Surat: ચૂંટણી પહેલા લીંબાયતમાં ધારાસભ્યમાં પરિવર્તન લાવવાની માંગ સાથેના બેનરો લગતા રાજકીય ગરમાટો
પરિવર્તનની માંગ સાથે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધીને લખવામાં આવેલા આ બેનરમાં લિંબાયત વિધાનસભામાં હવે સંગીતા પાટીલને બદલે અન્ય ઉમેદવારને ટિકીટ ફાળવવાની અપીલ કરવામાં આવી છે.
આગામી વિધાનસભાની ચૂંટણીના (Election ) પડઘમ વચ્ચે હવે ભાજપના ગઢ ગણાતા લિંબાયતમાં (Limbayat ) જ સ્થાનિક ધારાસભ્ય (MLA) સંગીતા પાટીલ વિરૂદ્ધ અલગ – અલગ વિસ્તારોમાં બેનરો લાગતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. મરાઠી ભાષામાં લખવામાં આવેલા આ બનેરોમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય સંગીતા પાટીલને બદલે અન્ય ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. જો કે, આ બેનરોને પગલે હવે લિંબાયતમાં સંગીતા પાટીલના વિરૂદ્ધમાં શરૂ થયેલા આ ગણગણાટમાં ખુદ ભાજપના જ અસંતુષ્ટ કાર્યકરો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સામી ચૂંટણીએ બેનરો લાગતા તર્ક વિતર્ક
શહેરની લિંબાયત વિધાનસભા બેઠક પરથી છેલ્લા બે ટર્મથી સતત વિજયી થતાં મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલ વિરૂદ્ધ હવે સામી ચૂંટણીએ વિરોધને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. હાલમાં જ લિંબાયતના સંજય નગર અને નીલગીરી સર્કલ સહિતના વિસ્તારોમાં સંગીતા પાટીલ વિરૂદ્ધ લગાવવામાં આવેલા બેનરો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મરાઠી ભાષામાં જ લખવામાં આવેલા આ બેનરોમાં સંગીતા પાટીલના બદલે અન્ય સ્થાનિક ઉમેદવારને વિધાનસભાની ટિકિટની ફાળવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે.
અન્ય ઉમેદવાર નહીં મુકાય તો નોટાને મત આપવાની ચીમકી
પરિવર્તનની માંગ સાથે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધીને લખવામાં આવેલા આ બેનરમાં લિંબાયત વિધાનસભામાં હવે સંગીતા પાટીલને બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવાની અપીલ કરવામાં આવી છે. જો કે, સંગીતા પાટીલના બદલે અન્ય ઉમેદવારની પસંદગી નહીં કરવામાં આવે તો નોટાને મત આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાતોરાત લાગેલા આ બેનરોને પગલે હવે સમગ્ર લિંબાયતમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે અને સંભવતઃ આ પ્રકારની હરકતમાં ભાજપના જ કેટલાક અસંતુષ્ટ કાર્યકરોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેનરો કોના દ્વારા લગાવવામાં આવ્યા તેની માહિતી હજી સુધી સામે આવી નથી, પરંતુ તેના કારણે રાજકારણમાં ચોક્કસથી ગરમાટો આવી ગયો છે.