Gujarat Board GSEB Result 2022: રાજ્યભરમાં એ-1 ગ્રેડમાં 643 વિદ્યાર્થીઓ સાથે સુરતનો ડંકો, લાજપોર સેન્ટ્રલ જેલનું પરિણામ પણ 100 ટકા
સુરત (Surat) શહેર-જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં આજે 643 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે, જ્યારે 4362 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ (Gujarat Board Result 2022) જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરત (Surat) જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં સુરતના વિદ્યાર્થીઓ વધુ એક વાર ઝળહળતો દેખાવ કરવામાં સફળ રહ્યા છે. રાજ્યભરમાં એ-1 ગ્રેડ મેળવવામાં આ વખતે પણ સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. પરિણામ જાહેર થતા તમામ વિદ્યાર્થીઓમાં ભારોભાર ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિણામ જાહેર થતાની સાથે જ મોટા ભાગની શાળાઓમાં ઉજ્જવળ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું (Students) મો મીઠું કરાવ્યા બાદ ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
અમરોલીનું સૌથી વધુ 92.58 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સમગ્ર રાજ્યનું 86.91 ટકા પરિણામ આવ્યું છે. જે પૈકી સુરત જિલ્લામાં આ ટકાવારી 87.52 નોંધાવા પામી છે. સુરત જિલ્લાના તમામ કેન્દ્રો પૈકી અમરોલીનું સૌથી વધુ 92.58 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું મહુવા કેન્દ્રનું 75.98 ટકા પરિણામ આવ્યું છે. આજે જાહેર થયેલ પરિણામમાં વધુ એક વખત સુરતના વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ એ-1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. જ્યારે બીજા ક્રમાંકે રાજકોટ જિલ્લો રહેવા પામ્યો છે.
643 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ પ્રાપ્ત થયો
સુરત શહેર – જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં આજે 643 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે, જ્યારે 4362 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. સુરત શહેર – જિલ્લામાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ્લ 38,551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 643 એ-વન ગ્રેડ, 4382 એ-ટુ ગ્રેડ, 7521 બી-વન ગ્રેડ, 8995 બી-ટુ ગ્રેડ, 8128 સી-વન ગ્રેડ, 3813 સી-ટુ ગ્રેડ અને 255 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં પાસ થયા છે.
ગુજરાતના ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરતની આશાદીપ સ્કુલના પરીણામે ન ભૂતો ન ભવિષ્યતિ પરીણામ હાંસલ કર્યું છે. સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડની બોલબાલા ચાલી રહી છે. આવી સ્થિતિમાં સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 205 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી લાવ્યા છે.
આ પરીણામનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ગુજરાતના કુલ 31 જિલ્લાઓમાં સુરત અને રાજકોટના બાદ કરતા બાકીના તમામ 31 જિલ્લાઓ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ આ બધાના એ-વન ગ્રેડ કરતા સુરતની એક જ શાળા આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. ગુજરાતમાંથી કુલ 2092 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરિણામ હાંસલ કરી શક્યા છે. તેમાંથી એકલા 10 ટકા જેટલો હિસ્સો આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓનો છે.
લાજપોર સેન્ટ્રલ જેલનું પરિણામ 100 ટકા
સુરત શહેરના છેવાડે લાજપોર ખાતે આવેલ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા આપવામાં આવેલ પરીક્ષાનું આજે 100 ટકા પરિણામ આવ્યું છે. અલગ – અલગ કેસમાં સજા કાપી રહેલા અને વિચારાધીન 12 કેદીઓ દ્વારા ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવામાં આવી હતી.
આ સંદર્ભે વધુમાં મળતી માહિતી અનુસાર સુરત સહિત સમગ્ર રાજ્યની જેલમાં આરોપીઓ અને કેદીઓ માટે ગુજરાત એજ્યુકેશન બોર્ડ દ્વારા અલાયદી પરીક્ષા વ્યવસ્થાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે સુરતની લાજપોર ખાતે આવેલ સેન્ટ્રલ જેલમાંથી 14 કેદીઓ દ્વારા પરીક્ષા આપવા માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જે પૈકી 12 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ તમામે તમામ કેદીઓ પાસ થતાં લાજપોર સેન્ટ્રલ જેલનું પરિણામ 100 ટકા આવ્યું છે.