Rajkot Kite Festival : રાજકોટમાં 21 દેશના પતંગબાજો સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન, જુઓ Video
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન થયું. ઉત્તરાયણની ઉજવણીમાં 21 દેશોના અને ભારતના વિવિધ રાજ્યોના કુલ 135 થી વધુ પતંગબાજોએ ભાગ લીધો.

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ઉત્તરાયણના પાવન પર્વની ઉજવણીને વિશેષ બનાવવા માટે આયોજિત આ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોએ ભાગ લઈ રાજકોટના આકાશને રંગબેરંગી બનાવી દીધું.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ સહિત કુલ 21 દેશોના પતંગબાજોએ ભાગ લીધો હતો. સાથે જ ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઓડિશા, તમિલનાડુ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ સહિતના વિવિધ રાજ્યોમાંથી આવેલા પતંગબાજો મળી કુલ 135થી વધુ પતંગબાજોએ પોતાની અવનવી અને આકર્ષક પતંગોનું પ્રદર્શન કર્યું.
ખુલ્લા આકાશમાં શરૂ થયેલા આ પતંગ મહોત્સવ દરમિયાન વિવિધ આકાર, રંગ અને થીમ આધારિત પતંગોએ સૌનું ધ્યાન ખેંચ્યું. ઉત્સાહ, ઉમંગ અને આકર્ષણથી ભરપૂર આ તહેવારને માણવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમજ દેશ-વિદેશથી આવેલા મુલાકાતીઓ પણ પહોંચ્યા હતા.
Kite Flyers from 21 Nations Join Grand International Kite Festival in Rajkot | TV9Gujarati#InternationalKiteFestival #Rajkot #Uttarayan #KiteFestival #ParshottamRupala #GujaratNews #TV9Gujarati pic.twitter.com/LYw4xLu0x7
— Tv9 Gujarati (@tv9gujarati) January 10, 2026
આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં હાજરી આપનાર પૂર્વ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ પણ પતંગ ચગાવી ઉત્સવની શોભા વધારી. આ પ્રસંગે તેમણે સોમનાથમાં યોજાનારા સ્વાભિમાન પર્વ અંગે વાત કરતા સોમનાથને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક ગણાવ્યું અને સ્વાભિમાન પર્વને કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિબિંબ ગણાવ્યું.
રાજકોટમાં યોજાયેલ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે ઉત્તરાયણના ઉત્સવને વૈશ્વિક રંગ આપતાં શહેરને ઉત્સવમય બનાવી દીધું હતું.
ગુજરાતમાં આ મંદિરના જુના મકાનમાંથી મળ્યા 40થી વધુ વાઘના ચામડા અને નખ, જાણવા માટે અહીં ક્લિક કરો..