Rajkot Breaking News : રાજકોટવાસીઓની 2 વર્ષની રાહ અંતે પુરી થઇ, સાંઢિયા પુલનું લોકાર્પણ થતા હવે ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત
રાજકોટ શહેરના હજારો વાહનચાલકો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી રાહ જોવાતો સાંઢિયા પુલ આખરે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુલનું લોકાર્પણ કરીને તેને જાહેર જનતા માટે સમર્પિત કર્યો હતો.

રાજકોટ શહેરના હજારો વાહનચાલકો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી રાહ જોવાતો સાંઢિયા પુલ આખરે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુલનું લોકાર્પણ કરીને તેને જાહેર જનતા માટે સમર્પિત કર્યો હતો. પુલ શરૂ થતાં હવે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વારંવાર બદલાતી લોકાર્પણની તારીખોને લઈને રહ્યો હતો વિવાદ
સાંઢિયા પુલ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યો હતો. બ્રિજના લોકાર્પણ માટે અનેક વખત તારીખો જાહેર કરવામાં આવી હતી, પરંતુ વિવિધ કારણોસર કાર્યક્રમ મુલતવી રાખવામાં આવતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. જોકે આખરે આજે પુલનું લોકાર્પણ થતાં તમામ અટકળોનો અંત આવ્યો છે.
74.32 કરોડના ખર્ચે તૈયાર થયો આધુનિક પુલ
રાજકોટ શહેર માટે મહત્વપૂર્ણ ગણાતા આ પુલનું નિર્માણ અંદાજે 74.32 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. શહેરની વધતી વાહનવ્યવહારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓ સાથે પુલ તૈયાર કરવામાં આવ્યો છે. પુલ શરૂ થતાં વાહનચાલકોને સરળ અને ઝડપી અવરજવરનો લાભ મળશે.
રોજના 70 હજારથી 1 લાખ વાહનોને મળશે સીધો ફાયદો
અધિકારીઓના જણાવ્યા મુજબ સાંઢિયા પુલ પરથી દરરોજ અંદાજે 70 હજારથી 1 લાખ જેટલા વાહનો પસાર થાય તેવી સંભાવના છે. પુલ શરૂ થતાં ટ્રાફિકનું ભારણ ઘટશે તેમજ શહેરના વિવિધ વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ સરળ બનશે. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન સર્જાતી ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.
બે વર્ષથી વધુ સમય બાદ પૂર્ણ થઈ કામગીરી
સાંઢિયા પુલના નિર્માણની કામગીરી 15 માર્ચ 2024ના રોજ શરૂ કરવામાં આવી હતી. વિવિધ ટેકનિકલ અને વહીવટી પ્રક્રિયાઓ વચ્ચે આખરે બે વર્ષથી વધુ સમય બાદ પુલનું કામ પૂર્ણ થયું છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા શહેરવાસીઓ માટે આ મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે.
પુલની વિશેષતાઓ
સાંઢિયા પુલની કુલ લંબાઈ 678 મીટર છે, જ્યારે તેની કુલ પહોળાઈ 16.40 મીટર રાખવામાં આવી છે. ઉપરાંત રેલવે ટ્રેક ઉપરથી પસાર થતા ભાગમાં ક્લિયર ઊંચાઈ 6.25 મીટર રાખવામાં આવી છે, જેથી વાહનવ્યવહાર સરળતાથી થઈ શકે. આધુનિક ડિઝાઇન અને મજબૂત માળખાને કારણે પુલ શહેરના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સ્થાન પામ્યો છે.
શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે પુલ
શહેરના વધતા ટ્રાફિક અને વિકાસને ધ્યાનમાં રાખીને સાંઢિયા પુલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પુલ શરૂ થતાં વાહનચાલકોનો સમય બચશે, ઇંધણનો ખર્ચ ઘટશે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે. સ્થાનિક લોકોમાં પણ પુલ શરૂ થવાને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Surat Breaking News: ઓનલાઈન શોપિંગ કરનારાઓ સાવધાન! અસલીના નામે નકલી માલ પધરાવાનો ખેલ ખુલ્લો થયો, જુઓ Video