સુરતના(Surat) આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા (AM/NS India)એ નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે પ્રથમ સ્ટીલ સ્લેગનો(Steel Slag) ઓર્ડર મેળવ્યો છે. સ્ટીલ સ્લેગ એ સ્ટીલની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મળતી બાયપ્રોડક્ટ છે. આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને જીઆર ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ પાસેથી સ્ટીલ સ્લેગના સપ્લાયનો ઓર્ડર મળ્યો છે જેને તાજેતરમાં એનાથી કીમ સુધી 36.93 કિમી લાંબા આઠ લેનના એક્સેસ કન્ટ્રોલ્ડ સ્ટ્રેચના બાંધકામ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) પાસેથી કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ પટ્ટો આગામી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનો(Ahmedabad Vadodara Express Way) ભાગ છે.
જેમાં શરૂઆતનો ઓર્ડર 10,000 ટન સ્ટીલ સ્લેગના સપ્લાયનો છે. બુધવારે 350 ટન સ્ટીલ સ્લેગના પ્રથમ કન્સાઈન્ટમેન્ટ સાથે 18 ટ્રક આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા હજીરા ખાતેથી રવાના થઈ હતી. આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંતોષ મુંધડાએ જણાવ્યું કે, અમારા માટે તથા દેશમાં રોડ કન્સ્ટ્રક્શન સેગમેન્ટ માટે આ બહુ મહત્ત્વની ઘડી છે. એક્સપ્રેસવેના બાંધકામમાં નેચરલ એગ્રીગેટના બદલે સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરવાથી કુદરતી સંસાધનોની બચતમાં એક મોટી ક્રાંતિ આવશે. અમને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં સ્ટીલ સ્લેગ એક લોકપ્રિય બનશે.
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ હજીરામાં 100 ટકા સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને ભારતનો પ્રથમ રોડ બનાવીને રોડ બાંધકામના ક્ષેત્રમાં સ્ટીલ સ્લેગના ઉપયોગનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે. 1.2 કિમી લાંબા રોડ પર દરરોજ 1200થી વધારે ભારે વાહનો દોડે છે જે રોડ ગયા વર્ષે મે મહિનામાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રોડ પરની રાઈડિંગ ક્વોલિટી નેચરલ એગ્રીગેટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા નેશનલ હાઈવેના સમકક્ષ છે. AM/NS ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત સ્લેગના ટૂકડા અથવા પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગનો ઉપયોગ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના સબ-બેઝ અથવા ગ્રેન્યુઅલ સબ-બેઝ લેયર માટે કરવામાં આવશે.
સ્ટીલ સ્લેગ એ રોડના બાંધકામમાં પર્યાવરણને નુકસાન ન પહોંચાડતું અને નેચરલ એગ્રીગેટની તુલનામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ વિકલ્પ છે. તે નેચરલ એગ્રીગેટની તુલનામાં વધારે ફાયદાકારક છે. તે વધુ સારો આકાર લેવાનો ગુણધર્મ ધરાવતો હોવાની સાથે, ઘસારા સામે વધુ સારી પ્રતિકારક ક્ષમતા અને ઉત્તમ સ્કીડ રેઝિસ્ટન્સ ક્ષમતા ધરાવે છે તેથી તે બહુ આદર્શ મટિરિયલ છે. નેચરલ એગ્રીગેટ્સની તુલનામાં તે વધારે ભારવહન કરવાની ક્ષમતા ધરાવે છે જેથી તે વધુ ટકાઉ છે. આ ઉપરાંત સ્લેગ બલ્ક જથ્થામાં સરળતાથી ઉપલબ્ધ છે.