Narmada: કરજણ ડેમ ઓવરફ્લો, બે દરવાજા ખોલી 20 હજાર ક્યૂસેક પાણી છોડાયું, 6 ગામને સાબદાં કરાયાં
નર્મદા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામ નજીક આવેલી દેવ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

નર્મદા (Narmada) જિલ્લામાં ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડવાના કારણે કરજણ ડેમ (Karjan Dam) ના સરોવરમાં પાણી આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) ને કારણે કરજણ બંધની સપાટીમાં વધારો થતા સપાટી રૂલથી વધી જવાથી સવારે 11 કલાકે કરજણ બંધમાંથી આશરે 20 હજાર ક્યુસેક પાણી બે ગેટ ખોલીને કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું. કરજણ નદીમાં 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. જેના કારણે કરજણ નદી કિનારે આવેલ 6 ગામોને સાબદા (alert) કરવામાં અવ્યાં છે. કરજણ ડેમનું આજનું લેવલ 104 મીટરે પહોંચતા પાણી છોડવાની ફરજ પડી છે. કરજણ ડેમનું મહત્તમ લેવલ 115 મિટર છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે સરકાર તરફથી નર્મદા જિલ્લા માટે SDRFની એક ટીમ ફાળવવામાં આવેલ છે, જે પણ નદી કિનારાના ગામો પર તૈનાત કરી દેવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામ નજીક આવેલી દેવ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. દેવ નદી પાસે આવેલ મહારાષ્ટ્રને જોડતા પુલ પરથી પાણી વહી રહ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે સરકાર તરફથી નર્મદા જિલ્લા માટે SDRF ની એક ટીમ ફાળવવામાં આવેલ છે. તાકીદનાં સંજોગોમાં જરૂરિયાત ઊભી થાય ત્યારે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવાની રહેશે.
નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જિલ્લાના ડેડીયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, તિલકવાળા અને નાંદોદમાં વરસાદ પડ્યો છે. જિલ્લામાં વરસાદના આંકડા જોઉએ તો સાગબારામાં 1.1 ઇંચ, તિલકવાળામાં 3.38 ઇંચ, ગરુડેશ્વરમાં 3.22 ઇંચ, નાંદોદમાં 2.48 ઇંચ, ડેડીયાપાડામાં 1.77 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નદીનાળા છલકાઈ ગયાં છે. મોટા ભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો
ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 14190 ક્યુસેકની આવક થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 114.25 મીટર છે. અત્યારે મેઇન કેનલમાં માત્ર 5582 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલ 267.53 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.



