મિહિર ભટ્ટ| અમદાવાદ આજની આ કહાની લગભગ ત્રણ દાયકા જૂની છે. જે તે સમયના ઈતિહાસમાં દબાયેલી આ ઘટના આજે પણ જે સાંભળે તે, પળવાર માટે તો હચમચી જાય છે. આ સત્ય ઘટનામાં થ્રીલ છે, માતા-પુત્રના પવિત્ર સંબંધનો વિચ્છેદ છે. પોલીસના અનુભવની પરીક્ષા છે તો કાયદાની મર્યાદા પણ છે. જમીનમાં બે ફૂટ નીચે દટાયેલી એક દુલ્હનના સપનાઓની હત્યા અને નણંદનું આજે પણ અકબંધ રહેલું રહસ્ય છે. એક ખુશખુશહાલ પરિવારને વેરવિખેર કરતી ઘટનાની તે સમયે તપાસ કરનારા એક પોલીસ અધિકારી આજે પણ માત્ર એક કડી નહીં શોધી શકવાનો અફસોસ વ્યક્ત કરે છે.
અમરેલીના દરિયાકાંઠે વસેલા જાફરાબાદના એક નાનકડા ગામની આ ઘટના છે. ગામમાં અબ્દુલ ગફારનો પરિવાર રહેતો હતો. માછીમારીનો વ્યવસાય કરતા અબ્દુલની કેટલીક બોટ દરિયામાં ફરતી હતી. પરિવારમાં પત્ની આસ્ફાબાનુ, મોટો દીકરો સાજીદ અને દીકરી સબાના હતા. ચાર સભ્યોનો સુખી પરિવાર ગામમાં આર્થિક રીતે પણ ઘણો સમૃદ્ધ હતો. સાજીદ અને સબાના હજુ જુવાનીના ઉંમરે પગ મૂકી રહ્યો હતો ત્યાં માતા આસ્ફાબાનુ એક ગંભીર બીમારીએ ભરડામાં લીધી. અમરેલીથી માંડીને અમદાવાદ સુધી છ-આઠ મહિનાની સારવાર છતાં આસ્ફાબાનુ બચી ન શકી. તે જન્નતનશીન થઈ. દીકરા-દીકરીને પરણાવાની ઉંમર હતી પણ અબ્દુલના કેટલાક સંબંધીઓનો આગ્રહ હતો કે, અબ્દુલે બીજા લગ્ન કરી લેવા જોઈએ. કાલે દીકરી પરણિને સાસરે જતી રહેશે. દિકરાની વહુ આવ્યા બાદ એકલા બાપને ન રાખે તો?
અબ્દુલના લગ્ન પણ નાની ઉંમરે થયા હતા. હાલ તેનો દીકરો 20 અને દિકરી 18ની હતી. જ્યારે અબ્દુલની વય 40 પહોંચી ગઈ હતી. અબ્દુલના લગ્ન માટે ફરી વાત શરૂ કરાઈ. જાફરાબાદથી 120 કિમી દૂર ખારવા પરિવારની જ એક દીકરી સાથે અંતે અબ્દુલના લગ્નની વાત નક્કી કરાઈ. પણ જે કોઈ આ સંબંધ વિશે સાંભળતું તે આશ્ચર્ય પામતું હતું. કારણ કે, અબ્દુલના આ બીજા લગ્ન જેની સાથે થવા હતા તે વ્યક્તિ ૧૬ વર્ષ નાની હતી. એટલે કે તેના દિકરા-દિકરીની સમોવડી સમજી શકાય. અબ્દુલ આર્થિક રીતે સંપન્ન હતો માટે યુવતીના મા-બાપ તેના લગ્ન કરાવા રાજી હશે. તેવી વાતોની ચર્ચા થવા લાગી. જે લોકોએ અબ્દુલને બીજા લગ્ન માટે રાજી કર્યો તે જ હવે આ સંબંધ પર શંકા કરવા લાગ્યા હતા. લોકોની ચર્ચાઓ વચ્ચે અબ્દુલ અને હમીદાના નિકાહ થઈ ગયા હતા.
સાજીદ અને સબાનાને તેનાથી ચાર-પાંચ વર્ષ મોટી અમ્મી મળી હતી. નિકાહ હજુ નવા હતા માટે શરૂઆતમાં તો બધુ બરોબર ચાલી રહ્યું હતું. પરંતુ ઉંમર અને દુનિયાદારીનો ફર્ક અબ્દુલ અને હમીદાના દાંપત્ય જીવન પર દેખાવા લાગ્યો. નાની-નાની બાબતોમાં બન્ને વચ્ચે ખટરાગ શરૂ થયો. જેના કારણે અબ્દુલે શક્ય હોય તેટલુ ધંધાના કામે બહાર રહેવાનું શરૂ કર્યું. તે મોટાભાગે રાતે પણ કામના બહાને બહાર રહેવા લાગ્યો હતો. પણ કોને ખબર હતી કે, તેની આ ભૂલ તેના પરિવારને બરબાદ કરી નાંખવાની હતી.
હમીદા પણ યુવાન હતી. તેના મનમાં પણ જવાનીના તરંગો હિલોળા લેતા હતા. તેણે વાસનાના તરંગોને કિનારે પહોંચાડવા હવે આસપાસ નજર દોડાવાનું શરૂ કર્યુ. સાવકી માતા હમીદાની નજર ઘરમાં જ રહેતા અને યુવાનીના ઉંમરે આવીને ઉભેલા સાજીદ પર પડી. સાજીદ ઉંમરના કારણે ક્યારેય હમીદાને માતા માની જ શક્યો ન હતો. પણ કુંટુંબ અને પિતાની મનમાની આગળ બંને ભાઈ-બહેન ચૂપ હતા. હમીદાએ સાજીદ સાથે સંબંધ વધારવાનું શરૂ કર્યું. પિતાની ગેરહાજરીમાં સાવકી માતાના નખરાએ તેના સંયંમનો બાંધ તોડી નાંખ્યો.
કુદરત પણ બંધબારણે ખેલાયેલા ખૂની ખેલના આરોપીઓને જેલના સળિયા પાછળ જોવા માંગતી હતી.
ઘરમાં જ રહેતી બહેન સબાનાની જાણ બહાર સાજીદ અને હમીદા વચ્ચેના સંબંધો શરૂ થયા. ઘરની ચાર દિવાલો વચ્ચે ન માન્યામાં આવે તેવા સંબંધની શરૂઆત થઈ હતી. સમય વિતવા લાગ્યો અને સાજીદની ઉંમર વધતી હતી. અબ્દુલે હવે સાજીદને પણ પરણાવી દેવાનું નક્કી કર્યું. આ વાત જાણે હમીદાનું કાળજુ વીંધી ગઈ. તેણે જાહેરમાં સાજીદના લગ્નનો વિરોધ ન કર્યો પરંતુ એક રાતે સાજીદને રૂમમાં ધમકી આપી, “જો તું બીજા લગ્ન કરીશ તો હું તને બરબાદ કરી નાંખીશ, તારા લગ્ન ટકવા દઈશ નહીં”. સાજીદ સવાકી માતા સાથે બંધાયેલા સંબંધથી કંટાળી ગયો હતો. તે સમજતો હતો કે તેની સાવકી માતા તેના પિતા જોડે બેવફાઈ કરી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સાજીદ આ ધમકીઓની પરવાહ કર્યા વગર લગ્ન કરવા માટે તૈયાર થયો. સાજીદ માટે છોકરી શોધવાનું શરૂ થયું. જોગાનુંજોગ તેના માટે પણ વેરાવળ નજીકના એક નાનકડા ગામની યુવતી પસંદ કરાઈ. તેમના જ સમાજની દેખાવડી હિનાનું સગપણ સાજીદ સાથે નક્કી થયું. વાજતે-ગાજતે બન્નેના નિકાહ પણ થયા. આ તમામ વાતનો વિરોધ માત્ર હમીદા એકલી ખાનગીમાં સાજીદ પાસે કરી રહી હતી. જો કે, જાહેરમાં તે સતત પોતાના દીકરાના નિકાહથી ખુશ હોવાનો કોઈ ફિલ્મી એક્ટર જેવો ડોળ કરતી હતી. આ વાતથી સાજીદની બહેન સબાના હજુ પણ અજાણ હતી.
સાજીદના નિકાહ થયા અને નવી દુલ્હન ઘરે આવી. હવે પરિવારમાં અબ્દુલ અને તેની પત્ની હમીદા ઉપરાંત દિકરા સાજીદીની પત્ની હિના અને નણંદ સબાના એમ પાંચ સભ્યો હતા. ગામડાના બે માળના મકાનમાં સાજીદ અને તેની પત્ની હિના માટે ઉપરના રૂમમાં સુવા-બેસવાની વ્યવસ્થા કરાઈ હતી. સાજીદ જ્યારે જ્યારે પત્ની હિનાને મળવા એકલો રૂમમાં ઉપર જતો…તે હમીદાથી સહન થતું નહોતું. તે કોઈના કોઈ બહાને રૂમનો દરવાજો ખટખટાવી ત્યાં પહોંચી જતી. લગ્ન થયાને હજુ ચારેક દિવસ થયા હતા. હમીદાએ આ સાજીદ અને હિનાનાં સંબંધોને પુરા કરી નાંખવાનો એક ખતરનાક પ્લાન ઘડી કાઢ્યો.
એક સવારે અબ્દુલ ગફાર કામથી બહાર હતો. સાજીદ પણ સવારથી નોકરી પર ગયો હતો. હમીદાના મનમાં સવારથી એક ઘાતકી પ્લાન રમી રહ્યો હતો. જેને તે ગમે તે ઘડીએ અંજામ આપવા પ્રયાસ કરી રહી હતી. સાંજ ઢળવા આવી હતી. નવી વહુ હિના પોતાના ઉપરના રૂમમાં થાક ઉતારવા ખાટલામાં આડી પડીને હજુ આંખો મીચી હતી. નણંદ સબાના શાકભાજી લેવા બહાર નીકળી અને હમીદાએ ઘરમાં પડેલા માછલી કાપવાના ધારદાર છરા સાથે હિનાના રૂમમાં ધસી ગઈ. તેના પર જાણે કાળ સવાર થયો હતો. આગળ શું થશે તેની પરવાહ કર્યા વગર જ તેણે જાણે કોઈ માછલી કાપતી હોય તેમ, ધારદાર છરાને હિનાના ગળા પર ફેરવી દીધો.
હજુ તો માંડ આંખ મીચનારી હિના ઓચિંતા ચીરાયેલા ગળાથી જબકીને જાગી. આંખ સામે સાવકી માતા હમીદા લોહીલૂહાણ છરા સાથે ઉભી હતી. પળવાર માટે તો હિના પણ ન સમજી કે, શું થયું. સાસુ હમીદા આવું કેમ કરી રહી છે? હિના કંઈ સમજે તે પહેલા હમીદાએ બીજો ઘા મારવા હાથ ઉગામ્યો અને હિના તેને ધક્કો મારી જીવ બચાવા ભાગી. ગામડાના મકાનની લાકડાની સાંકડી સીડીઓમાંથી ગભરામણના કારણે પગથીયા ભૂલી અને ગોથું ખાઈને લોહીલૂહાણ હાલતમાં નીચે ગબડી પડી. હમીદાના ઘા કરતા તે સીડીમાંથી પટકાઈ તે માર હિના માટે ગંભીર હતો.
આ લોહિયાળ જંગ ચાલી રહ્યો હતો કે, ત્યાં જ સબાના બકાલું (શાકભાજી) લઈને પાછી આવી. તે ભાભી હિનાને જોઈ સ્તબ્ધ બની ગઈ હતી. હમીદાએ પણ સબાના આવી ગઈ હોવાની જાણ થતા જ છરો છૂપાવી દીધો. જો કે, સબાનાને ઉપર ખેલાયેલા ખૂની ખેલનો અંદાજ ન આવ્યો. ભાભીને પડતા જોઈ સબાનાની ચીસ નીકળી ગઈ અને અવાજ સાંભળતા આસ-પડોશના લોકો દોડી આવ્યા. શ્વાસના ડચકા ભરી રહેલી હિનાને લોકો હોસ્પિટલ લઈ દોડી ગયાં. ગામડાના નાનકડા હોસ્પિટલમાં હિનાને લઈ જવાઈ. ડોક્ટરોએ લોહી તો બંધ કર્યું સાથે કહ્યું, આ પોલીસ કેસ છે. પોલીસ બોલાવવી પડશે. હમીદા પોલીસનું નામ પડતા જ ગભરાઈ ગઈ. તેણે હિનાને મોટા દવાખાને લઈ જવી છે. તેવી જીદ પકડીને એક શાકભાજીની લારીનો એમ્બ્યુલન્સની જેમ ઉપયોગ કરી ગામની ગલીઓમાંથી ઘરે લઈ આવી. આ તમાશો ગામના લોકો જોતા રહ્યાં અને હિનાની જીંદગીનો સૂરજ તે સાંજે આથમી ગયો.
હિનાની હત્યા પાછળ હમીદાનો હાથ છે તે વાત કહેનારૂ કોઈ રહ્યું નહીં. સબાનાએ માતા હમીદાને સીડી આગળ હિના પાસે જ જોઇ હતી. અને હિના આ સમયે સીડી પરથી પડી હોવાથી સીડી પણ લોહીલૂહાણ હતી. લોકોને હમીદાની વાત પર વિશ્વાસ કરવો પડ્યો કે, હિના સીડી ઉતરતા પડી અને માથામાં ઇજા થવાથી તેનું મોત થયું છે.
લોકો આ હત્યાકાંડને એક આકસ્મિક ઘટના માનવા લાગ્યા. હિનાના પિયરથી માંડીને અબ્દુલ, સાજીદ અને સબાના સૌ કોઈ માનતું હતું કે, હિના પડી ગઈ અને મોતને ભેટી છે. હિનાની દફનવિધિ પણ થઈ ગઈ અને જિયારત (બેસણું) પણ થઈ ગયું. કોઈને આ હત્યાકાંડની કાનોકાન ખબર ન પડી. હમીદા માનવા લાગી કે, તેની આ કરતૂત હવે ક્યારેય પોલીસ સુધી નહીં પહોંચે. કારણ કોઈને હત્યાની શંકા જ નથી.
આ એ સમયનો હત્યાકાંડ છે. જ્યારે આર.ડી ઝાલા ધારીના ડિવાય એસ.પી હતા. આર.ડી ઝાલા એટલે કે, રઘુરાજસિંહ ઝાલા. પોલીસ અધિકારીઓ કહે છે કે, પોલીસ ખાતામાં કોઈ આર.ડી ઝાલાની ખોટી સોગંદ આજે પણ ખાતું નથી. તેમની ઈમાનદારીની વાતો તેમના નિવૃત્તીના દોઢ દાયકા બાદ પણ લોકો વાગોળી રહ્યાં છે. રઘુરાજસિંહ ઝાલા આજે અમરેલીના જંગલોમાં પોતાની એક નાનકડી જગ્યામાં જીંદગી વિતાવી રહ્યાં છે. હમીદાના આ કારસ્તાન અને હિનાની હત્યાની ઘટના તેમના જ વિસ્તારમાં બની હતી. આ સમયે જાફરાબાદ પોલીસ સ્ટેશનના PSI તરીકે બી.સી સોલંકી ફરજ બજાવતા હતા. આ ઘટના હજુ સુધી કાનોકાન પોલીસ સુધી પણ પહોંચી ન હતી.
પણ, જમીનમાં દફન હિનાની અધૂરી ઇચ્છાઓ આમ કંઈ ચૂપ રહે તેમ ન હતી. એ નવવધૂનો મૃતદેહ કબરમાં પણ ન્યાય માટે તરફડિયા મારતો હતો. હમીદાનું પાપ પોકારવાનું બાકી હતું. હિનાની નણંદ સબાનાના માથે પણ એક રહસ્યમય ઘટના ઘેરાઈ રહી હતી.
ક્રમશ…..
Published On - 3:16 pm, Thu, 28 November 19