કરાઇ પોલીસ અકાદમી ખાતે પોલીસ શહિદ સ્મૃતિ દિવસ ઉજવાયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવંગત પોલીસ કર્મીઓને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી

કરાઇ પોલીસ અકાદમી ખાતે પોલીસ શહિદ સ્મૃતિ દિવસ ઉજવાયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવંગત પોલીસ કર્મીઓને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી
CM Bhupendra Patel pays homage to late police personnel At Karai Police Academy

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકાસના પાયામાં પોલીસ દળની ફરજપરસ્તી અને પ્રજાના જાન-માલની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા પડેલી છે અનેક કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીઓ પોતાના જાનની પરવા કર્યા વિના બલિદાન આપીને અમર થઇ જાય છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 21, 2021 | 4:53 PM

ગુજરાતના(Gujarat)  ગાંધીનગરમાં કરાઇ પોલીસ અકાદમી(Karai Police Acedamy)  ખાતે પોલીસ શહિદ સ્મૃતિ દિવસ(Police Martyr Memorial Day)  ઉજવાયો હતો. જેમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે રાષ્ટ્ર અને રાજ્યની રક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ, સુરક્ષા દળના જવાનોએ ‘રાષ્ટ્રહિત સર્વપ્રથમ’ની કર્તવ્યભાવના સાચ અર્થમાં ઊજાગર કરી છે

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસના પાયામાં પોલીસ દળની ફરજપરસ્તી અને પ્રજાના જાન-માલની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા પડેલી છે અનેક કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીઓ પોતાના જાનની પરવા કર્યા વિના અને ઘર પરિવારની ચિંતા પણ કર્યા વિના દેશ-રાજ્ય માટે બલિદાન આપીને અમર થઇ જાય છે. પોતાની ફરજ દરમ્યાન વીરગતિને વરેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ‘‘પોલીસ શહિદ સ્મૃતિ દિવસ’’ અવસરે ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આવા વીરગતિ પ્રાપ્ત પોલીસ કર્મીઓને અંજલિ કે શહિદ કર્મીઓના પરિવારોને સાંત્વના પાઠવવાના કોઇ શબ્દો જ નથી એવું વીરતાભર્યુ તેમનું કર્તવ્ય છે.તેમણે ઉમેર્યુ કે, રાજ્ય કે દેશમાં અસામાજીક તત્વો, પ્રજાને રંજાડનારા ગૂનાહિત લોકો માથું ન ઊંચકે, નિર્દોષને કોઇ કનડગત ન થાય તે માટે દિવસ-રાત ફરજ પર તૈનાત પોલીસ દળ બાહ્ય તત્વો સામે સફળતાપૂર્વક બાથ ભીડવાની વીરતા દાખવતું રહે છે.

એટલું જ નહિ, કોરોના જેવી વિશ્વવ્યાપી મહામારી દરમ્યાન પણ પોલીસ દળના જવાનોએ કોરોના વોરિયર્સ તરીકે સેવાઓ આપી છે. આ મહામારીમાં જ્યારે લોકો પોતાના અસરગ્રસ્ત સ્વજનોની પણ સેવા કરવા કે મદદ માટે જતા ડરતા હતા ત્યારે પોલીસ કર્મીઓએ ફ્રન્ટલાઇન વોરિયર્સ બનીને સેવાદાયિત્વ નિભાવ્યું છે.

કોરોના સંક્રમણમાં રાજ્યના કેટલાય પોલીસ કર્મીઓએ સંક્રમીત થઇ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને પણ મુખ્યમંત્રીશ્રીએ ભાવસભર અંજલિ આપી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જે પોલીસ પરિવારોએ પોતાના આપ્તજન ગુમાવ્યા છે તેમના દુ:ખમાં સહભાગી થઇ તકલીફના સમયે રાજ્ય સરકાર તેમની પડખે ઊભી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ૨૧ ઓક્ટોબર પોલીસ સંભારણા (શહિદ દિન) દિવસ”ની યાદમાં ગુજરાત સહિત દેશભરના શહિદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે દેશ અને સમાજની સુરક્ષા માટે પોલીસ જવાનોની શહાદત- બલિદાન વર્તમાન અને આવનાર પેઢી હંમેશા યાદ રાખશે.

પોલીસની ખાખી વર્દી માત્ર કાપડનો ટુકડો નહિ પણ શક્તિનું પ્રતિક છે. કોરોનાકાળમાં સતત ૨૪ કલાક ફરજ બજાવીને પોતાના જીવના જોખમે લોકોની પડખે ઊભા રહીને સાચા અર્થમાં કોરોના વોરિયર્સની ભૂમિકા પોલીસે અદા કરી છે જે પ્રશંસનીય અને વંદનીય છે. તેમણે શહિદોને નમન કરતાં કહ્યું હતું કે, દેશમાં પોલીસ માત્ર લૉ એન્ડ ઓર્ડર જ નહીં પરંતુ અનાથ બાળકો અને વૃદ્ધોનો સહારો બનીને પણ સેવા કરે છે. ગુજરાત પોલીસની નવિન પહેલ એવી ‘She’ટીમ દીકરીઓની સુરક્ષા અને મદદ માટે હંમેશા તત્પર હોય છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ફરજ બજાવતા પોતાનો જીવ ગુમાવનાર ગુજરાત પોલીસના ૧૪૯ જવાનોમાંથી ૧૨૧ જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય ચૂકવી દેવામાં આવી છે. બાકી રહેલા જવાનોના પરિવારોને પણ સત્વરે સહાય ચૂકવી દેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેમ જણાવી ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ મૃત્યુ પામેલા કોરોના વૉરિયર્સના પરિવારોને જરૂરી તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી.

મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ વીરગતિ પ્રાપ્ત પોલીસ કર્મીઓના પરિવારજનોને આ વેળાએ પ્રત્યક્ષ મળીને સાંત્વના પાઠવી અને પૃચ્છા કરી હતી. તેમણે વર્ષ દરમ્યાન સમગ્ર દેશમાં જે ૩૭૭ જેટલા પોલીસ કર્મીઓ ફરજ દરમ્યાન અવસાન પામ્યા છે તેમને પ્રતિકરૂપે પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિત અધિક પોલીસ મહાનિદેશકઓ, પોલીસ મહાનિરીક્ષકઓ, અધિક્ષકઓ અને અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. દિવંગત પોલીસ જવાનોની સ્મૃતિમાં સલામી આપીને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. પોલીસ સંભારણા દિવસની યાદમાં મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ શહિદ પોલીસ જવાનોના પરિવારજનો માટે ઉદાર હાથે ફાળો આપ્યો હતો

આ પણ  વાંચો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે ઘટાડો ! સરકારે ભાવ ઘટાડા માટે તૈયાર કર્યો પ્લાન

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં મેઘ તાંડવ ! ભારે વરસાદને પગલે અનેક ગામમાં પૂરની સ્થિતિ, વહિવટી તંત્ર એલર્ટ પર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati