Bardoli : બારડોલીમાં સાકાર કરવામાં આવશે સુરત જિલ્લાનું મધ્યસ્થ ભાજપ કાર્યાલય, જુઓ કેવું હશે નવું કમલમ
જિલ્લામાં (District ) ભાજપ કાર્યાલયની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે હવે અત્યાધુનિક કાર્યાલય બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સુરત (Surat )જિલ્લાના બારડોલી (Bardoli ) ખાતે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ ના નવા તૈયાર થનાર અતિ આધુનિક કાર્યાલય (Office ) બિલ્ડીંગનું ભૂમિ પૂજન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવનાર છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇ, મંત્રી મુકેશભાઇ પટેલ તથા સંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, ભાજપના પ્રભારીઓ ઉપસ્થિત રહેશે.
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે બારડોલીની મીંઢોળા નદી કિનારે નયનરમ્ય, હવા ઉજાસવાળું બે માળ નું બિલ્ડીંગ તૈયાર થનાર છે. બિલ્ડીંગમાં તમામ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ભાજપના કાર્યકારોની લાગણીને ધ્યાને લઇ કાર્યાલય ખાતે તમામ પ્રકલ્પોને અગ્રીમતા આપવામાં આવી છે. જિલ્લાનું અત્યાધુનિક ભાજપ કાર્યાલય 24 હજાર સ્ક્વેર ફુટમાં નિર્માણ થનાર છે.
શું હશે ખાસિયત ?
નવા કાર્યાલયમાં 493 સીટ ધરાવતું ઓડિટરિયમ, તમામ પ્રમુખ મહામંત્રીઓ, આઇ. ટી સેલ તથા તમામ મોરચાઓ, સાહિતની અલગ અલગ ઓફિસોનું આયોજન કરવાંમાં આવેલું છે. સાથે સાથે 430 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ હોલ, સ્ટોર રૂમ, સર્વેન્ટ ક્વોટર્સ તથા વિશાળ પાર્કિંગની સુવિધા પણ રહેશે. આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સમયથી તમામ માજી પ્રમુખોનું તેમજ આગેવાનોનું વિશેષ સન્માન કરવામાં આવશે.
નોંધનીય છે કે થોડા સમય પહેલા જ સુરત ભાજપ નું મુખ્ય કાર્યાલય પણ અત્યાધુનિક રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ જિલ્લામાં ભાજપ કાર્યાલયની કોઈ યોગ્ય વ્યવ્સથા ન હોવાના કારણે હવે અત્યાધુનિક કાર્યાલય બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં સાકાર થનારું આ કાર્યાલય પણ શહેર ભાજપ કાર્યાલયની જેમ જ આધુનિક હશે. જિલ્લાનું આ મધ્યસ્થ કાર્યાલય હોય અહીંથી હવે ડીસ્ટ્રીકટ લેવલ પર પાર્ટીના કાર્યકરોને દિશા નિર્દેશ આપવા માટે સરળતા રહેશે.