TRP ગેમ ઝોનના જવાબદાર લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરનાર ACBના DYSP ગોહિલનું CMએ કર્યું બહુમાન
ભુજ અને રાજકોટ એન્ટિ કરપ્શન બ્યુરોના ડીવાયએસપી કૃષ્ણકુમારસિહ એચ.ગોહિલનું ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માન કર્યું હતું. TRP ગેમ ઝોનના જવાબદાર લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી હતી.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્રારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીનો સન્માન કાર્યક્રમ હતો જેમાં કે.એચ.ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,એસીબીના વડા સમશેરસિંહ સહિતના વિભાગના વડાઓ હાજર રહ્યા હતા.
એક વર્ષમાં 45 કેસ કરીને કાબિલેદાદ કામગીરી કરી
એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહિલ દ્રારા એક વર્ષમાં ૪૫ જેટલા કેસોમાં મોનિટરીંગ કર્યુ છે. કડક અધિકારી અને કાયદાના નિષ્ણાંત તરીકેની છાપ ધરાવતા કે.એચ.ગોહિલે અનેક લાંચિયા સરકારી અધિકારીઓ સામે કાયદાનું શસ્ત્ર ઉગામીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે તેઓ દ્રારા જે કેસોનું મોનિટરીંગ કરવામાં આવે છે તેમાં કાયદાકીય આંટીઘુંટીથી પણ ગુનેગાર બચી શકતા નથી.
તાજેતરમાં રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ જેવી મહત્વની તપાસમાં એસીબીએ ઝીણવટભરી તપાસ કરીને લાંચિયા બાબુઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.રાજકોટના હાઇપ્રોફાઇલ ગણાતા તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયા અને તત્કાલિન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે જીણવટ ભરી તપાસ કરીને કાયદાનો ગાળિયો મજબુત કર્યો છે.એટલું જ નહિ રાજકોટ મહાનગરપાલિકામાં ચાલી રહેલી ભ્રષ્ટ્રાચારની કમર તોડી નાખી હતી.
તત્કાલિન ફાયર ઓફિસર મારૂ સામે પણ કરી હતી કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકામાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની શાહી હજુ સુકાય ન હતી ત્યાં રાજકોટ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ અનિલ મારૂને સોંપવામાં આવ્યો હતો. અનિલ મારૂએ ચાર્જ સંભાળતા લાંચ લેવાની શરૂઆત કરી હતી જેની ફરિયાદ એસીબીને મળતા ડીવાયએસપી ગોહિલના સીધા સુપરવિઝન હેઠળ અનિલ મારૂને રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં જ 1.80 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
મહત્વની વાત એ છે કે અનિલ મારૂના ભાઇ ભાભી કચ્છ જિલ્લામાં સરપંચ તરીકે હોદ્દા પર હતા અને એક કંપની પાસે સરપંચની રૂએ લાંચ માંગી હતી જેને પણ ડીવાયએસપી ગોહિલે પકડી પાડ્યા હતા.એસીબીની કાર્યવાહીથી વાકેફ અનિલ મારૂએ અનેક છટકબારી રાખી હોવા છતા ડીવાયએસપી ગોહિલ અને તેની ટીમે છટકું ગોઠવીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
ડીવાયએસપી ગોહિલ પાસે હાલ રાજકોટ અને ભુજનો ચાર્જ છે. પીએસઆઇથી પોલીસ વિભાગમાં શરૂ કરેલી કામગીરી આજે ડીવાયએસપી સુધીના સફર સુધી પહોંચ્યો છે.