સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેધારી નીતિ, એક જ ગુનામાં સામાન્ય વિદ્યાર્થીને આજીવન પરીક્ષા નહીં આપવાની સજા જયારે ભાજપના નેતાને માત્ર 4 વર્ષનો બેન !
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા આપવામાં બેધારી નીતિ અપનાવતા વિવાદ વકર્યો છે. પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડીને ગેરરીતિ આચરતા ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાને 4 વર્ષ સુધી પરીક્ષા ન આપવાની સજા કરી છે તો લીંબડીના એક વિદ્યાર્થીને આજીવન પરીક્ષા ન આપવાની સજા ફટકારવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી અલગ અલગ વિષયોની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓને સજા આપવા માટે એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટીની બેઠક મળી હતી. જેમાં 53 જેટલા વિદ્યાર્થીઓને સજાનું એલાન કરવાનું હતું. જે પૈકી 21 વિદ્યાર્થીઓ રૂબરૂ હાજર રહ્યા હતા. જેમને વિદ્યાર્થીઓએ કરેલી ગેરરીતિના આધારે સજા સંભળાવવામાં આવી હતી.
જો કે આ સજામાં લીમડીમાં B.A. સેમેસ્ટર 5 ની પરીક્ષામાં મનોજ ઇવોરિયા નામના વિદ્યાર્થીને પોતાના બદલે ડમી વિદ્યાર્થી બેસાડવા બદલ આજીવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાંથી બાકાત રહેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણયે યુનિવર્સિટી કાર્ય પદ્ધતિ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. વર્ષ 2019માં ભાજપના નેતા અલ્પેશ ઢોલરીયા આ જ પ્રકારની બેદરકારી સાથે પકડાયા હતા પરંતુ યુનિવર્સિટીએ તેમને માત્ર 4 વર્ષ પરીક્ષાથી બાકાત રહેવાનું નિર્ણય જાહેર કર્યો હતો.
વર્ષ 2019 માં અલ્પેશ ઢોલરીયાના બદલે ડમી વિદ્યાર્થી પકડાયો હતો
એપ્રિલ 2019 માં ગોંડલની એમબી આર્ટસ કોમર્સ કોલેજમાં પરીક્ષા આપતા તત્કાલીન ભાજપના તાલુકા પ્રમુખ અને હાલના ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ B.A. સેમેસ્ટર 1ની પરીક્ષામાં તેના બદલે ડમી વિદ્યાર્થી બેસાડ્યો હતો. આ સમયે એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એકશન કમિટી દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે સમયે 1+7 એક્ઝામ એટલે કે 4 વર્ષ પરીક્ષા નહિ આપી શકે તે પ્રકારની સજા ફટકારવામાં આવી હતી. જો કે આ ઘટના પરથી યુનિવર્સિટીની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.
વિદ્યાર્થી નેતા કરશે યુનિવર્સિટીમાં રજૂઆત !
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક જ બેદરકારી માટે બે અલગ અલગ સજા અંગેના નિર્ણયનો વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે વિરોધ કર્યો છે. રોહિતસિંહે કહ્યું હતું કે યુનિવર્સિટીના બંધારણમાં ક્યાંય એવી જોગવાઇ નથી કે યુનિવર્સિટીમાં એક જ બેદરકારીની બે અલગ અલગ સજા હોય ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતા દરેક વિદ્યાર્થી સમાન હોય છે. તેમાં નેતા કે સામાન્ય વિદ્યાર્થીમાં કોઇ ભેદભાવ ન હોવો જોઇએ.
વિદ્યાર્થી નેતાએ દાવો કર્યો હતો કે યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીને આ અંગે રજૂઆત કરવામાં આવશે અને આ નિર્ણય પરત લેવા માટેની માગ કરવામાં આવશે.