ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી, જુઓ Video
રાજ્યભરમાં હોળી-ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ. પરંતુ, આ ઉજવણી વચ્ચે જોવા મળ્યા પરંપરાના અનોખા જ રંગ. ક્યાંક અંગારા પર ચાલી આશીર્વાદ મેળવવાન પરંપરા તો ક્યાંક ટામેટા રિંગણના યુદ્ધની છે પરંપરા
સૌથી પહેલાં વાત “અંગારાથી આશીર્વાદ”ની. સમગ્ર દેશમાં ફાગણી પૂનમે હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ. પરંતુ સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામેથી કંઈક અનોખા જ દ્રશ્યો સામે આવ્યા. અન્ય જગ્યાઓની જેમ અહીં પણ પરંપરાગત રીતે હોલિકા દહન કરાયું. પરંતુ, હોલિકા દહન બાદ આ ગામમાં જે થાય છે તેને નિહાળવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે.
કહે છે કે શ્રદ્ધાના પુરાવા ન હોય પરંતુ, સરસ ગામમાં તો શ્રદ્ધાના પુરાવા પણ મળી રહ્યા છે. અહીં હોલિકા દહન બાદ તેના અંગારા પર ચાલવાની પરંપરા વર્ષોથી અકબંધ છે. નવાઈની વાત એ છે કે વયસ્કો જ નહીં, બાળકો અને વૃદ્ધો પણ ધગધગતા અંગારા પર પગ મુકીને સહજતાથી આગળ વધે છે અને કહે છે કે કોઈને નાની સરખી તકલીફ પણ નથી થતી. આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના અવસરે અંગારા પર ચાલવા માટે ખાસ સરસ ગામે પહોંચતા હોય છે.
ધગધગતા અંગારા પર ચાલવાની આ પરંપરા પેઢી દર પેઢી આગળ વધી રહી છે. માન્યતા તો એવી પણ છે કે હોળી સિવાયના અવસરે ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ આ રીતે અંગારા પર નથી ચાલી શકતી. પરંતુ, હોળીના અવસરે લોકો સહજતાથી પસાર થઈ જાય છે. હોળીના અવસરે આ રીતે અંગારા પર ચાલવાથી આશીર્વાદ મળતા હોવાનીઅને મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. લોકો મનોકામના પૂર્તિ માટે પણ આ રીતે સરસ ગામે પહોંચતા હોય છે.
તો હવે વાત મહેસાણાના વિસનગરની કે જ્યાં ધૂળેટીના પર્વે જાણે કોઈ યુદ્ધ જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવે છે અને યુદ્ધ ખેલાય છે. ટામેટા અને રીંગણાથી વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારથી જ લોકો એકઠા થઈ જાય છે અને બે જૂથમાં વહેંચાયેલા લોકો એકબીજા પર શાકભાજીનો મારો ચલાવી દે છે.
કહે છે કે વિસનગરની સ્થાપના થઈ ત્યારથી જ અહીં “ખાસડા યુદ્ધ”ની પરંપરા અકબંધ છે. પરંતુ, સમયની સાથે હવે ખાસડાની જગ્યા શાકભાજીએ લઈ લીધી છે. કહે છે કે પહેલાના સમયે લોકો જૂના ઝઘડા અને મતભેદ ભૂલી આ “ખાસડા ધૂળેટી” માટે એકઠા થતા. માન્યતા અનુસાર જેને ખાસડું એટલે કે જુત્તુ વાગે છે તેનું આખું વર્ષ સારું જાય છે.
વિસનગરના ઉત્તર અને દક્ષિણ ભાગમાં વસતા લોકો બે જૂથમાં વહેંચાઈ જાય છે અને એકબીજા પર ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરે છે. મંડી બજારના ચોકમાં મુકાયેલ ખજૂર ભરેલો ઘડો મેળવવા બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાય છે. યુદ્ધ પૂર્ણ થયા બાદ વિજેતા જૂથ ઘરે-ઘરે ફરીને ખજૂર ઉઘરાવે છે અને પછી શહેરીજનોમાં તેની વહેંચણી કરે છે. દાયકાઓથી ચાલતી અનોખી પરંપરાને યુવાનો આજે પણ હરખભેર નિભાવી રહ્યા છે.