Surat દેશ વિદેશ માં જેની ચર્ચાઓ ચાલી રહી છે તે સુરત શહેરના ખજોદ(khajod ) વિસ્તારમાં હાલ ડાયમંડ બુર્સની (surat diamond bourse ) કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. આ ડાયમંડ બુર્સ ઘણી રીતે વિશેષતાઓથી ભરેલું છે. મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતા પણ સૌથી વિશાલ અને અત્યાધુનિક હશે. ત્યારે સુરતના ડાયમંડ બુર્સની બીજી એક વિશેષતા એ રહેશે કે તમામ 9 ટાવરમાં 13મો માળ જ નહિ હોય.
જી હા ડાયમંડ બુર્સમાં 9 જેટલા ટાવર તૈયાર કરવામાં આવ્યા છે અને આ તમામ 9 ટાવરમાં 12માં માળ પછી સીધો જ 14મો માળ હશે. લોકો 13ના અંકને અપશુકનિયાળ માને છે. અને આ જ ધારણાને રાખીને ડાયમંડ બુર્સમાં 12માં માળ પછી સીધા જ 14માં માળ ને નંબર આપવામાં આવ્યો છે. અને હાલમાં એ જ પ્રમાણે ઇન્ટર્નલ માર્કિંગ પણ કરી દેવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સના મથુર સવાણી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું છે. અને જણાવ્યું છે કે તેમાં કોઈ મોટી વાત નથી. દરેક આ રીતની શ્રદ્ધા અને અંધશ્રદ્રામાં માનતા જ હોય છે. હાલ બુર્સનું કામ અંતિમ તબક્કામાં છે અને જલ્દી સુરતના ડાયમંડ ઉધોગ માટે તે નવું નજરાણું બની રહેશે.
દોઢ લાખ મુલાકાતીઓ એકસાથે આવશે તો પણ ભીડ નહિ દેખાય
મથુર સવાણીએ જણાવ્યું હતું કે ડાયમંડ બુર્સમાં 66 લાખ ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. અહીં કુલ 4200 જેટલી ડાયમંડની ઓફિસો હશે. પરંતુ હીરાની ઓફિસો માટે ફક્ત 20 લાખ ચોરસ ફૂટ જેટલું જ બાંધકામ કરવામાં આવ્યું છે. બાકીનું બાંધકામ એમિનિટીઝ, રિક્રિયેશન, ગાર્ડન એરિયા, ઓપન એરિયા, લોબી વગેરે માટે ફાળવવામાં આવ્યા છે. જેને પરિણામે અહીં દોઢ લાખ લોકો પણ એકસાથે હશે તો પણ ભીડ જોવા નહિ મળે.
મુલાકાતીઓ સરળતાથી ડાયમંડ બુર્સના 9 બિલ્ડીંગને સરળતાથી પારખી શકે તે માટે એન્ટીક્લોક વાઈઝ સર્કલમાં પહેલા ટાવરને A થી શરૂ કરીને આલ્ફાબેટીકલી નામ આપવામાં આવ્યા છે. ડિસેમ્બરમાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બુર્સનું ઉદ્ઘાટન કરાય તેવી સંભાવના છે. તાજેતરમાં કસ્ટમ અધિકારીઓએ હીરાની નિકાસ થાય તે માટે કસ્ટમ હાઉસ તૈયાર કરવા મંજૂરી આપી છે. મુંબઈ કરતા 25 હજાર સ્કવેર ફૂટમાં કસ્ટમ હાઉસ હીરાબુર્સમાં તૈયાર કરવામાં આવ્યું છે.
Published On - 10:53 am, Mon, 2 August 21