રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. હવે મતદાનને ગણતરીના કલાકો જ બાકી છે. આવા સમયે કોંગ્રેસના એક નેતાએ એવું નિવેદન આપી દીધું છે જે કોંગ્રેસને જ ભારે પડી શકે છે. રાજકોટ કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુ જેઓ પોતાના વિવાદી નિવેદનો માટે જાણીતા છે. અગાઉ પણ અવારનવાર આવા નિવેદનો આપી વિવાદો સર્જી ચુક્યા છે. જો કે આ વખતે તો હદ જ થઇ ગઇ.રાહુલ ગાંધીની ભક્તિ કરતા કરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરી નાખ્યું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ના કહેવાના શબ્દો કહી નાખ્યા.
પોતાના પક્ષના નેતા રાહુલ ગાંધીને હિરો બતાવવાના ચક્કરમાં ઇન્દ્રનીલ ભાન ભૂલ્યા અને તેઓએ રાહુલ ગાંધીની મહાત્મા ગાંધી સાથે સરખામણી કરી નાખી. એટલું જ નહીં રાજ્યગુરૂએ તો દાવો કરી નાખ્યો કે દેશમાં જો બીજા ગાંધી પાકશે તો તે રાહુલ ગાંધી જ હશે. નામ લીધા વિના ભાજપ પર આરોપ લગાવતા ઇન્દ્રનીલે કહ્યું કે, લોકો રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવા કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા.
પોતાની વાતથી ફરે નહીં તો એ નેતા નહીં. આવુ જ પરંપરા મુજબ ઈન્દ્રનિલ રાજ્યગુરુએ કર્યુ. પહેલા ફેરવી તોળ્યુ અને કહ્યુ કે મારા નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે. ગાંધીજી મુદ્દે પોતાના વિવાદિત નિવેદન મુદ્દે જ્યારે મીડિયા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને પૂછ્યું તો તેઓએ પોતાના નિવેદન પરથી પલટી મારી અને દાવો કર્યો કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. લાજવાને બદલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગાજ્યા અને દાવો કર્યો કે, મેં જે કહ્યું એ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાને કહ્યું હતું.
કોંગ્રેસ પર પ્રહાર કરવાનો મોકો મળતા જ ભાજપે આક્રમકતાથી વાર કર્યો. ભાજપ તરફથી ભરત બોઘરા સામે આવ્યા, અને કોંગ્રેસ પર બાપુના અપમાનનો આરોપ લગાવ્યો. ભાજપે દાવો કર્યો કે જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે.
ભાજપના આરોપ સામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ મેદાનમાં આપ્યા. શક્તિસિંહે પોતાના નેતાઓને ભાષાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની સાથે સંયમ જાળવવા અપીલ કરી. જોકે અહીં પણ શક્તિસિંહ રાજનીતિ કરવાનું ન ચૂક્યા અને ભાજપ નેતા પર આરોપ લગાવ્યો.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:38 pm, Fri, 3 May 24