Amulની સત્તા ટકાવવા શામળ પટેલ સોમવારે વધુ એક કોઠો પાર પાડશે? સૌની નજર મંડરાઇ
અમૂલ એટલે કે GCMMF ના ચેરમેન શામળ પટેલની સાબરડેરીની ચૂંટણીમાં વાંધા અરજી રજૂ થયા બાદ, સુનાવણી હવે સોમવારે હાથ ઘરાનાર છે. જોકે સાબરડેરીની ચૂંટણીમાં અમૂલ એટલે કે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન સામે જ વાંધો રજૂ થતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. શામળ પટેલને અમૂલની સત્તા પરથી પછાડવા માટે છેલ્લા છ માસથી એક સ્થાનિક જૂથે પ્રયાસો કર્યા છે.
અમૂલની સત્તા શામળ પટેલના હાથોમાંથી સરકાવવામાં સફળ નહીં થયા બાદ હજુ પણ સહકારી રાજકારણમાં ગરમાવો લાવવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાબરડેરીની સામાન્ય ચૂંટણી છે. ચૂંટણીના મતદારો અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓના છે. આ દરમિયાન છેલ્લા કેટલાક મહિનાથી બે જૂથ આમને સામને સહકારી રાજકારણમાં જોવા મળી રહ્યા છે.
જેમાં સૌથી પહેલા શામળ પટેલને અમૂલની સત્તા છૂટી જાય એ માટેનો પ્રયાસ કરવામં આવી રહ્યો હતો. હવે તમામ પ્રયાસો એક જૂથના નિષ્ફળ જવા દરમિયાન સામાન્ય ચૂંટણીઓ પણ જાહેર થઈ ચૂકી છે અને હવે મહત્વના ઉમેદવારો બિન હરીફ થવાની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન વાંધા અરજીઓ સહકારી રાજકારણનો માહોલ ગુજરાતમાં ગરમ કરી રહ્યો છે.
સોમવારે ચિત્ર સ્પષ્ટ!
ઉમેદવારોની ચકાસણી દરમિયાન કેટલાક ઉમેદવારો સામે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એક નામ અમૂલની સત્તા જેમના હાથમાં છે એ શામળ પટેલ સામે પણ વાંઘો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓની સામે ઉમેદવારી નોંધાવનારે વાંધો રજૂ કર્યો હતો. જોકે વાંધો રજૂ કરનારનું ખુદનું જ ફોર્મ ચકાસણી દરમિયાન રદ થઇ ચુક્યુ હતુ.
વાંધો રજૂ કરતા જણાવ્યુ છે કે, શામળ પટેલના પરિવારજનો દ્વારા રાજ્યમાં સહકારી ડેરીઓમાં પશુ દવાઓને સપ્લાય કરવામાં આવી રહી છે. જેને લઈ વાંધો રજૂ કરી ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી છે. જોકે આ અંગેની સુનાવણી હાથ ધરાઇ હતી અને ચૂંટણી અધિકારી દ્વારા સોમવારે આ મામલે નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે.
ત્રણ બેઠકો બિન હરીફ થશે?
આ દરમિયાન હિંમતનગરની બેઠકમાંથી ડો વિપુલ પટેલ બિન હરીફ થાય એવી સંભાવનાઓ વર્તાઇ રહી છે. તેમની સામેના ઉમેદવાર હાઇસ્કૂલમાં ક્લાર્ક હોવાને લઈ તેમની સામે વાંધો રજૂ થયો હતો. આમ તેઓનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે ક્લાર્ક પદેથી રાજીનામુ ધર્યુ હોવાનું રટણ કરતા આ અંગે પણ સુનાવણી હાથ ધરાઇ હતી. જેથી તે અંગે પણ સોમવારે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. આમ શામળ પટેલ, વિપુલ પટેલ સહિત ત્રણ બેઠકો બિન હરીફ થશે કે કેમ એની પર નજર ઠરેલી છે. આમ અમૂલની સત્તા ટકી રહેવાનો વધુ એક કોઠો સોમવારે પાર થવા અંગે નજર સૌની મંડરાઇ છે.