પહેલી જુલાઈથી કેન્દ્ર સરકાર તથા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Pollution Control Board) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાના ભાગરૂપે સુરત શહેર(Surat City) હદવિસ્તારમાં આવેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના હોલસેલર, રીટેઇલર, જનરલ સ્ટોર, માર્કેટ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં ઉત્પાદક, સ્ટોકિસ્ટ અને વેચાણ કરનારી સંસ્થાઓમાં સઘન ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.ઉપરાંત આરોગ્ય વિભાગ (Health dept) દ્વારા દરેક ઝોનમાં સ્પેશિયલ ટીમો (Special Team) બનાવવામાં આવી હતી. આ ટીમોએ અલગ- અલગ ઝોનમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમણે 1164 સંસ્થાઓની ચેકિંગ દરમિયાન 75 માઇક્રોનથી ઓછી જાડાઇવાળી પ્લાસ્ટિક કેરીબેગ્સ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 841 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર અને CPCBના જાહેરનામા અન્વયે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત સુરતની ઝૂંબેશ મોટાપાયે હાથ ધરી છે. શહેરમાં 75 માઇક્રોનથી ઓછી જાડાઇવાળા પ્લાસ્ટિકના ઉત્પાદન-વેચાણ-ઉપયોગ પર પ્રતિબંધ છે.હવે સરકારે સિંગલયુઝ પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. જેના ભાગરૂપે શહેરના તમામ 9 ઝોનોમાં પ્લાસ્ટિક પ્રોડક્ટો સાથે સંકળાયેલ 1164 સંસ્થા, દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કુલ 841 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પ્લાસ્ટિકનો જથ્થો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એજન્સીને રી-સાઇકલ માટે મોકલી દેવામાં આવ્યો છે. સંસ્થાઓ પાસેથી 1.47 લાખનો વહિવટી ચાર્જ પણ વસૂલ કરાયો છે.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે પણ પ્લાસ્ટિક વિરોધી આ અભિયાન ચાલુ રાખવામાં આવનાર છે. જે સંસ્થાઓ આ પ્રતિબંધ બાદ હજી પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ કરે છે. તેવી સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.કોર્પોરેશન દ્વારા આવી સંસ્થાઓને અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય તેનો ઉપયોગ ટાળવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી જ્યૂટ કે કાપડની બેગનો વપરાશ વધારવો જોઈએ.