Rajkot: RMCનું જનરલ બોર્ડ કે ટાઈમ પાસ ! મહત્વના મુદ્દાઓની ચર્ચા વિના સામાન્ય પ્રશ્નોમાં જ બોર્ડ પુરુ જાહેર કરી દેવાયુ, કોંગ્રેસનો વિરોધ
Rajkot: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી જનરલ બેઠક નામ માત્રની મળતી હોય તેવુ દિવસે દિવસે ચિત્ર ઉપસી રહ્યુ છે. આજે મળેલી સામાન્ય સભા જાણે ઔપચારિક્તા પૂર્ણ કરવા મળી હોય તેવો ઘાટ ઘડાયો છે. આજના બોર્ડમાં ઢોર- આરોગ્ય જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચાના બદલે સામાન્ય પ્રશ્નોમાં જ બોર્ડ પુરુ કરી દેવાયુ હતુ. મહત્વના મુદ્દાઓની ચર્ચા ન થતા કોંગ્રેસના એક માત્ર કોર્પોરેટરે વોક આઉટ કરી વિરોધ દર્શાવ્યો હતો.
Rajkot: મ્યુનિસિપસલ કોર્પોરેશનના અધિકારીઓએ કરેલી કામગીરી અને અધિકારીઓ પાસેથી કામનો હિસાબ લેવા માટે મહાનગરપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક મળતી હોય છે. જો કે આ બેઠક હવે માત્ર સમય પસાર કરીને ઔપચારિકતા પૂર્ણ કરવા પુરતી સિમીત રહી ગઇ હોય તેવો ઘાટ ઘડાયો છે. રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું. આમ તો આ બોર્ડમાં ભાજપના 17 અને કોંગ્રેસના બે સભ્યોએ કુલ 41 જેટલા પ્રશ્નો પુછ્યા હતા. જેમાં રોગચાળો, ઢોર, આજી રિવરફ્રન્ટ અને સ્માર્ટ સિટી સહિતના મહત્વના મુદ્દાઓની ચર્ચા થવાની હતી. જો કે બોર્ડ આવાસ અને હોકર્સ ઝોનના પ્રશ્ન પર જ પુરૂ કરી દીધું. મહત્વના મુદ્દાઓની ચર્ચા ન થતા કોંગ્રેસના એક માત્ર કોર્પોરેટર દ્રારા વોક આઉટ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
આવાસ યોજનાના ફોર્મમાં હોય તેવા પ્રશ્નો જનરલ બોર્ડમાં પુછાયા
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શહેરના વિકાસકામોના હિસાબ લેવાનું મહત્વના બોર્ડના બદલે ટાઇમ પાસ હોય તેવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે આ બોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાના કોર્પેરેટર જ્યોત્સનાબેન ટીલાળાએ હોકર્સ ઝોનના પ્રશ્નથી શરૂઆત કરી. જેમાં તેમણે હોકર્સ ઝોનની સામાન્ય બાબતોના પ્રશ્ન પુછ્યા. જો કે તેમાં ભાજપના જ કોર્પોરેટરોએ દબાણ શાખાની ત્રુટીઓને છતી કરી. જેથી આ સવાલને તાત્કાલિક પુરો કરીને આવાસ યોજનાના પ્રશ્નોની શરૂઆત કરવામાં આવી. જેમાં કોર્પોરેટરે આવાસ યોજનાના ફોર્મમાં જે વિગતો દર્શાવેલી હોય છે તેવી વિગતો અધિકારીને પુછીને 30 મિનીટ જેટલો સમય પુરો કરી દીધો હતો.
સવાલ એ વાતનો છે કે શું શાસક પક્ષ દ્રારા જાણી જોઇને જનરલ બોર્ડનો સમય વ્યય કરવામાં આવી રહ્યો છે? શહેરના અનેક એવા અધૂરા પ્રોજેક્ટ છે, અઘિકારીઓની અનેક ગેરરીતિઓ છે, જે કોર્પોરેટરોના ધ્યાને આવતી હોય છે તેવી વાતોની ચર્ચા કરવાને બદલે માત્ર જનરલ બોર્ડની ઔપચારીકતા પૂર્ણ કરવામાં આવતી હોય તેવો ઘાટ ઘડાયો હતો.
શહેરમાં વકરી રહેલા રોગચાળીની ચિંતા ન કરાઇ
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષના કોર્પોરેટર ભાનુ સોરાણીએ રોગચાળાનો પ્રશ્ન પુછ્યો હતો. શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના વધતા જતા કેસોને પગલે મહાનગરપાલિકા શું કામગીરી કરી રહી છે તેની માહિતી માંગી હતી. જો કે બોર્ડ જ માત્ર બે પ્રશ્નોમાં સમેટાઈ ગયુ હતુ. જેથી આવા કોઇ પ્રશ્નની ચર્ચા ન થઇ અને વિરોધ પક્ષે વોક આઉટ કર્યું. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આરોગ્યને લઇને મહાનગરપાલિકાનું તંત્ર ચિંતિત હોવાનો દાવો કર્યો હતો અને વિરોધ પક્ષના વોક આઉટને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.
મેયર પાસે બોર્ડનો સમય વધારવાની સત્તા
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ટાઇમ પાસ પ્રશ્નો પુછીને બોર્ડનો સમય વ્યય કરવા મુદ્દે જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું કે દરેક સભ્યને બોર્ડમાં પ્રશ્ન પુછવાની છુટ હોય છે અને આ પ્રશ્નોતરી અંગે દરેક કોર્પોરેટરના પ્રશ્નનો ડ્રો થાય છે. ત્યારે તેમાં જે પ્રશ્ન આવે તે કોર્પોરેટર બોર્ડમાં પ્રશ્ન પુછી શકે છે પરંતુ આવાસ અને હોકર્સ ઝોન જેવા પ્રશ્નોની સાથે સાથે રોગચાળો, રખડતાં ઢોર અને સ્માર્ટ સિટી જેવા પ્રશ્નોની ચર્ચા પણ થવી ખુબ જ જરૂરી છે. જો સત્તાપક્ષને ખરેખર આ મુદ્દે ચર્ચા કરવી હોય તો જનરલ બોર્ડના અધ્યક્ષ સમય પણ વધારી શકે છે. જો કે આજે મળેલું જનરલ બોર્ડ માત્ર ઔપચારિકતા હોય તેવું લાગ્યું. અધિકારીઓ પણ શાસકોની આ રણનિતીથી વાકેફ છે અને એટલા માટે બોર્ડનો સમય પુરો કરવા માટે લાંબા જવાબો આપીને ઔપચારીકતા પુરી કરે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો