનારાઓને પકડી પકડીને તેમની પાસેથી ભારે દંડ વસુલવામાં આવશે.
આમ તો દરેક જાણે જ છે પાન-માવા ખાઈને જાહેરમાં થૂકવુ ન જોઈએ. પરંતુ કેટલાક લોકોમાં આટલી સાવ સાદી સમજનો પણ અભાવ હોય છે અને આવા લોકોની જ સાન ઠેકાણે લાવવા માટે સુરત મહાનગરપાલિકાએ હવે જાહેરમાં થૂકવા બદલ ભારે દંડ વસુલવાનું શરૂ કર્યુ છે. તો સુરતીઓ જો તમે જાહેર રોડ રસ્તા પર થૂકવાનું બંધ નહીં કરો તો તંત્ર તમારી પાસેથી ભારે દંડ વસુલીને બંધ કરાવશે.
આપણે જોયુ જ છે કે મોટાભાગે ટ્રાફિક સિગ્નલ પર, કે કોઈ રસ્તાને જાણે થૂકદાની સમજીને ગમે ત્યાં થૂકતા હોય છે. આવા લોકોને લીધે આપણે ગમ તેટલી સ્વચ્છતાની વાતો કરીએ પરંતુ શક્ય છે જ નહીં. જો કે હવે સુરત મહાનગરપાલિકાએ આવા લોકોને સીધા કરવાની ઝુંબેશ હાથમાં લીધી છે. SMC CCTV દ્વારા પોલીસની જેમ જ કાર્યવાહી શરૂ કરશે અને જે લોકો જાહેરમાં થૂંકશે તે તમામ લોકો પાસેથી ભારે દંડ વસુલશે.
સુરત મનપાએ પ્લાન બનાવ્યો છે કે કોઈપણ વ્ચક્તિ જેણે રોડને થૂંકદાની બનાવી તે છુટવો ના જોઈએ આ માટે 4 હજાર કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. બાઈક કે ફોર વહીલમાં થી જાહેર રોડ પર થુક્તાં પકડાયા તો દંડ થશે.
એવું નથી કે આજથી આ નિયમ બન્યો છે પરંતુ સુરત મનપા તેની શરૂઆત તો જાન્યુઆરીથી થઈ ચૂકી છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી જાહેરમાં પાન-માવાની પિચકારી મારતા કુલ 3819 લોકોને કુલ 5 લાખ 85 હજારનો દંડ કરવામાં આવ્યો છે અને હવે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને લોકોને દંડ કરવામાં આવશે.
હવે સુરત મહાનગર પાલિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે સ્વચ્છતાને લઈને કોઈપણ બાંધછોડ નહી કરવાનું મન બનાવી લીધું છે. જોકે અહિં કેટલાક સવાલ નાગરીકોને પણ કરવા જરૂરી છે.સૌથી પહેલો સવાલ એ છે કે
- જાહેરમાં કેમ થૂંકવામાં આવે છે ?
- શું પોતાના ઘરમાં થૂંકી શકાય ?
- વિદેશમાં તો નિયમ પાળો છો ને ?
- તો પછી પોતાના શહેરને કેમ ગંદુ કરો છો ?
આ સવાલ દરેક નાગરીક માટે છે કે જે વિદેશ જાય તો નિયમોમાં રહે છે, પોતના દેશને ગંદો કરતા કેમ જીવ ચાલે છે? શું આ જ દેશપ્રેમ છે?