સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા કંટાળેશ્વર હનુમાન ધામ ખાતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. અહીં શિવરાત્રીની ઉજવણી નિમીત્તે સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે થઈને શિવરાત્રીએ અહીં વર્ષોથી પરંપરા રહી છે, જ્યાં આ દિવો પ્રગટાવી આહુતી આપવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શને આવે છે અને પ્રાકૃતિક સૌદર્ય વચ્ચે આવેલ આ સુંદર ધામ ખાતે શિવજીની પ્રતિમા સમક્ષ દિવો પ્રગટાવવામાં આવે છે.
શિવજીની વિશાળ પ્રતિમા અહીં આવેલી છે. આ પ્રતિમા સહસ્ત્રલિંગ છે, જેની સમક્ષ આ દિવાને પ્રગટાવીને ભક્તો વિશ્વ કલ્યાણ માટે થઈને શાંતિની પ્રાર્થના કરવામાં આવે છે. ભક્તોની ભીડ અહીં દૂર દૂર થી શિવરાત્રીને દિવસે અહીં ઉમટતી હોય છે.
બેરણાં ગામ પાસે આવેલ આ ભકિત ધામમાં ખૂબ જ પ્રાકૃતિક સુંદરતા ધરાવે છે. અહીં ચારેય બાજુ નાના ડુંગરો આવેલા છે અને વચ્ચે આ ધામ આવેલુ છે. અહીં 51 ફુટ ઉંચી શિવજીની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમા સમક્ષ વર્ષોથી પરંપરા મુજબ સવા મણ રુનો દિવો એટલે કે 25 કિલો ગ્રામ રુનો દિવો પ્રગટાવવામાં આવે છે. વહેલી સવારે આ દિવો પ્રગટાવવામાં આવતો હોય છે. મંદિરના મહંત મહેન્દ્રભાઈ ઉપાધ્યાય દ્વારા આ દિવાની જ્યોતને પ્રગટાવ્યા બાદ ભક્તો અને દર્શનાર્થીઓ તેમાં શુદ્ધ ઘીની આહુતી આપતા હોય છે.
વિશ્વ શાંતિ માટે મંત્રોચ્ચાર સાથે દિવો પ્રગટાવ્યા બાદ દિવસભર દિવાની જ્યોત રહે છે. આ દિવામાં 20 કિલોગ્રામ શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ભક્તોને આહુતી માટે શુદ્ધ ઘી રાખવામાં આવે છે. જ્યાં ભક્તો દિવામાં ઘીની આહુતી આપેની વિશ્વકલ્યાણની પ્રાર્થનામાં સહભાગી થતા હોય છે.
બેરણાં ગામે સહસ્ત્રલિંગ પ્રતિમા વર્ષો અગાઉ તૈયાર કરવામાં આવી હતી. શિવજીની 51 ફુટ ઉંચી પ્રતિમા સમક્ષ આ દિવો પ્રગટાવવામાં આવે છે. આ પ્રતિમા પર 1008 નાના શિવલિંગ આવેલા છે. આમ આવી એક માત્ર સહસ્ત્રલિંગ પ્રતિમા ગુજરાતમાં આવા વિશાળકદની તૈયાર કરવામાં આવી હતી.
મહંત મહેન્દ્રભાઈ ઉપાધ્યાયે ટીવી9 સાથે વાત કરતા કહ્યુ હતુ કે, પ્રતિવર્ષ અહીં આ વિશાળ પ્રતિમા સમક્ષ દિવો પ્રગટાવીને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ભક્તો અહી દૂર દૂર થી આતા હોય છે અને દર્શન કરી સહભાગી થતા હોય છે.
Published On - 4:51 pm, Sat, 18 February 23