NAVASARI : 21 માર્ચના દિવસે પારસી સમાજ જમશેદી નવરોઝ તરીકે ઉજવણી કરે છે. ઇરાનમાં આ ઉત્સવની રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભારતના પારસીઓ પણ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરે છે. આજે જમશેદી નવરોઝ પ્રસંગે નવસારીના પારસી અગ્રણી તથા ઇતિહાસકાર કેરસીભાઇ દેબુએ દેશમાં પારસી સમાજની ઘટતી જતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતમાં પારસીઓની વસતિ 100 વર્ષ પૂર્વે લગભગ સવા લાખ આસાપાસ હતી, જે ઘટીને લગભગ 60 હજાર જેટલી છે.
પારસીઓની જનસંખ્યા વધારવા સરકારનો પ્રયાસ
નોંધનીય છેકે યુનેસ્કોએ 1990માં ભારતમાં પારસીઓની ઘટતી સંખ્યાની નોંધ લીધી હતી. ત્યારે આ અંગે યુનેસ્કોએ પારસીઓ અંગે રિપોર્ટ બનાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ પારસીઓની વસતિ વધારવા માટે કેવા પગલાં લેવા જોઈએ તે માટે સૂચનો પણ માગ્યા હતા. આ માટે PARZOR સંસ્થાના ડો. શહેનાઝ કામાને નિયુક્ત પણ કર્યા હતા. ત્યારે સાત વર્ષના સંશોધન બાદ સંસ્થા દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. અને, ભારતના લઘુમતિ કલ્યાણ ખાતાએ પણ પારસીઓની વસ્તી વધારવા નાણાંકીય મદદ કરવાનું નક્કી કર્યું હતું. સાથે જ લઘુમતિ કલ્યાણ ખાતા દ્વારા જીઓ-પારસી નામે પ્રોજેકટ શરૂ કરાયો હતો.
ભારતમાં પારસીઓની ઘટતી વસતિના કયાં મુખ્ય કારણો ??
સંસ્થા દ્વારા એક સર્વે કરાયો જેમાં સામે આવ્યું છેકે લગભગ 25 થી 30 ટકા પારસીઓ લગ્ન કરતા નથી. અને, લગ્ન કરનારા પારસીઓની સરેરાશ ઉંમર વધારે હોય છે. જેથી સમાજમાં બાળકોને જન્મ આપવાની ક્ષમતા ઘટી રહી છે. સાથે જ આ સમાજમાં પુરુષ અને સ્ત્રીઓ નોકરી અથવા તો કામકાજમાં વ્યસ્ત રહેતો હોય છે. જેથી એક જ બાળકોનો આગ્રહ વધારે રાખવામાં આવે છે. અને, વ્યસ્તતાના કારણે બીજા બાળક માટે આ સમાજમાં નિરાશા જોવા મળે છે.
પારસી ધર્મના રિતીરિવાજો પણ કારણભૂત
એક તારણ એવું પણ સામે આવ્યું છેકે પારસી ધર્મના રીતરિવાજો અને કાયદા પણ તેમની વસ્તી ઘટાડાનું મુખ્ય કારણ છે. આ સમાજમાં પારસી સ્ત્રી અન્ય સમાજમાં લગ્ન કરે તો તેની પારસી તરીકેની માન્યતા રદ થાય છે. અને, તેના બાળકોને પારસી ગણવામાં આવતા નથી.
પારસીઓમાં વિદેશગમન વધારે
પારસી કોમ મુખ્યત્વે મહેનતું અને આગવી વિચારસરણી ધરાવે છે. અને, તે સમાજ અને દેશના વિકાસમાં મોટું યોગદાન ધરાવે છે. સાથે જ આ કોમમાં ભણતર અને ગણતરનું મહત્વ રહેલું છે. જેથી આ કોમના લોકો વ્યક્તિગત વિકાસને પ્રાધાન્ય આપે છે. જેથી વિદેશ જવાનો ક્રેઝ આ કોમમાં છેલ્લા ઘણા વર્ષોમાં વધ્યો છે. જેથી ભારતમાં આ સમાજની વસ્તી સતત ઘટી રહી છે. છેલ્લા ઘણા સમયથી ભારતમાંથી યુરોપના દેશોમાં કે અમેરિકા, કેનેડા જેવા દેશોમાં પારસી સમાજનું સ્થળાંતર વધ્યું છે.