સુરત શહેરમાં કોરોનાની પહેલી રસી લીધા બાદ બીજા ડોઝ માટે આળસ કરનારા શહેરીજનો માટે શરૂ કરવામાં આવેલા ડોર-ટુ-ડોર અભિયાનને અવિશ્વસનીય સફળતા મળી રહી છે. એક તબક્કે બીજા ડોઝની સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ વેક્સિન ન લેનાર નાગરિકોની સંખ્યા 2.65 લાખને આંબી ગઇ હતી. જે હવે ઘટીને એક લાખની આસપાસ પહોંચી ચૂકી છે. હવે બીજા ડોઝ આપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
જેની સીધી અસર જોવા મળી રહી છે કે સુરત શહેરમાં 36 ટકાથી વધુ નાગરિકો ફુલ્લી વેક્સિનેટેડ થઈ ચૂકયા છે. ત્યારે 87 ટકા જેટલા નાગરિકોને વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે. કોરોના મહામારીની સંભવીત ત્રીજા તબક્કાની લહેર પહેલા સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહત્તમ નાગરિકોના વેક્સિનેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેને પગલે એક સમયે વેક્સિનેશન કેન્દ્રો પર જોવા મળતી અરાજકતા હવે ભૂતકાળ બની ચૂકી છે.
શહેરીજનોને વેક્સિન માટે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. આ સિવાય કોરોનાની વેક્સિનનો પહેલો લીધા બાદ બીજા ડોઝ માટે વેક્સિનેશન સેન્ટર પહોંચવામાં આળસ કરનારા નાગરિકોને પણ શોધી શોધીને વેક્સિનેશન આપવી મહાનગર પાલિકા માટે સૌથી મોટો પડકાર સાબિત થયો હતો. એક તબક્કે સુરત શહેરમાં જ પહેલો ડોઝ લીધા બાદ સમય અવધિ પૂર્ણ થઇ ગયા હોવા છતાં બીજો ડોઝ ન લેનાર નાગરિકોની સંખ્યા 2.5 લાખ સુધી પહોંચી ગઇ હતી
સુરત શહેરમાં વેક્સિનના બીજા ડોઝ માટે શહેરીજનોની આળસને પગલે મહાનગર પાલિકા માટે મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. આવા નાગરિકોની સતત વધતી સંખ્યા એક સમય 25 ટકા સુધી પહોંચી ગઇ હતી. આ સ્થિતિને કાબુમાં લેવા માટે મહાનગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા અલગ-અલગ આયોજન થકી હવે આ તફાવત ઘટીને માત્ર 10 ટકા સુધી પહોંચી ગયો છે.
સુરત શહેરમાં વસતા દિવ્યાંગ નાગરિકો સહિત રેન બસેરામાં આશરો લેનારા, સગર્ભા માતા અને શાળા-કોલેજના શિક્ષકો સહિતના સ્ટાફ માટે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેને પગલે અત્યાર સુધી 1,270 દિવ્યાંગો, રેન બસેરામાં રહેતા 1,100 નાગરિકો તથા 5,790 સગર્ભા મહિલાઓને પણ રસી આપવામાં આવી છે .
આ સિવાય તબક્કાવાર શરૂ કરવામાં આવેલી ધોરણ 6 થી 12 ની શાળા કોલેજોમાં કોરોનાના સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 30,000 જેટલા શાળા-કોલેજના શિક્ષકો સહીત સ્ટાફ અને વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : ઉકાઈમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી તાપીમાં છોડશે, સુરતીઓ માટે હાલ કોઈ ચિંતાનું કારણ નહીં
આ પણ વાંચો : Surat : કોરોના કાળમાં રેલવે સ્ટેશન પર મળેલા 36 બાળકોનો પરિવાર સાથે ભેંટો કરાવાયો