જયંતિ સરધારાનો યુ-ટર્ન… કહ્યું, સામાજિક આગેવાનો સમાધાન કરાવે, બીજી તરફ ખોડલધામે PI પાદરિયાનું કર્યું ખુલ્લુ સમર્થન !
પાટીદાર સમાજની બે સામાજિક સંસ્થા વચ્ચે શીતયુદ્ધ ચાલા રહ્યું છે. હુમલા બાદ આક્રામક બનેલા જયંતિ સરધારા હવે સમાધાનની વાત પર આવી ગયા છે. બીજી તરફ ખોડલધામ દ્રારા પીઆઇ પાદરિયાનું ખુલ્લુ સમર્થન કરવામાં આવ્યું છે. જો કે આ વિવાદે પાટીદાર એકતા સામે સવાલો ઉભા કર્યા છે.
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર થયેલા હુમલા બાદ પાટીદાર સમાજમાં બે સામાજિક સંસ્થાઓ વચ્ચેનો મતભેદ સામે આવ્યો જયંતિ સરધારાએ હુમલા પાછળ ખોડલધામનું નામ આપીને આ મુદ્દાને વધુ ઉગ્ર બનાવી દીધો હતો પરંતુ એક જ દિવસમાં જયંતિ સરધારાના સૂર બદલાઇ ગયા,જયંતિ સરધારાએ પોતાના નિવેદનમાં સમાજના અગ્રણીઓ પાસે સમાધાનની વાત કરી અને આ મુદ્દે સમાધાન કરવા સમાજ આગળ આવે તેવું કહ્યું સાંભળો શુ કહ્યું જયંતિ સરધારાએ..
એવું તો શું બન્યુ કે જયંતિ સરધારા સમાધાન માટે આગળ આવી ગયા ?
જયંતિ સરધારાએ પીઆઇ સંજય પાદરિયા પર કરેલા આક્ષેપ બાદ બે અલગ અલગ સીસીટીવી ફુટેજ વાયરલ થયા જેમાં કેટલીક બાબતો એવી સામે આવી જે જયંતિ સરધારાએ કરેલા આક્ષેપથી વિપરીત હતી.
સીસીટીવીમાં જોઇ શકાય છે કે પહેલા જયંતિ સરધારાએ પીઆઇ પાદરિયાનું કોલર પકડે છે અને પછી લાત મારે છે જ્યારે બીજા સીસીટીવીમાં પાદરિયા અને સરધારા વચ્ચે મારામારી થાય છે પરંતુ તેમાં પાદરિયાના હાથમાં કોઇ હથિયાર જોવા નથી મળતું ત્યારે શું આ કારણથી જયંતિ સરધારા સમાધાન માટે આગળ આવ્યા છે ?
ગદ્દાર vs વફાદાર વોર !
આ તરફ ખોડલધામ દ્રારા સંજય પાદરિયાને ખુલ્લુ સમર્થન કર્યું છે ખોડલધામની વિધાર્થી પાંખ દ્રારા સોશિયલ મિડીયામાં સંજય પાદરિયાને સમર્થન જાહેર કર્યું છે અને સંજય પાદરિયાને સમાજના વફાદાર જાહેર કર્યા છે જેના કારણે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.
શું ફંડીગ છે વિવાદનું મૂળ ?
આ ઘટનામાં કોણ સાચું અને કોણ ખોટું તે તપાસનો વિષય છે પરંતુ આ ઘટનાએ બે સંસ્થાઓ વચ્ચેના શીતયુદ્ધને જાહેર કર્યું છે ચર્ચા એવી છે કે જયંતિ સરધારા છેલ્લા થોડા સમયથી સરદારધામનું ફંડિગ સંભાળતા હતા અને તેના કારણે તેઓ ખોડલધામનું ઘસાતું બોલીને ફંડ સરદારધામ તરફ લઇ જતા હતા જેના કારણે બે સંસ્થાઓ વચ્ચે વિવાદ ચાલતો હતો. જયંતિ સરધારા પણ કહી રહ્યા છે કે ખોડલધામને સરદારધામમાં કડવા પાટીદાર હોવાથી આ પ્રવૃતિ ગમતી ન હતી.આ જ વાતની ચર્ચા લગ્ન પ્રસંગમાં થતા પીઆઇ પાદરિયા ઉશ્કેરાય ગયા હતા અને તેના પર હુમલો કર્યો હતો
પાટીદાર અગ્રણીઓ આ વિવાદથી ચિંતિત છે અને તેનું જલદી સમાધાન થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે સાથે સાથે એવી પણ ટકોર કરી હતી કે સંસ્થાનો વિકાસ અને વિવાદ બંન્ને સંસ્થાના મોભીના હાથમાં હોય છે ત્યારે આ મોભીએ આવા વિવાદોને દૂર કરવા જોઇએ
આ મુદ્દે જયંતિ સરધારાએ સમાધાનનો હાથ આગળ કર્યો છે જો કે બીજી તરફ ફરિયાદ અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે ગૃહ વિભાગે ફરિયાદના આધારે પીઆઇ પાદરિયાને સસ્પેન્ડ કરી દીધા છે જો કે આ વિવાદ હવે બે વ્યક્તિઓ કરતા બે સમાજ વચ્ચેનો થયો છે ત્યારે આ વિવાદને ઉકેલવા પાટીદાર સમાજના મોભીઓ શું કરે છે તેના પર સૌની નજર છે.