Bardoli : ઢોર પકડવામાં બારડોલી નગરપાલિકાએ રેકોર્ડ બનાવ્યો, પાંચ દિવસમાં 44 ઢોર પકડ્યા
હકીકતમાં તો નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં દર સીઝનમાં એક સાથે આટલા ઢોર પકડી શકી નથી.
બારડોલી નગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વાર 5 જ દિવસમાં 44 રખડતા ઢોર(Stray Cattles ) પકડવામાં આવ્યા છે. આટલા વર્ષોમાં ફક્ત થોડા દિવસ ટીમ કામગીરી કરતી હતી અને, ત્યારબાદ ફરી ગાયબ થઈ જતી હતી. પરંતુ આ વખતે કોર્ટનું દબાણ આવતા જ બારડોલી નગરપાલિકા અચાનક સક્રિય બની છે. અને પાંચ દિવસમાં જ મોટી સંખ્યામાં રખડતા ઢોર પકડીને માણેકપોર આવેલ ગૌશાળામાં છોડવામાં આવી રહ્યા છે. જોકે પકડાયેલ ઢોર પરત છોડવામાં નહિ આવતા, પશુપાલકો માટે પણ પોતાના ઢોર શોધીને ઘરે લઈ જવાની ફરજ પડશે. જેથી નગરમાં મોટી સમસ્યા દૂર થાય તેવી સંભાવના છે.
અત્યારસુધી બારડોલીમાં રખડતા ઢોરથી માર્ગ પર અકસ્માતની ઘટના બનવા છતાં પાલિકા રખડતા ઢોર પકડવામાં રસ લેતી ન હતી.જોકે અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ 1 લાખથી વધુનો ખર્ચ સહન કરવો પડ્યો છે. ત્યારે હાઈકોર્ટમાંથી ફરમાન આવતા જ, રખડતા ઢોર પકડવા માટે નિષ્ક્રિય રહેલી નગરપાલિકા અચાનક સક્રિય બની ગઈ છે. માત્ર 5 દિવસમાં આરોગ્ય વિભાગની 12 લોકોની ટીમ બનાવી છે. જે નગરના માર્ગો પર રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. નગરપાલિકાએ છેલ્લા 5 દિવસમાં 44 રખડતા ઢોર પકડીને માણેકપોર ની ગૌશાળામાં મૂક્યા છે.
પાલિકાનો પાંચ દિવસની કરેલ કામગીરીથી એક નવો રેકોર્ડ બની ગયો છે. હકીકતમાં તો નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં દર સીઝનમાં એક સાથે આટલા ઢોર પકડી શકી નથી. આ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ઢોર પકડયા હોવાનું જાણવા મળેલ છે. પાલિકા રખડતા ઢોર પકડયા બાદ ગૌશાળામાં છોડવા પહેલા શિંગડાં રંગથી રંગવામાં આવે છે. જ્યારે ગૌશાળામાં ટૅગ લગાવવામાં આવે છે.
જોકે હજુ પણ નગરમાં ઘણા રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. જેને પણ પકડવા માટે પાલિકાની ટીમ સક્રિય હોવાનું જણાવે છે. નગરપાલિકાના આરોગ્ય અધિકારી રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ નગરમાંથી પકડાયેલ રખડતા ઢોર ગોશાળામાં મૂકવામાં આવી રહ્યા છે. ઢોર છોડાવવા આવતા ઢોર માલિકોને આ વખત પરત નહિ મળવાથી નગરમાં રખડતા ઢોરન સમસ્યામાં મોટી રાહત થશે તે વાત પણ નક્કી છે.
Input Credit Jignesh Mehta (Bardoli )