Surat: બહેનપણીએ જ ઘરમાં કરી 3 લાખના દાગીનાની ચોરી, મિત્રતા કેળવી વિશ્વાસમાં લીધા બાદ કર્યો હાથસાફ
જે તે સમયે રીંકલબેનને આ ચોરીની જાણ થઈ ન હતી. પરંતુ બાદમાં ઘરમાં પ્રસંગ આવતા કબાટમાં દાગીના જોતા દાગીના ન હોવાનું માલુમ પડતાં તેને ચોરીની જાણ થઈ હતી.

સુરતના અડાજણ (Adajan) વિસ્તારમાં રહેતી પરિણીતાને તેની બહેનપણી (Freind) સાથેની મિત્રતા ભારે પડી હતી. પરિણીતા અને તેની બહેન બંનેની બહેનપણી તથા તેના જ સમાજની પરણિતાએ અવારનવાર તેના ઘરે બેસવા માટે આવતી હતી. આ દરમિયાન ઘરમાંથી તેણીએ રૂપિયા ત્રણ લાખના દાગીનાની ચોરી કરી લીધી હતી. જોકે બનાવને પગલે પરિણીતાએ બાદમાં માલૂમ પડતા તેણીએ બહેનપણી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અડાજણ પાલમાં વાસુ દર્શન સોસાયટીમાં રહેતા પીન્કેશભાઈ નવીનભાઈ શાહ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેની પત્ની રીંકલબેન અને પાલનપુર જકાતનાકા સંત તુકારામ સોસાયટીમાં રહેતી અંકિતાબેન નિખિલભાઈ શાહ વચ્ચે મિત્રતા હતી. અંકિતા રીંકલની બહેન કિંજલની પણ મિત્ર હતી. જેથી આ ત્રણે બહેનપણીઓ અવારનવાર રીંકલના ઘરે ભેગા થતા હતા.
સમય જતા આખરે રીંકલ અને કિંજલ તેના સમાજની અંકિતા પર વિશ્વાસ કરી લીધો હતો અને તેની હાજરીમાં પણ ઘરમાં તમામ કબાટ ખુલ્લા રહેતા હતા. દિવાળી પહેલા અંકિતાએ તકનો લાભ લઈ રીંકલના ઘરમાં ચોરી કરી હતી. રીંકલ ઘરમાં કામકાજ કરવામાં વ્યસ્ત હતી, ત્યારે અંકિતાએ કબાટમાં મુકેલા સોનાના દાગીનાનો સેટ, સોનાની બંગડીઓ, એક મંગળસૂત્ર, સોનાની ચેઈન અને એક જોડી બુટ્ટી મળી રૂપિયા ત્રણ લાખના દાગીનાની ચોરી કરી હતી.
જો કે તે સમયે રીંકલબેનને આ ચોરીની જાણ થઈ ન હતી. પરંતુ બાદમાં ઘરમાં પ્રસંગ આવતા કબાટમાં દાગીના જોતા દાગીના ન હોવાનું માલુમ પડતાં તેને ચોરીની જાણ થઈ હતી. જેથી રીંકલે તેની બહેન કિંજલને વાત કરી હતી. જેમાં તેઓને અંકિતા પર શંકા જતા તેણીને આ બાબતે પુછતા અંકિતાએ ઘરેણાં તેણીએ જ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી રીંકલબેને ગતરોજ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અંકિતા સામે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ, અડાજણમાં બહેનપણી જ મિત્રતાનો લાભ ઉઠાવીને દગો કરી જતા અડાજણ પોલીસ દ્વારા અંકિતા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને એક જોડી યુનિફોર્મથી આખું વર્ષ ચલાવવું પડશે? જાણો શું છે મામલો
આ પણ વાંચો : Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે