રાજકોટના ડ્રિમ પ્રોજેક્ટ આજી રિવરફ્રન્ટ માટે અલગથી બજેટ આપો, RMCના શાસકોએ CMને કરી રજૂઆત
રાજકોટના (Rajkot) મહાનગરપાલિકાના શાસકોએ આજી રિવરફ્રન્ટ માટે તાત્કાલિક અસરથી ગ્રાન્ટ ફાળવવાની માગ કરી હતી અને આ ગ્રાન્ટ સ્વર્ણિમ બજેટમાં નહિ પરંતુ અલગથી આપવાની માગ કરી હતી.

રાજકોટના સૌથી પૌરાણિક રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અને શહેરના ડ્રિમ પ્રોજેક્ટ એવા આજી રિવફ્રન્ટમાં ગ્રાન્ટની માગણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો 23 માર્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. રાજકોટના મહાનગરપાલિકાના શાસકોએ આજી રિવરફ્રન્ટ માટે તાત્કાલિક અસરથી ગ્રાન્ટ ફાળવવાની માગ કરી હતી અને આ ગ્રાન્ટ સ્વર્ણિમ બજેટમાં નહિ પરંતુ અલગથી આપવાની માગ કરી હતી.
1.2 કિમીના રિવરફ્રન્ટ માટે તાત્કાલિક ગ્રાન્ટ આપવાની માગ
રાજકોટના મેયર પ્રદિપ ડવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી કે, રાજકોટના આજી નદી પર 1.2 કિલોમીટરનો રિવરફ્રન્ટ બનાવવાની સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, પરંતુ હજુ સુધી ગ્રાન્ટ મળી નથી.પ્રથમ તબક્કામાં 49 કરોડનું ભંડોળ મળ્યું છે પરંતુ હજુ 120 કરોડનું ભંડોળ બાકી છે ત્યારે આ ભંડોળ તાત્કાલિક અસરથી આપવાની માગ કરી હતી.
સાથે સાથે મહાનગરપાલિકાના શાસકોએ આ ભંડોળ સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી નહિ પરંતુ અલગથી આપવાની માગ કરી છે. મહાનગરપાલિકાના શાસકોએ રજૂઆત કરી હતી કે જો સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ભંડોળ આપવામાં આવશે, તો રાજકોટના વિકાસકાર્યોને અસર પડશે. ત્યારે આ ગ્રાન્ટ અલગથી આપવામાં આવે તેવી માગ કરી હતી.
નવી ટીપી સ્કીમ સૂચિત સોસાયટીના પ્રશ્ને રજુઆત
રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા રાજકોટના વિકાસ કાર્યોને લઇને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને માહિતી આપવામાં આવી હતી, સાથે સાથે રાજકોટમાં માધાપર,મવડી અને વાવડીની ટીપી સ્કિમ અંગે ચર્ચા કરાઇ હતી સાથે સાથે વોર્ડ નંબર 9માં આવેલી સોમનાથ સોસાયટીનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ છે. આ સોસાયટી સૂચિત છે અને તેને રેગ્યુલર કરવા આસામીઓ રૂપિયા ભરવા તૈયાર છે અને મહાનગરપાલિકા દ્વારા ફાઇલ ગાંઘીનગર પહોંચાડી દેવામાં આવી છે, પરંતુ આ કામ હજુ પેન્ડીંગ છે તેની રજૂઆત કરાઇ હતી.
વિધાનસભા સંકુલ ખાતે મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, ઉદય કાનગડની આગેવાનીમાં મેયર પ્રદિપ ડવ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ,ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા,શાસક પક્ષના નેતા વિનુ ઘવા,દંડક સુરેન્દ્રસિંહ વાળા,શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી હાજર રહ્યા હતા.