Panchmahal: પોપટપુરા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળાનું આયોજન, મણીબેન હર્બલ ગાર્ડનનું કરાયુ લોકાર્પણ
Panchmahal: ગોધરા નજીક આવેલ પોપટપુરા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સંકુલમાં તૈયાર કરવામાં આવેલા મણીબેન હર્બલ ગાર્ડનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના આયુષ કચેરીના નિયામકના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગોધરા નજીક આવેલા પોપટપુરા સ્થિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક સારવારને લગતા માર્ગદર્શક સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
મણીબેન ગાર્ડનનું જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા લોકાર્પણ
સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સંકુલમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવેલા મણીબેન હર્બલ ગાર્ડનનું પણ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હર્બલ ગાર્ડનમાં વિવિધ પ્રકારના આયુર્વેદને લગતા છોડનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ દર્દીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ હોસ્પિટલ સંકુલમાં ઊભા કરાયેલા સ્ટોલ ખાતે પ્રદર્શન નિહાળ્યું હતું.
પોપટપુરામાં આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જિલ્લાની મુખ્ય હોસ્પિટલ
ગોધરાના પોપટપુરા ખાતે આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ એ પંચમહાલ દાહોદ અને મહીસાગર એમ ત્રણ જિલ્લાની મુખ્ય સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં મહિનાના 3500 દર્દીઓની ઓપીડી તેમજ 1500 જેટલા દર્દીઓની આઇપીડી કરવામાં આવે છે. આયુર્વેદમાં બતાવવામાં આવેલી અલગ અલગ ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા તમામ માનવ શરીરમાં થતા રોગોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarati Video : પંચમહાલના શહેરામાં MGVCLએ 22 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડી
3 જિલ્લાના દર્દીઓ સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ પણ લે છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલનો લાભ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામમાં આવેલી આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નો લાભ ત્રણ જિલ્લાના દર્દીઓની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યના દર્દીઓ પણ લઈ રહ્યા છે તેમજ અહીં સારવાર કરાવી યોગ્ય માને છે. 50 બેડ ની સુવિધાઓથી સજ્જ આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પંચકર્મ જે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનું હાર્દ કહેવામાં આવે છે તેના થકી કેટલાય અસાધ્ય રોગોનું નિદાન તેમજ તેની સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હોવાના અનેક દાખલાઓ છે, ત્યારે આજે યોજાયેલા આયુષ મેળામાં પણ મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાના શરીરમાં થતી તકલીફોનું ઉપસ્થિત વૈદ્ય પાસે સચોટ નિદાન કરાવી તેની સારવાર માટે પણ યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.