રેલવે સ્ટેશન પર ગંદકી જ ગંદકી જોઈ MP અને MLA ભડક્યા, સફાઈના અભાવને લઈ અધિકારીઓને ખખડાવ્યા
રેલવે સ્ટેશન પર ઠેરઠેર ગંદકી જોવા મળવાને લઈ સાંસદે રેલવે સ્ટેશનના અધિકારીઓને આડે હાથ લીધા હતા. મુસાફરોને સ્વચ્છ રેલવે સ્ટેશન અને પ્લેટફોર્મની સુવિધા મળે એ માટે સૂચનો કર્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલ્વે સ્ટેશન પર હવે મુસાફરોનો ધમધમાટ ટ્રેનના આવન જાવનના સમયે જોવા મળી રહ્યો છે. બ્રોડગેજ રેલવેની નવી ટ્રેન સેવા શરુ થવા શરુ થવાને લઈ તેના પ્રત્યે લોકોનુ આકર્ષણ પણ ખૂબ જોવા મળી રહ્યુ છે. હજુ વધુ રેલવે ટ્રેનોનો લાભ હિંમતનગર, પ્રાંતિજ, તલોદ તેમજ અરવલ્લીના શામળાજીને મળવાનો છે. બ્રોડગેજ રેલવે સ્ટેશનની સ્થિતીને નિરીક્ષણ કરવાને લઈ સરપ્રાઈઝ વિઝીટ પર સાબરકાંઠાના સાંસદ દિપસિંહ રાઠોડ અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન પર ઠેરઠેર ગંદકી જોવા મળવાને લઈ સાંસદે રેલવે સ્ટેશનના અધિકારીઓને આડે હાથ લીધા હતા. મુસાફરોને સ્વચ્છ રેલવે સ્ટેશન અને પ્લેટફોર્મની સુવિધા મળે એ માટે સૂચનો કર્યા હતા.
રેલવે સ્ટેશન પર આવનારા મુસાફરોને માટે શૌચાલયની ગંદી અને તૂટેલી ફુટેલી હાલતને જોઈને પણ સાંસદ અને ધારાસભ્ય ભડક્યા હતા. સાંસદે તત્કાળ શૌચાલયને યોગ્ય કરવા માટે તાકીદ કરી હતી. સાથે જ આ મામલે અનિયમિતતા વારંવાર ધ્યાને આવશે તો, કેન્દ્રીય રેલ મંત્રાલયને ધ્યાને મુકવાનુ પણ જણાવ્યુ હતુ.
સ્ટેશન માસ્તરને ખખડાવ્યા
અચાનક જ રેલ્વે સ્ટેશન પર પહોંચેલા સાંસદ અને ધારાસભ્યને ઠેર ઠેર ગંદકી જ ગંદકી નજર આવી રહી હતી. રેલવે સ્ટેશનની આવી સ્થિતી જોઈને સાંસદ દિપસિંહ રાઠોડે સ્ટેશન માસ્તરને નિરીક્ષણ કાર્ય યોગ્ય થતુ નહી હોવાને લઈ ખખડાવ્યા હતા. મુસાફરોને સ્વચ્છ રેલ્વે સ્ટેશનનો અહેસાસ થવો જોઈએ તેમ જ પ્લેટફોર્મ પર પણ સ્વચ્છતા જળવાઈ રહેવી જોઈએ તેવી તાકીદ કરી હતી. સ્ટેશન માસ્તરને નિયમિત રુપે નિરીક્ષણ સફાઈને લઈને થવુ જોઈએ અને ક્યાંય કોઈ જ સ્થળે ગંદકી ના રહેવી જોઈએ એવી જવાબદારી પૂર્વક ચિવટતા દાખવવા માટે સૂચના આપી હતી.
પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળવાને લઈ ધારાસભ્ય વીડી ઝાલાએ સાંસદ અને સ્ટેશન માસ્તરનુ ધ્યાન દોર્યુ હતુ. મુસાફર કે તેમને લેવા મુકવા આવેલ વ્યક્તિને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ના હોય એ અયોગ્ય બાબત ગણાવી હતી. તેમજ પીવાના પાણીની વ્યવસ્થાના સ્થળે ગંદકીને દૂર કરવા સાથે પીવાના પાણીની સુવિધા પ્રાથમિકતાના ધોરણે શરુ કરી દેવા માટે કડકાઈ પૂર્વક સૂચના આપી હતી. ઉપરાંત રેલવે સ્ટેશન પર આવેલ શૌચાલયની હાલત ભંગાર હોવાને લઈને પણ ઝડપથી યોગ્ય કરવા માટે સૂચના આપી હતી. શૌચાલયના તૂટેલા દરવાજા અને તેમાં પારાવાર ગંદકીને લઈ સાંસદે અનિયમિતતાઓના વધુ પ્રમાણને લઈ ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવાની ચેતવણી આપી હતી.
સલામતી અને સુરક્ષા માટે ધ્યાન દોર્યુ
હાલમાં રેલવે સ્ટેશન અને પ્લેટફોર્મથી જીઆરપી રેલવે આઉટ પોસ્ટ ખૂબ દૂર છે. જેને નજીક લાવવા અને સાથે જ ગુજરાત રેલવે પોલીસનુ મે આઈ હેલ્પ યુ બુથની કાયમી વ્યવસ્થા ઉભી કરવા માટે સૂચન કર્યુ હતુ. જેને લઈ પ્લેટફોર્મથી નજીકમાં સલામતી અને સુરક્ષા માટે પોલીસની સેવા ઉપલ્બધ બની રહે.