લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે પૂર્વ MLA સીજે ચાવડાની બંધ બારણે બેઠક
લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ હાલમાં ગુજરાતમાં આવેલા છે. આ દરમિયાન વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ તેમની મુલાકાત લીધી હતી. સીજે ચાવડાએ બંધ બારણે દોઢેક કલાક સુધી પ્રફુલ પટેલ સાથે બેઠક કરવાને લઈ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પ્રફુલ પટેલનો ઉત્તર ગુજરાતના રાજકારણમાં અલગ જ દબદબો છે અને આ દરમિયાન સીજે ચાવડા મુલાકાતે પહોંચતા ચર્ચાઓ શરુ થઈ છે.
લક્ષદ્વીપ અને દીવ દમણની કાયાપલટ કરનાર પ્રશાસક પ્રફુલ પટેલ બે દિવસની ટૂંકી મુલાકાતે હિંમતનગરના પ્રવાસે પહોંચ્યા છે. જ્યાં તેમને મળવા માટે રાજકીય અગ્રણીઓની લાંબી કતારો લાગી રહી છે. આ કતારમાં એક નામ એવુ પણ રહ્યુ કે, જેણે સૌથી વધારે ચર્ચા ઉત્તર ગુજરાતના રાજકારણમાં જગાવી દીધી છે. હાલમાં જ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા હિંમતનગર પહોંચ્યા હતા.
વિજાપુરના પૂર્વ ધારાસભ્ય એક ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ સીધા જ પ્રફુલ પટેલના બંગલે પહોંચી ગયા હતા. પ્રફુલ પટેલના નિવાસ સ્થાને લાંબી કતારો રાજકીય અને ગુજરાતના સ્થાનિક અગ્રણીઓની મુલાકાત વચ્ચે સીજે ચાવડાની મુલાકાતે અનેક તર્ક સર્જી દીધા છે.
દોઢ કલાક બેઠક કરી
સામાન્ય રીતે લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ પ્રોટોકોલને શિસ્તબદ્ધ રીતે અનુસરે છે. આ દરમિયાન તેઓ રાજકીય ગતિવિધીઓમાં ખૂબ જ ચોકસાઈ દાખવતા હોય છે. આમ આ દરમિયાન પૂર્વ MLA સીજે ચાવડાની મુલાકાત ચર્ચામાં આવી ચૂકી છે. સીજે ચાવડા કોંગ્રેસમાં હોવા દરમિયાન પણ અગાઉ મુલાકાત કરી ચૂક્યા છે, બાદમાં હવે ફરીથી મુલાકાત કરતા લાંબી ચર્ચા કરી હતી.
પ્રફુલ પટેલ સાથે લગભગ દોઢેક કલાક સુધી બંધ બારણે હિંમતનગરમાં સીજે ચાવડાએ પ્રશાસક પ્રફુલ પટેલને પોતાની રાજકીય ગતિવિધિઓ અંગે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. જોકે આ મામલે હાલ તો માત્ર તર્ક લગાવવામાં આવી રહ્યા છે કે, કેવી અને શુ ચર્ચા થઈ હશે. જોકે સૂત્રો મુજબ દોઢ કલાક ચાલેલ ચર્ચાઓ દરમિયાન અન્ય કોઇ પણ મુલાકાતીઓની અવરજવર થવા દેવામાં આવી હતી. આમ બહાર કતારમાં રહેલા મુલાકાતીઓમાં આ મામલાની ચર્ચા વધવા લાગી હતી.
ચાવડાની નજર દિલ્હી તરફ!
તો કહેવાય છે કે, ગાંધીનગરને બદલે હવે સીજે ચાવડાની નજર દિલ્હી તરફ વધારે મંડરાઇ રહી છે. જેને લઈ હવે તેઓ લોકસભાની ચૂંટણી લડવા માટે ઇચ્છા ધરવતા હોવાનું મનાય છે. જોકે તેઓ ગાંધીનગર બેઠક પર વિચાર સુદ્ધા કરી શકે એવી સ્થિતિ નથી. મહેસાણાના સમીકરણ ફિટ બેસે એવા નથી. તો હવે ઉત્તર ગુજરાતમાં તેઓ સાબરકાંઠા બેઠક પર નજર દોડાવતા હોય એમ લાગે છે. જોકે આ એ જ બેઠક છે કે, જ્યાં શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજ પણ દીપસિંહ રાઠોડ જેવા ઉમેદવાર સામે હારી ગયા હતા.
આ પણ વાંચો: Amulની સત્તા ટકાવવા શામળ પટેલ સોમવારે વધુ એક કોઠો પાર પાડશે? સૌની નજર મંડરાઇ
પૂર્વ ધારાસભ્ય ચાવડા પણ શંકરસિંહ જેવા જ જ્ઞાતિ સમીકરણમાંથી આવે છે. તો બીજી તરફ અહીં સ્થાનિક સામાજીક સમીકરણ પણ સીજે ચાવડા માટે મુશ્કેલ હોવાનું મનાય છે. આવી સ્થિતિમાં તેઓ સાબરકાંઠાના રાજકારણને સમજવાના મુદ્દે પણ હિંમતનગરના આંટા મારતા હોવાની ચર્ચા છે. આવામાં પ્રફુલ પટેલનું માર્ગદર્શન અને રાજકીય શબ્દોમાં ‘આશિર્વાદ’ લેવા મહત્વનું મનાય છે.