સુરત જીલ્લાના ઉમરપાડા પોલીસને ચોક્કસ ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી દીધી હતી. ઈમરપાડા પાસે બાતમી વાળી કાર પસાર થતા જ તેને અટકવાનો પ્રયાસ કર્યો હતો. પણ બુટલેગર એ પુરપાટ ઝડપે ફિલ્મી ઢબે કાર હંકારી દીધી હતી. પોલીસે પણ કાર ને કોર્ડન કરીને પકડી લેવા અલગ અલગ વાહનોથી પીછો કર્યો હતો.
જોકે પુરપાટ ઝડપે હંકારી રહેલા કાર ચાલકે પોલીસથી બચવા બાઈક પર પીછો કરી રહેલા બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી. જોકે સદનસીબે બન્ને પોલીસ જવાનો બચી ગયા હતા. પણ પોલીસ જવાનોની બાઈકને નુકશાન પહોચ્યું હતું, અને બુટલેગર કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો, તે બાદ આ બુટલેગરો ઉમરપાડા તાલુકાના શરદા ગામ નજીક કાર મૂકીને ભાગીગયા હતા. હાલ તો ઉમરપાડા પોલીસે કાર જપ્ત કરી લીધી છે. કારમાં પોલીસે તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે.
જુઓ વિડીયો :
સુરતના ઉમરપાડામાં ફરી સર્જાયા ફિલ્મી દ્રશ્યો, બુટલેગરોએ પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો#Surat #Gujarat #TV9News pic.twitter.com/rR3pd5GTRK
— Tv9 Gujarati (@tv9gujarati) August 23, 2022
ગઈકાલે સાંજના સમયે પોલીસ અને ઉમરપાડા પોલીસ વચ્ચે જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા તે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. જે હદે બુટલેગરોએ પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો તેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે શું બૂટલેગરો ને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી ? આટલી બધી હિંમત બુટલેગરોમાં આવે છે કેમ જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, હાલ તો ઉમરપાડા પોલીસે વિદેશી દારૂ અને કાર જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે. પણ પોલીસને હવે બે લગામ થયેલા આવા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
નોંધનીય છે કે અગાઉ પણ પોલીસે ફિલ્મી ઢબે જ આવા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી પણ આ કિસ્સામાં પોલીસને ચકમો આપીને ફરાર થઇ જવામાં બુટલેગરો સફળ થયા છે. આ બનાવની વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.