Valsad: ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતાં જેસીબી સાથે યુવક ફસાયો, 12 કલાક બાદ રેસ્ક્યૂ કરાયો
મોડી રાત્રે જેસીબી પર સુવા માટે ગયેલ ઈસમ અચાનક નદીમાં આવેલ પૂરમાં ફસાય જતા વાયુ વેગે વીડિયો વાયરલ થતા વહીવટી તંત્ર દ્વારા ઈસમને રેસ્ક્યુ કરવા તજવીજ હાથ ધરાઈ હતી.
વલસાડ (Valsad) જિલ્લામાં પાછલા ચાર દિવસથી સાર્વત્રિક ધોધમાર વરસાદ (Rain) પડી રહ્યો છે. પાછલા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 8 અને ધરમપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં ઘોડાપૂર (Flood) આવ્યા હતા. મોડી રાત્રે જેસીબી પર સુવા માટે ગયેલ ઈસમ અચાનક નદીમાં આવેલ પૂરમાં ફસાય જતા વાયુ વેગે વીડિયો વાયરલ થતા વહીવટી તંત્ર દ્વારા ઈસમને રેસ્ક્યુ કરવા તજવીજ હાથ ધરાઈ હતી. જોકે રાતે આ ઘટના બની હોવાથી આખી રાત તે જેસીબી પર જીવન મરણ વચ્ચે જેસીબી પર બેસી રહ્યો હતો. તેણે જીવવાની આશા જ છોડી દીધી હતી. પણ વહેલી સવારે એનડીઆરએફની ટીમને આ અંગે જાણકારી મળતાં તેણે તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને જેસીબી પર ફસાયેલા શખ્સને બચાવી લીધો હતો.
વલસાડની ઔરંગા નદીમાં પૂર આવતાં નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના તરિયાવાડ વિસ્તાર ખૂબ જ ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાણીનો નિકાલ જલ્દી ન થતો હોવાના કારણે લોકો પોતાનો સામાન અન્ય સ્થળે શિફ્ટ કરીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. તરિયાવાડ વિસ્તારના આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે.. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધરમપુરમાં છેલ્લા બે દિવસમાં 16 ઈંચથી વધારે વરસાદ ખાબકતાં ઔરંગા નદી ભયજનક સપાટી વટાવીને તોફાની રીતે વહી રહી છે. જેના કારણે વલસાડમાં પાણી ભરાઈ ગયા છે.. ભૈરવી નજીક ઔરંગા નદીની ભયજનક લેવલ 4 મીટર છે. પરંતુ સવારે ઔરંગા નદી ભયજનક સપાટીથી ઉપર 6 મીટરે વહી રહી હતી.
નદીના પાણી વલસાડના કાશ્મીરાનગર, ભરૂડિયા વાડ સહિતના વિસ્તારોમાં ઘૂસી ગયા બાદ કલેક્ટરે લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની સૂચના આપી છે. તો સ્થાનિક વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને નદીકાંઠાની નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું સ્થળાંતર હાથ ધર્યું હતું.
મોડી રાતથી જ ઓરંગા નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને નદીના પાણી કિનારો વટાવી અને રહેણાક વિસ્તારમાં પ્રવેશ્યા હતા. ઓરંગા નદી કિનારે આવેલા વલસાડના કશ્મીરાનગર , બરૂડિયાવાડ અને ગોળીબાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશ્યા હતા. જેની જાણ થતા જ સંબંધિત વિભાગની અધિકારીઓ જે તે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી અને લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. ઘરોમાં પાણી પ્રવેશતા જ સમગ્ર વિસ્તારોમાં દોડ ધામ મચી ગઈ હતી. લોકો પોતાનો સર સામાન બચાવી અને સલામત સ્થળે ખસી રહ્યા હતા. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને રાખવા માટે સેન્લર હોમ બનાવવામાં આવ્યા છે.