સાબરકાંઠા બેઠક માટે હવે ભાજપ કેવા ઉમેદવાર પર ઉતારશે પસંદગી? જાણો
સાબરકાંઠા લોકસભા બેઠક પર હવે સમીકરણો વધુ એકવાર બદલાયા છે. ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાને લઈ વ્યક્તિગત અનિચ્છા જાહેર કરી છે. આમ હવે ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયા છે. જોકે ભીખાજીએ નિવદેન કર્યુ છે કે, તેઓ ભાજપના ઉમેદવારની સાથે રહેશે. તો બીજી તરફ કોંગ્રેસ પણ આ સ્થિતિને લઈ હવે તેમાં ફાયદો શોધવાના પ્રયાસમાં લાગ્યું છે.
સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. આમ હવે તેઓ ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયા છે. જોકે તે ઉમેદવાર તરીકે હટ્યા છે, પરંતુ ભાજપ માટે પોતાની જવાબદારીઓ નિભાવતા રહેશે. તો હવે ભાજપે ક્ષત્રિય ઠાકોર ઉમેદવાર તરફ નજર દોડાવી છે. ભાજપ ટૂંક સમયમાં જ નવા ઉમેદવાર જાહેર કરી શકે છે.
લોકસભાની સાબરકાંઠા બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર સૌથી વધારે મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે. તો બીજા ક્રમે આદિવાસી મતદારોની સંખ્યા છે. આમ હવે ભાજપે ચૂંટણી ઉમેદવાર જાહેર કરતા પહેલાથી જ જેમ ઠાકોર ઉમેદવાર પસંદ કરવા માટે પ્રયાસ કર્યો હતો એમ જ હવે નવા ઉમેદવાર માટે શરુ કર્યો છે.
નવેસરથી ઠાકોર ઉમેદવારની શોધ!
હવે ભાજપે પણ નવેસરથી જ ભાજપના ઉમેદવારની શોધ શરુ કરી છે. સાબરકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા અગાઉ યોજવામાં આવી હતી. જેમાં સામે આવેલ 35 થી 40 નામો પૈકીની યાદીમાંથી જ હવે ક્ષત્રિય ઠાકોર ઉમેદવાર પસંદ કરવાનો પ્રયાસ શરુ કરાયો છે. યાદીમાં સામેલ નામોને સામાજિક ગણિતના આધાર પર અલગ તારવીને હવે નામને પસંદ કરવાની પ્રક્રિયા થઈ હોવાનું મનાય છે.
બેઠક પર 19.70 લાખ મતદારો છે અને જેમાંથી 8 લાખ કરતા વધારે મતદારો માત્ર ક્ષત્રિય ઠાકોર સમાજના છે. જેને લઈ હવે ભાજપ ઠાકોર સમાજના મજબૂત અને યુવા ચહેરા તરફ નજર દોડાવી રહ્યુ હોવાની ચર્ચા છે. આમ ટૂંક સમયમાં જ ભાજપ સાબરકાંઠા બેઠકના ઉમેદવારને અન્ય પાંચ બેઠકના ઉમેદવારોની સાથે જાહેર કરી શકે છે.
અટકનો વિવાદ નડ્યો?
આ દરમિયાન સવાલ એ પણ થઇ રહ્યા છે કે, સોશિયલ મીડિયા અને પત્રિકાઓ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરની અટકે વિવાદ સર્જ્યો હતો. જોકે ભીખાજીએ આ માટે ખુલાસો કર્યો હતો કે, તેઓ ઠાકોર જ છે અને તેમણે માત્ર ડામોર અટકને બદલીને ઠાકોર કરેલ છે. તો સાથે જ પોતાના સમાજના 55 હજાર મતદારોનો બ્લોક મેઘરજ માલપુર વિસ્તારમાં હોવાનો અગાઉ ખુલાસો કર્યો હતો.
ભીખાજીની અટકને લઈ ચર્ચાઓ વધતી ગઇ હતી, તો બીજી તરફ ઠાકોર પ્રભુત્વ ધરાવતી બેઠક પર સામાજીક રીતે માહોલ જામી નહીં રહ્યાના અણસાર આવી રહ્યા હતા. જેને લઈ સ્થાનિકથી લઈ ઉચ્ચ સ્તરીય ભાજપ નેતાઓએ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યાની ચર્ચા હતી. આ દરમિયાન જ હવે ભીખાજીએ ટિકિટ મળ્યા બાદ પ્રચાર શરુ કરીને પણ હવે ચૂંટણીન લડવાથી અનિચ્છા જાહેર કરી છે.