દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમ છલકાઈ ઉઠ્યો છે. ઉકાઈ ડેમ જળ સપાટી 345 ફૂટ પર પહોંચી જતા, ઓવરફ્લો થયો છે. જોકે ઉપરવાસમાં વરસાદ અટકી ગયો હોવાથી હથનુર ડેમમાંથી છોડવામાં આવી રહેલા 32,904 ક્યુસેક જેટલું જ પાણી હવે ઉકાઉ ડેમમાં આવી રહ્યું છે.
ચોમાસાની સીઝન પુરી થવા આવી છે. ત્યાં જ ઉકાઈ ડેમની સપાટી 345 ફૂટને પહોંચી ગઈ છે. ડેમની ભયજનક ગણાતી આ સપાટી આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી ન હોવાથી તંત્ર માટે કોઈપણ રીતે મુશ્કેલી જનક દેખાઈ નથી રહી. સુરત અને તાપી જિલ્લાના નાગરિકો અને ખેડૂતોને આખું વર્ષ સિંચાઈ અને પીવાનું પાણી મળી રહેશે.
ઉકાઈ ડેમના 49 વર્ષના ઇતિહાસમાં માત્ર ખેડૂતો માટે જ આ ડેમ આશીર્વાદરૂપ નથી પણ આ ડેમ 365 દિવસ 1 કરોડથી વધુ લોકોની તરસ પણ છિપાવે છે. તો 105 જેટલી ઔદ્યોગિક સંસ્થાઓમાં પણ પાણી સપ્લાય થતા તેનો ઉપયોગ થઇ રહ્યો છે. ઉકાઈ ડેમ 1972 માં બાંધવામાં આવ્યો હતો. તે વખતે ખેતીપાકને પાણી મળી રહે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ જે રીતે શહેર જિલ્લા અને ગામડાનો વિકાસ થતો ગયો તેમ તેમ પાણીની જરૂરિયાત ઉભી થતા ઉકાઈ ડેમમાંથી પાણી આપવામાં આવતું હતું. હાલ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના 21 તાલુકાના 1110 ગામોની 331.556 હેકટર વિસ્તારમાં સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવે છે.
ડેમના ઇતિહાસ પર નજર કરીએ તો 1972 માં ડેમને ખુલ્લો મુકાયા બાદ આજદિન સુધીના 49 વર્ષના ઇતિહાસમાં ડેમ ફક્ત 11 વખત જ પુરેપુરો ભરાયો છે. તેમાંય ચાર વખત તો સપાટી 346 ફૂટ કરતા પણ વધારે લઇ જવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં ટોપ લેવલની હેટ્રિક મારી છે. ઉકાઈ ડેમ સિંચાઈ ના પાણી ઉપરાંત સુરત મહાનગરપાલિકા, અન્ય નાની મોટી મહાનગરપાલિકાઓ મળીને કુલ 25 જેટલી સંસ્થાઓમાં પાણી માટે મદદરૂપ સાબિત થાય છે. તો 105 જેટલી ઔધોગિક સંસ્થાઓને પણ ઉધોગોના હેતુ માટે ઉકાઈ ડેમ પાણી પૂરું પાડે છે. અને સરકારને તેના થકી આવક પણ મળી રહે છે.
1972 થી લઈને અત્યારસુધી 1975, 1981, 1988, 1989, 1990,1998,2006, 2019,2020, અને 2021માં ડેમ સંપૂર્ણ ભરાયો છે.
આ પણ વાંચો : Surat : મેટ્રો કોરિડોર માટે મહિધરપુરાના 51 પરિવારોને મકાન-દુકાન ખાલી કરવા નોટિસ, ન મળશે કોઈ વળતર કે ન મળશે આવાસ
આ પણ વાંચો : Surat : 31 કરોડમાં બનેલા કોઝવેને 14 કરોડના ખર્ચે રીપેર કરવાનું કામ સ્થાયી સમિતિમાં મંજુર