નવસારી જિલ્લા પોલીસનું ઓફિશિયલ Instagram પેજ થયું હેક ! ‘ડિજિટલ પ્રોટેક્શન વોલ’ નબળી પડી ?
નવસારી જિલ્લા પોલીસનું Instagram પેજ સાયબર હુમલાનો ભોગ બન્યું ! અજાણ્યા ઠગબાજોએ મધરાતે અનિચ્છનીય જાહેરાતો મૂકી, જે બાદ તાત્કાલિક સાયબર ક્રાઇમ ટીમે પાસવર્ડ બદલી જાહેરાત હટાવી.

નવસારી જિલ્લા પોલીસના સત્તાવાર Instagram પેજ સાથે સાયબર પ્રહારોની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધરાતે ગુરુવારે લગભગ 2:19 AM દરમ્યાન અજાણ્યા સાયબર ઠગબાજોએ પેજ પર અનિચ્છનીય એડવર્ટાઈઝમેન્ટ મૂકી હતી, જે બાદ સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું.
ઘટના અંગે જાણ થતા તરત જ સાયબર ક્રાઇમ સેલને માહિતી આપવામાં આવી હતી. ટીમે તાત્કાલિક Instagram પેજનો પાસવર્ડ બદલીને અનિચ્છનીય એડવર્ટાઈઝમેન્ટ દૂર કરી દેવામાં આવી હતી. નવસારી જિલ્લામાં સાયબર જાગૃતિ વધારવા માટે બનાવવામાં આવેલી ‘ડિજિટલ પ્રોટેક્શન વોલ’ પર જ આ હુમલો થતા સુરક્ષા વ્યવસ્થાની કાચાશ ખુલ્લી પડી છે.
સાયબર ક્રિમિનલ્સે કેવી રીતે સરળતાથી પેજ હેક કરી એડ પોસ્ટ કરી શક્યા તે હજી સ્પષ્ટ નથી. જોકે આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા ફરિયાદ ન નોંધાવી, તપાસ પ્રારંભ કરી દેવામાં આવી છે.
સાયબર પી.આઈ. ઉમંગ મોદીએ જણાવ્યું કે, “રાત્રે અમારી નોંધ પર આવ્યું કે SP સાહેબના Instagram પેજ પર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જાહેરાત મૂકવામાં આવી હતી. તેને તરત જ હટાવી દેવામાં આવી છે. આ ઘટના પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.”
(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત, નવસારી)
