જંત્રીમાં કરાયેલા 200 થી 2000 ગણા વધારા સામે રાજ્યભરની બિલ્ડર લોબી દ્વારા વિરોધ, રાજકોટમાં મૌન કી બાત નામથી મૌન રેલી યોજી- Video
જંત્રીના સૂધારેલા સૂચિત દરોનો જો અમલ થશે તો કોઈપણ મધ્યમ વર્ગિય પરિવાર ઘરનું ઘર ખરીદી શકશે નહીં. કારણ કે સરકારે 200 થી 2000 ટકા સુધી વધારો સૂચવ્યો છે. જેની સામે બિલ્ડરો જ નહીં સામાન્ય જનતાએ વાંધો ઉઠાવ્યો છે. આ વધારા સામે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશને મૌન રેલી યોજી, જેમા મોટી સંખ્યામાં બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ, શ્રમિકો, ડેવલપર્સ સહિતના જોડાયા હતા.
રાજ્યમાં જંત્રીના સુધારેલા સૂચિત દરો સામે રાજ્યભરની બિલ્ડર લોબીમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં બિલ્ડર એસોસિએશન દ્વારા મૌન કી બાત નામથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. સરકારે જંત્રીમાં 200 થી 2000 ટકા સુધીનો વધારો સૂચવ્યો છે. જેની સામે બિલ્ડરો જ નહીં સામાન્ય જનતાએ પણ વાંધો ઉઠાવ્યો છે. આ વધારાને બિલ્ડર લોબી અસહ્ય ગણાવી રહ્યા છે. આજે મૌન રેલી કાઢીને બિલ્ડર એસોસિએશન કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ દર્શાવશે. આ ‘મૌન કી બાત’ નામથી આયોજિત મૌન રેલીમાં બિલ્ડર્સ સહિત કોન્ટ્રાક્ટર્સ, મજૂરો, બિલ્ડીંગ મટિરિયલ્સ વેપારી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
જંત્રીને લઈને અત્યાર સુધીમાં 150 વાંધા અરજીઓ મળી- કલેક્ટર
મૌન રેલી કાઢીને બિલ્ડર એસોસિએશનના સભ્યો જિલ્લા કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા. અને તેમને આવેદન પત્ર પાઠવ્યું હતું. અને આ અંગે સત્વરે કોઈ પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે અત્યાર સુધીમાં દોઢસો વધુ વાંધા અરજી મળી ચૂકી છે. વાંધા સૂચનો તપાસવા એક કમિટીની રચના કરવામાં આવી છે. જે હાલ આ અંગે ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. એટલું જ નહીં… ઓનલાઈનની સાથે… હવે ઓફલાઈન અરજી પણ સ્વીકારવામાં આવી રહી છે. કેમ થઈ રહ્યો છે વિરોધ
15મી એપ્રિલથી 2023થી જંત્રીના દરો અમલી બનાવ્યા છે તેમા જ બમણો વધારો કરાયો છે. ત્યારે સુધારેલા દરોથી હાલત વધારે કફોડી બની જશે. સરકારના હાલ સુધારેલા સૂચિત દરોથી રિયલ એસ્ટેટ સેક્ટરને બ્રેક લાગી જશે. મકાનોની કિંમતમાં તોતિંગ વધારો થશે. એકસાથે જંત્રીમાં આટલો વધારો કોઈ રીતે સ્વીકાર્ય ન હોઈ શકે.આ વધારાથી રાજ્યભરના 10 ટકા ડેવલપર્સ પ્રભાવિત થશે. 90 ખેડૂતો પણ હાલાકીમાં મુકાઈ શકે છે. મકાનોની કિંમતોમાં 30 થી 40 ટકા મોંઘા થઈ શકે છે. રાજકોટમાં સર્જાયેલા ગોજારા TRP અગ્નિકાંડ બાદ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટને જાણે ગ્રહણ લાગી ગયુ હોય તેવો ઘાટ તો પહેલેથી જ જોવા મળી રહ્યો છે. તેમાં જંત્રીના સૂચિત ભાવ વધારાને પગલે “પડ્યા પર પાટું” જેવી સ્થિતિ છે. એક તરફ પ્લાન પાસ કરાવવાને લઈને બિલ્ડરો હેરાન પરેશાન પહેલેથી જ હતા. તેની સાથે હવે સૂચિત જંત્રીના ભાવમાં 200 થી 2000 ટકાનો વધારો કરાયો છે. જેને લઈને પણ બિલ્ડર્સમાં ભારે નારાજગી છે.
બિલ્ડર્સ દ્વારા આયોજિત મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, જેમા શ્રમીકો પણ સામેલ છે. રાજકોટના બહુમાળી ચોક ખાતે મૌન કી બાત બિલ્ડર્સ કરવાના છે. આ રેલીમાં 10થી વધુ એસોસિએશન જોડાયા છે. જેમા બાંધકામ ક્ષેત્ર સહિત ચેમ્બર ઓફ કોમર્સે પણ આ અંગે સરકારને પત્ર લખી રજૂઆત કરી છે. ઉપરાંત અલગ અલગ લખાણના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયા છે અને પોતાની વાત મૌન રહીને સરકાર સુધી પહોંચાડવાનો મજબૂત પ્રયાસ આ રેલી દ્વારા કરાયો છે.
“સરકારે સર્વે કર્યા બાદ વૈજ્ઞાનિક રીતે વધારો કરવો જોઈએ”
બિલ્ડર મુકેશભાઈએ tv9 સમક્ષ જણાવ્યુ કે જંત્રીમાં જે 2 થી 50 ગણો વધારો તેમજ જે વિસંગતતાઓ રહેલી છે તે દૂર કરવામાં આવે. હાલ જંત્રીના જે દરો છે તેમા વધારાને સ્થાન ન હોવાનું પણ બિલ્ડરે જણાવ્યુ. વધુમાં તેમણે કહ્યુ કે સરકારને જો વધારો કરવો હોય તો યોગ્ય રીતે સર્વે કર્યા બાદ જ વધારો કરવો જોઈએ. “31 માર્ચ સુધી નવો જંત્રી દર વધારો મોકૂફ રાખવામાં આવે”
પરેશ ગજેરાએ જણાવ્યુ કે જંત્રીના વધારા સાથે બિલ્ડીંગના પ્લાન કમ્પિલશનને લગતી સમસ્યાઓ, ફાયર NOC સહિતના મુદ્દે આ રેલી આયોજિત કરાઈ છે. જેમા બિલ્ડર્સ સહિત ચેમ્બર ઓફ કોમર્સ અને IMA નું પણ આ રેલીને સમર્થન મળ્યુ છે. પરેશ ગજેરાએ જણાવ્યુ કે સરકાર સમક્ષ અમારી મુખ્ય બે માગ છે. જેમા પહેલી એ કે કોર્પોરેશન અને રૂડામાં સ્મૂધલી પ્લાન પાસની પ્રક્રિયા શરૂ થાય તેમજ જંત્રી દરનો વધારો 31 માર્ચ સુધી મોકૂફ રહે. બિલ્ડર્સને યોગ્ય રીતે સાંભળવામાં આવે જે બાદ જ જંત્રી દર લાગુ કરવામાં આવે.
“અગ્નિકાંડ બાદ અનેક સમસ્યાઓ, હવે અમારે જવાબ નહીં સોલ્યુશન જોઈએ”
વધુ એક બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારે જણાવ્યુ કે હાલ જંત્રીમાં કરાયેલા વધારાથી હાલત વધુ કફોડી થઈ છે. ઉપરાંત રાજકોટના બિલ્ડર્સ અગ્નિકાંડ બાદ વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેમાં કોર્પોરેશનમાં, રૂડામાં અને કલેક્ટર ઓફિસમાં પ્રક્રિયા સંપૂર્ણ ઠપ્પ થઈ ગઈ છે. અનેક નવા પરિપત્રો કરાયા છે, તેમા લાંબા સમયથી ફેરફાર અંગે રજૂઆત કરી રહ્યા છીએ પરંતુ યોગ્ય પ્રત્યુત્તર નથી મળી રહ્યા અને હવે અમે જવાબ માટે નહીં પરંતુ સોલ્યુશન માટે આવ્યા છીએ.
બિલ્ડર સૂજિતભાઈ ઉદાણી જણાવે છે કે 700 થી 800 પ્રોજેક્ટ ચાલુ છે.. અમુક પુરા થવામાં છે અમુક પ્લાન કમ્પિલીશન ન થવાના કારણે અટકી પડ્યા છે. અમુક બાંધકામના 50 ટકાના સ્ટેજમાં આવીને અટકેલા છે. આ તમામ બાંધકામને નવા દરથી મુશ્કેલી છે.
“400 થી 500 પ્રોજેક્ટ ટલ્લે ચડ્યા”
હાલ રાજકોટના 400 થી 500 પ્રોજેક્ટ ટલ્લે ચડી ગયા છે. ખાસ કરીને TRP અગ્નિકાંડ બાદ અલગ અલગ 11 પરિપત્રો બહાર પાડવામાં આવ્યા અને તેને લઈને પણ વિસંગતતાઓ છે, કામગીરી પણ ધીમી પડી ગઈ છે અને બિલ્ડર્સનો આક્ષેપ છે કે પ્લાન પાસ ન થાય તે માટેનું રાજકોટ મહાનગર પાલિકા પૂરતુ ધ્યાન રાખતી હોય તે પ્રકારનો વ્યવહાર થઈ ગયો છે. તેવો પણ આક્ષેપ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. તેને લઈને પણ વિરોધ જોવા મળ્યો છે.