યુવા મંત્રીની છાપ ધરાવતા ભાજપના પોરબંદરથી ઉમેદવાર મોદી સરકારમાં બે વાર રહી ચુક્યા છે મંત્રી- જાણો કોણ છે મનસુખ માંડવિયા
ભાજપે પોરબંદરથી તેમના લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયા પર પસંદગી ઉતારી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે ભાજપ મનસુખ માંડવિયાને ભાવનગરથી ચૂંટણી લડાવશે. જો કે ભાજપે તેમને પોરબંદરથી મેદાને ઉતારી વિપક્ષી છાવણીમાં પણ સોંપો પાડી દીધો છે ત્યારે આવો જાણીએ મનસુખ માંડવિયાની રાજકીય સફર વિશે.
ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 22 બેઠકો પર ભાજપે તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પોરબંદરની જો વાત કરીએ તો ભાજપે પોરબંદરથી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. માંડવિયા સૌરાષ્ટમાં ભાવનગરથી આવ છે. મોદી સરકારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમની સ્વચ્છ અને પ્રામાણિક નેતા તરીકેની છબી છે. વર્ષ 2016થી મોદી સરકારમાં યુવામંત્રી તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે.
વર્ષ 2016માં તેઓ મોદી કેબિનેટમાં રોડ -ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ રાજ્ય મંત્રી તરીકે કામગીરી કરી ચુક્યા છે. જે બાદ 30 મે 2019મા તેમને ફરીથી સ્વતંત્ર પ્રભાર તરીકે રસાયણ અને ખાતર રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો. 2020માં મોદી કેબિનેટનું વિસ્તરણ થયુ જે બાદ તેમને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.
પાટીદાર ચહેરો અને ખેડૂત પરિવારમાં જન્મ
મનસુખ માંડવિયાનો જન્મ ભાવનગરના હનોલ ગામમાં 1 જુલાઈ 1972ના રોજ થયો હતો. તેમના પિતા સીમાંત ખેડૂત હતા. માંડવિયા લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે અને પ્રાથમિક શિક્ષણ તેમણે ગામની સરકારી શાળામાંથી લીધુ છે. પરિવારમાં 4 ભાઈઓમાં તેઓ સૌથી નાના છે. હનોલની પ્રાથમિક શાળામાંથી પ્રાથમિક શિક્ષણ જે બાદ સોનગઢ ગુરુકુળમાંથી તેમણે હાઈસ્કૂલનું શિક્ષણ મેળવ્યુ.
સૌપ્રથમ 2012માં રાજ્યસભામાં ચૂંટાયા
માંડવિયાને પ્રાણીશાસ્ત્રમાં વધુ રસ હોવાથી તેઓ વેટરનરી ડૉક્ટર અને રાજકીય વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થયા છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાયા હતા. એ પહેલા તેમણે ભાજપની વિદ્યાર્થી વિંગ એબીવીપીના સદસ્ય તરીકે તેમની રાજકીય સફરની શરૂઆત થઈ. વર્ષ 2012માં માંડવિયા સૌપ્રથમવાર રાજ્યસભામાં ચૂંટાયા હતા.
ભાવનગર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા માંડવિયા તેમની લાંબી પદયાત્રાઓ માટે પણ જાણીતા છે. તેમજ સંસદમાં સાયકલ લઈ જવા માટે પણ જાણીતા છે. 2002માં સૌપ્રથમવાર તેઓ પાલિતાણાથી ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. એ સમયે તેઓ 28 વર્ષના હતા. 2005માં તેમણે ધારાસભ્ય તરીકે તેમની પ્રથમ પદયાત્રા 123 કિલોમીટરની કરી હતી. જે બાદ બીજી પદયાત્રા તેમણે 2007માં 127 કિમીની કરી હતી અને 2019માં તેમણે 150 કિમીની પદયાત્રા કરી હતી. ઓક્સો-બાયોડિગ્રેડેબલ ટેક્નોલોજીથી બનેલા 100 મિલિયન સેનિટરી પેડ્સ નજીવી કિંમતે વેચવા બદલ મહિલાઓની માસિક સ્રાવની સ્વચ્છતામાં તેમના યોગદાન બદલ યુનિસેફ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.