રાજકોટમાં જીવલેણ બનતા વીજ કરંટ, છેલ્લા સાત મહિનામાં 40 લોકોના થયા મોત
રાજકોટમાં ખુલ્લા વીજવાયરોને કારણે કરંટ લાગવાના અનેક બનાવો સામે આવતા રહે છે. જેમા વીજ કરંટ લાગવાથી છેલ્લા સાત મહિનામાં 40 લોકોના મોત થયા છે. તંત્રની બેદરકારીને ક્યારેક ખુલ્લા વાયરો લોકો માટે જીવલેણ બની રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 150 લોકો વીજ કરંટને કારણે મોતને ભેટ્યા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વીજવાયરના કરંટને કારણે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે અને વીજ કરંટને કારણે મોતની સંખ્યા પણ વધી રહી છે જે ચિંતાજનક છે. રાજકોટમાં છેલ્લા સાત મહિનામાં વીજ કરંટને કારણે 40 લોકોના મોત નિપજ્યા છે. રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ આ સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. વધતા જતા વીજકરંટના બનાવોને અટકાવવા માટે પીજીવીસીએલ દ્રારા સમયાંતરે પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગ્રાહકોને તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 115 જેટલા લોકોના મોત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વીજકરંટને કારણે મોતના આંકડાઓ વધી રહ્યા છે, ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં 40 જેટલા લોકોના મોત થયા છે. ગત વર્ષે આ આંકડો 69 હતો. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સાત મહિનામાં સૌરાષ્ટ્રમાં વીજ કરંટને કારણે 115 જેટલા લોકોના મોત થયા છે જ્યારે ગત વર્ષે આ આંકડો 165 પર પહોંચ્યો હતો.દિવાળીના દિવસે જ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વીજશોકને કારણે 55 વર્ષીય પ્રોઢનું મોત નીપજ્યું હતું.
જિલ્લા પ્રમાણે આંકડા
જિલ્લો | 2022 | 2023 |
રાજકોટ | 69 | 40 |
જામનગર | 22 | 15 |
જુનાગઢ | 13 | 26 |
દ્વારકા | 3 | 13 |
મોરબી | 31 | 11 |
પોરબંદર | 9 | 3 |
સોમનાથ | 1 | 7 |
આ પણ વાંચો: રાજકોટ ST વિભાગને ફળી દિવાળી, સપ્તાહમાં 5.60 કરોડ રૂપિયાની થઈ આવક
વીજકરંટને લગતા નિયમોનું પણ નથી થતું પાલન
પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્રારા વીજકરંટના બનાવોને અટકાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ તેનું પાલન થતું નથી. રહેણાંક મકાનોમાં 2 લોડથી વધારે વીજલોડ ધરાવતા ગ્રાહકો માટે ઇએલસીબી એટલે કે વીજકરંટ નિયંત્રણ કરતું ઉપકરણ ફરજીયાત બનાવાયું છે. પરંતુ ઝુંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોમાં પાલન થતું નથી. આ ઉપરાંત ઘણી ખાનગી બિલ્ડિંગોમાં અર્થ પોલ પ્રોટેક્શન વિશે કાળજી લેવાતી નથી. જેના કારણે વીજશોકના બનાવો બની રહ્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો